Rodrigo Hernandez aka Rodri Win Ballon d’Or Award : સ્પેન અને માન્ચેસ્ટર સિટીના મિડફિલ્ડર રોડ્રિગો હર્નાન્ડિઝે ફૂટબોલનો સૌથી મોટો એવોર્ડ જીતી લીધો છે. ચાહકો તેને રોડ્રી તરીકે બુલાવે છે. તેણે પુરુષોનો બેલોન ડી’ઓર 2024 એવોર્ડ જીત્યો છે. પરંતુ સૌથી રસપ્રદ વાત એ છે કે તેણે વિનિસિયસ જુનિયર અને જુડ બેલિંગહેમની રિયલ મેડ્રિડની જોડીને હરાવીને આ મોટો એવોર્ડ પોતાના નામે કર્યો હતો. બીજી તરફ બાર્સેલોનાની મહિલા ફૂટબોલર એતાના બોનમતીએ સતત બીજી વખત મહિલા બેલોન ડી’ઓર એવોર્ડ જીત્યો હતો. બોનમતીએ બાર્સેલોનાની લીગા એફ અને ચેમ્પિયન્સ લીગ ડબલમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
સતત ચોથું પ્રીમિયર લીગનું ટાઇટલ જીત્યું
છેલ્લા કેટલાક સમયથી રોડ્રી જોરદાર પ્રદર્શન કરી રહ્યો છે. વર્ષ 2023-24માં તેની કારકિર્દીનું આ શ્રેષ્ઠ વર્ષ રહ્યું છે. ત્યારબાદ તેણે સતત ચોથું પ્રીમિયર લીગનું ટાઇટલ જીત્યું અને સ્પેન માટે યુરો 2024 ટ્રોફી જીતી હતી. તે યુરો કપ 2024માં સ્પેન માટે સૌથી મોટા વિજેતા બન્યો હતો. ફાઇનલમાં તે લગભગ અડધો સમય બહાર બેસી રહ્યો હતો. તેમ છતાં તેને જર્મનીમાં યોજાયેલી ટુર્નામેન્ટમાં શ્રેષ્ઠ ખેલાડીનો એવોર્ડ મળ્યો હતો. ગયા વર્ષે તેણે દેશ અને ક્લબ માટે હાર્યા વિના કુલ 74 મેચ રમી હતી.
કુટુંબે મને યોગ્ય પગલાં લેવાનું શીખવ્યું
બેલોન ડી’ઓર એવોર્ડ જીત્યા બાદ રોડ્રીએ કહ્યું હતું કે, મારી પાસે લોકોનો આભાર માનવા માટે ઘણી બધી વસ્તુઓ છે. સૌથી પહેલા હું ફ્રાન્સ ફૂટબોલ અને યુઇએફએનો આભાર માનું છું. હું તેમનો પણ આભાર માનું છું કે જેમણે મને મત આપ્યો અને મારા પર વિશ્વાસ કર્યો. આજનો દિવસ મારા માટે, મારા પરિવાર માટે અને મારા દેશ માટે ખૂબ જ ખાસ છે. મારી ગર્લફ્રેન્ડ લૌરાનો આભાર માનું છું. કુટુંબે મને યોગ્ય પગલાં લેવાનું શીખવ્યું છે અને મને હું આજે જેવો માણસ છું. તે બનવામાં મને મદદ કરી છે.
એવોર્ડ જીતનાર સ્પેનનો ત્રીજો ફૂટબોલર
28 વર્ષીય રોડ્રી બેલોન ડી’ઓર એવોર્ડ જીતનાર સ્પેનનો ત્રીજો ફૂટબોલર છે. તેણે અગાઉ આલ્ફ્રેડો ડી સ્ટેફાનો ( સન 1957 અને 1959) અને લુઈસ સુઆરેઝ (સન 1960)એ સ્પેશ માટે આ મુખ્ય એવોર્ડ જીત્યો હતો. 21 વર્ષમાં આવું પહેલી વખત બન્યું છે કે જ્યારે લિયોનેલ મેસ્સી કે ક્રિસ્ટિયાનો રોનાલ્ડો બેમાંથી કોઈ પણ આ પ્રતિષ્ઠિત એવોર્ડ માટે નોમિનેટ થયું નથી.