નોટબંધીને આઠ વર્ષ પૂરા થવા છતાં દેશમાંથી કાળા નાણાંનું દૂષણ સંપૂર્ણ નાબુદ નહીં થયાનું એક સર્વે રિપોર્ટમાં જણાવાયું છે. દેશના ૯૦ ટકા લોકો હજુપણ માની રહ્યા છે કે, રિઅલ એસ્ટેટ ક્ષેત્રમાં બ્લેક મની મોટી માત્રામાં પ્રવર્તી રહ્યું છે અને જમીન/પ્રોપર્ટી માટે એક સેન્ટ્રલ ડેટા બેઝ તૈયાર કરવાના સરકારના પ્રયાસો હજુ પણ ટૂંકા જણાઈ રહ્યા છે. ૬૨ ટકા પ્રોપર્ટીધારકોએ હજુપણ પોતાની પ્રોપર્ટીને આધાર સાથે લિન્ક કરી નથી. ૮ નવેમ્બર, ૨૦૧૬ના સરકારે રૂપિયા ૧૦૦૦ તથા રૂપિયા ૫૦૦ની નોટ રાતોરાત પાછી ખેંચી લીધી હતી. દેશમાંથી બ્લેક મની અને ભ્રષ્ટાચારને નાબુદ કરવાની લડતના ભાગરૂપ આ પગલું આવી પડયું હતું. જો કે નોટબંધીના આઠ વર્ષ પછી પણ હેતુ સિદ્ધ થયાનું જણાતું નથી કારણે કેશ ઈન સર્ક્યુલેશન જે ૨૦૧૬માં રૂપિયા ૧૭ લાખ કરોડ રહી હતી તે ૨૦૨૪માં બમણી થઈને રૂપિયા ૩૪ લાખ કરોડ પર પહોંચી ગઈ છે.
સૌથી રોકડ વ્યવહાર રિઅલ એસ્ટેટ ક્ષેત્રમાં જોવા મળી રહ્યો હોવાનું સર્વે રિપોર્ટમાં જણાવાયું છે. કારણ કે આજપણ પ્રોપર્ટીના અસંખ્ય વ્યવહારો બેનામી થતા હોવાનું જોવા મળી રહ્યું છે. પ્રોપર્ટીને આધાર સાથે જોડી દેવા પાછળનો હેતુ પ્રોપર્ટીની માલિકી પર સ્પષ્ટ રીતે નજર રાખવા માટેનો છે. ખાનગી પેઢી દ્વારા દેશના ૩૭૨ જિલ્લાઓમાં ૪૬૦૦૦ નાગરિકોના હાથ ધરાયેલા સર્વમાં જણાયું હતું કે, ૬૨ ટકા પ્રોપર્ટી માલિકોએ પોતાની પ્રોપર્ટીને આધાર સાથે લિન્ક કરાવી નથી. આમ પ્રોપર્ટીના રેકોર્ડસને સંપૂર્ણ રીતે ડિજિટાઈઝડ કરવાના સરકારના પ્રયાસો હજુપણ ધીમી ગતિએ આગળ વધી રહ્યાનું આના પરથી જણાય છે, એમ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે.
પ્રોપર્ટીના રેકોર્ડસને ડિજિટાઈઝડ કરવાની સરકારની પહેલ અંગેથી અસંખ્ય લોકો હજુપણ અજાણ હોવાનું સર્વમાં જણાયું છે. ઊંચા વેરા દરને ધ્યાનમાં રાખી પ્રોપર્ટી ખરીદનારાઓ કેશમાં પ્રોપર્ટી ખરીદવાનું પસંદ કરી રહ્યા છે. અત્રે ઉલ્લેખનિય છે કે નોટબંધીના કાળમાં સરકાર રૂપિયા ૨૦૦૦ની ચલણી નોટ બહાર પાડી હતી અને તે પણ હવે પાછી ખેંચાઈ ગઈ છે તેમ છતાં બ્લેક મનીની માત્રા ઊંચી જોવા મળી રહી છે. રોકડમાં વ્યવહાર કરવા માટે રૂપિયા ૫૦૦ તથા રૂપિયા ૨૦૦ની ચલણી નોટો ઉપયોગમાં લેવામાં આવે છે.હાલમાં દેશના કેટલાક રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે મોટી સંખ્યામાં રોકડ પકડાવાના અહેવાલો આવી રહ્યા છે, જે કાળા નાણાંનું દૂષણ હજુપણ અટકયું નહીં હોવાનું સૂચવે છે.