– હિટ ફિલ્મ બારવી ફેઈલની પ્રિકવલ હશે
– 13મી ડિસેમ્બરે રીલિઝ થનારી ફિલ્મને પુષ્પા ટૂ તથા છાવાનો સામનો કરવો પડશે
મુંબઈ : વિક્રાંત મેસી અને મેઘા શંકરની ફિલ્મ ‘બારવી ફેઈલ’ની પ્રિકવલ ‘ઝીરો સે રીસ્ટાર્ટ’ આગામી ડિસેમ્બરમાં રીલિઝ થશે. ફિલ્મ સર્જક વિધુ વિનોદ ચોપરાએ આ ફિલ્મનું ડિજિટલ મોશન પોસ્ટર રીલિઝ કર્યું હતું અને તેની સાથે જ ફિલ્મની રીલિઝ ડેટ જાહેર કરી હતી. અગાઉ વિધુ વિનોદ ચોપરાએ એક ફિલ્મ એવોર્ડ સમારોહમાં જ આ ફિલ્મની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે ‘બારવી ફેઈલ’ ફિલ્મને સૌએ વખાણી છે. હવે એ ફિલ્મની વાર્તા પહેલાંની પણ વાત કહેવા હું ‘ઝીરો સે રી સ્ટાર્ટ’ ફિલ્મ બનાવી રહ્યો છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે આ ફિલ્મની મોટાભાગની કાસ્ટ પ્રિકવલમાં પણ રીપિટ થશે.
હવે તેમણે ‘ઝીરો સે રીસ્ટાર્ટ’નું મોશન પોસ્ટર રીલિઝ કરતી વખતે આ ફિલ્મ આગામી તા. ૧૩મી ડિસેમ્બરે રીલિઝ થશે તેવી જાહેરાત કરી છે.
જોકે ,તેમની આ જાહેરાતથી ટ્રેડ પંડિતો આશ્ચર્ય પામ્યા છે. આગામી તા. પાંચમી ડિસેમ્બરે અલ્લુ અર્જુનની ‘પુષ્પા ટૂ’ રીલિઝ થઈ રહી છે. તે પછી તા. છઠ્ઠી ડિસેમ્બરે વિકી કૈૌશલની ‘છાવા’ રીલિઝ થઈ રહી છે. આ બંને મોટી ફિલ્મોનો દબદબો કેટલાંક સપ્તાહ સુધી ટિકિટબારી પર જળવાઈ રહે તેવી સંભાવના છે.