શ્રીમદ્ ભાગવત, સંસ્કૃત સાહિત્યની, સર્વોત્કૃષ્ટ કૃતિ છે. જીવમાત્રના કલ્યાણ માટે છે. તેનો આવિર્ભાવ ભક્તજનોના હૃદયને… જીવન સ્પંદનને શ્વાસ-પ્રાણને, સતત પ્રભુમય… ભક્તિમય રાખે છે.શ્રીમદ્ ભાગવતના દસમ સ્કંધ (ઉત્તરાર્ધમાં) શ્રીકૃષ્ણ ‘રાસલીલા’ પ્રસંગ આવે છે. શરદ પૂર્ણિમાના દિને ‘રાસલીલા’ મહાયોગ બનેલો.લૌકિક ‘કામાચારના’ અર્થમાં રાસલીલાનો પ્રસંગ વિચારવાનો નથી. શ્રી કૃષ્ણ તો તે સમયે અગિયાર વર્ષના હતા. વળી, પરિક્ષિતરાજાને ભાગવત કથા સંભળાવનાર મહાપરમહંસ… બ્રહ્મનિષ્ઠ શ્રી શુકદેવજી હતા. આવા બ્રહ્મનિષ્ઠને ‘લૌકિક’ ‘કામ’ની વાતો સંભળાવવાનું પ્રયોજન ન જ હોય. ‘રાસલીલા’ પ્રસંગ એટલે જીવ-ઈશ્વરનો સંયોગ “અદ્વૈત”ની ઉચ્ચ ભૂમિકાની વાત છે.’રાસલીલા’ વિશુદ્ધ-દિવ્યપ્રેમ સ્વરૂપ છે. ગોપીઓ શુદ્ધ-બ્રહ્મ રસ રૂપ ઈશ્વરનું ચિંતન કરી તેમાં ડૂબી જાય છે… ને, પરિશુદ્ધ અંત:કરણમાં ઈશ્વરનું મિલન-ઐક્ય પ્રાપ્ત કરે છે. બ્રહ્માનંદ પ્રાપ્તિનો દિવ્ય અનુભવ કરે છે. આ રીતે ‘રાસલીલા’ પ્રસંગનો મર્મ સમજવાનો છે.
‘રાસલીલા’માં શરીરસંબધની બિલકુલ વાત જ નથી. રાસલીલા વખતે ગોપીઓનું ભૌતિક શરીર તો, તેમના ઘરમાં હતું. રાસલીલામાંના ગોપીઓના આધ્યાત્મિક સૂક્ષ્મ શરીરનું, ઈશ્વર સાથેનું શુદ્ધતમ ભાવમિલન હતું.આ ‘રાસલીલામાં’ ગોપીઓનાં પાંચ કર્મેન્દ્રિય, પાંચ જ્ઞાનેન્દ્રિય, પાંચ પ્રાણ અને મન-બુદ્ધિ મળીને ૧૭ તત્વોનું સ્થાન જ ન હતું. એવી શુદ્ધ-ઉચ્ચતમ અવસ્થામાં ગોપીઓએ શુદ્ધ “ભાવ ઐક્ય” અનુભવ્યું છે.રાસલીલાના આરંભમાં જ ગોપીઓએ કહેલું કે – “અમે સર્વ વિષયોનો (કામવાસનાઓનો) ત્યાગ કરીને આવ્યા છીએ.” અમે ‘સ્ત્રીત્વનો’ પણ, ત્યાગ કર્યો છે. ગોપીઓ રાતદિન હળપળ, ઈશ્વરભાવથી જ શ્રીકૃષ્ણનું ચિંતન કરતી હતી. તેથી તો “શ્રી કૃષ્ણતત્વ”મય બની ગઈ હતી. પછી, તુચ્છ શરીર સંબંધની વાત જ ક્યાં આવી? જેમ નાનો બાળક, નિર્વિકાર ભાવે અરીસામાં (દર્પણમાં) પોતાના પ્રતિબિંબ સાથે ખેલે છે, તેવી રીતે ‘રાસલીલા’, આત્માનું આત્મા સાથેનું રમણ છે. ભગવાન શ્રી કૃષ્ણ પરમ આત્મા છે. આત્માકાર વૃત્તિ તે રાધિકાજી છે. બાકીની ગોપીઓ પણ આત્માભિમુખ વૃત્તિઓ છે. બ્રહ્મનું બ્રહ્મ સાથેનું ઐક્ય છે. ગોપીઓના આધિદૈવિક આધ્યાત્મિક સ્વરૂપનું પરમાત્મા સાથેનું મિલન છે. ઉપર કહ્યું તે પ્રમાણે રાસલીલા પ્રસંગનો “આધ્યાત્મિક મર્મ” સમજીને, ચિંતન-મનન કરવાથી “કામવૃત્તિઓનો” નાશ થાય છે.
શરદ પૂનમના સાત્વિક… શાંત… પવિત્ર… દિવ્ય પ્રકાશમાં દૂધપૌઆનો પ્રસાદ લઈએ… મનોરંજન ખાતર દાંડિયારાસ રમીએ એટલું પૂરતું નથી.કલાક… અર્ધો કલાક… શરદ પૂર્ણિમાના પવિત્ર પ્રકાશમાં ‘ધ્યાનસ્થ’ થઈ, ઈશ્વર સાથેનું “રસઐક્ય” માણવાનું પણ રાખવું જોઈએ. આવું ધ્યાન આપણી ચેતનાના ઉર્ધ્વીકરણ માટે અત્યંત જરૂરી છે.