શરદપૂનમની રાત એના સમગ્ર વૈભવ સાથે હાજર હોય ત્યારે તેના રૂપેરી સૌંદર્યનું પાન કરનાર નસીબદાર ગણાય. આ ચેતનવંતી રાત એટલે તન-મનથી નાચી ઉઠવાની રાત. આ ચાંદની રાત એટલે સોળે શણગાર સજીને પ્રિયતમના આગમનની આતુરતાપૂર્વક રાહ જોઈ રહેલી યુવા-સ્ત્રી જેવી સોહામણી રાત. આ રાતની વાત જ ન્યારી. જે એની અદબ જાળવી રાખે તેને જ એના રહસ્યનો રોમાંચ પ્રાપ્ત થાય. શરદપૂનમની રાત આવતાં જ શ્રીકૃષ્ણની રાસલીલા નજર સામે આવી જાય. શરદપૂર્ણિમાની રાત આવતાં જ કૃષ્ણઘેલું મન એકાદ ગોપી બની હજારો વર્ષો પૂર્વે ખેલાઈ ગયેલી રાસલીલાના મંડળમાં ગોઠવાઈ જાય છે. શ્રીકૃષ્ણનો ગોપાંગનાઓ સાથેનો રાસ સાધારણ રાસ નથી. એક વિરાટ રાસનું સુક્ષ્મ પ્રતિબિંબ છે. બ્રહ્મવૈવર્ત પુરાણના બ્રાહ્મખંડ મુજબ શ્રીકૃષ્ણના વામભાગમાંથી રાધાજીનો પ્રાદુર્ભાવ થયો હતો અને રાધાજીના રોમકૂપોમાંથી ગોપાંગનાઓનો આવિર્ભાવ થયો હતો. રોમકૂપ એટલે રૃંવાટાવાળા ચામડીના અનેક છિદ્રો. રાધાજીના શરીર પર જેટલાં છિદ્રો હતાં એટલી ગોપાંગનાઓનો આવિર્ભાવ થયો હતો. શરદપૂનમની એ રાસલીલાવાળી રાત કેવી હતી ?
શરદઋતુ હતી. મલ્લિકા અને ચમેલી જેવાં ‘સુગંધિત ફૂલો ખીલીને મહેંકી રહ્યાં હતાં. ચન્દ્રદેવ પૂર્વદિશાને પોતાના શીતળ કિરણોથી જાણે કંકુ-કેસર વડે લાલાશ બક્ષી રહ્યા હતા. ચંદ્ર કિરણોથી સમગ્ર કુંજ, નિકુંજ વ્રજમંડળ અનુરાગના રંગે રંગાઈ ગયું હતું. કોયલના કુહૂ…કુહૂ..થી મોરના કેકારવથી, ભ્રમરોના મધુર ગુંજારવથી ત્યાંની માદકતા ઓર વધી રહી હતી. ચંદન, અગર અને કસ્તૂરીની સુગંધ ગોળાકાર રાસમંડળને ચકચૂર બનાવી રહી હતી. ત્યાં ફૂલોથી ભરચક બગીચા હતા. ક્રીડા સરોવરો હતાં. સરોવરોના શુધ્ધ જળમાં હંસ, કારંડવ તથા જલકુકકુટ જેવા પક્ષીઓ કલરવ કરી રહ્યાં હતાં.
ચીરહરણ લીલાવખતે કાત્યાયની દેવીનું વ્રત કરતાં ગોપીઓએ એક કામના કરી હતી. ‘નંદગોપ સુતં દેવિ પતિં મે કુરૂ તે નમ 🙂 હે દેવી, નંદનંદન શ્રીકૃષ્ણને અમારા પતિ બનાવજો. શ્રીકૃષ્ણએ તે વખતે ચીરઘાટ પર ગોપીઓને ભવિષ્યમાં આવનારી એક અલૌકિક શરદપૂનમની રાત્રિનો સંકેત આપ્યો હતો. (યાતા બલા વ્રજં સિધ્ધા મયેમારંસ્થથ ક્ષમા 🙂 હે કુમારિકાઓ, તમારી સાધના સિધ્ધ થઈ છે. હવે તમે પોતપોતાના ઘરે જાવ. તમે આવનારી શરદપૂનમની રાતે મારી સાથે વિહાર કરશો. ‘ એ આપેલા વચન મુજબ આ રસઝરતી રાત આવી હતી. રાસમંડળમાં સૌ ભેગા થયાં. જો કે શરૂઆતમાં શ્રીકૃષ્ણએ ગોપીઓની અવજ્ઞા કરી. પતિવ્રતા સ્ત્રીઓની માફક પોતપોતાના ઘરે પાછા જવા સમજાવી. પણ ગોપીઓ પાછી ના ગઈ. રડી પડી. તેમના રૂદનથી શોક છવાઈ ગયો. શ્રીકૃષ્ણને તેમનું એક એક આંસુ દરિયા જેટલું મોટું લાગ્યું. ‘હે કૃષ્ણ, અમે તમારી સેવા કરવા માટે સંસારની સઘળી માયાનો ત્યાગ કર્યો છે. તેમની પ્રેમભાવના જોઈ શ્રીકૃષ્ણએ તેમના મનની બધી વિટંબણા છીનવી લીધી. ત્યારબાદ શ્રીકૃષ્ણએ મનનું હરણ કરનારો ‘કૂલીં’નો મધુર વેણુનાદ છેડયો, શ્રીકૃષ્ણ ‘અમના’ (મન વગરના) હોવા છતાં પોતાના મુમુક્ષુ ભક્ત ગોપીઓ માટે ‘મન’નો સ્વીકાર કર્યો.
અહીં કૃષ્ણ કૃષ્ણની માફક રાસ નથી કરતા. તે રાસમંડળમાં પ્રકૃતિની સામે પુરૂષતત્વની માફક નૃત્ય કરે છે. દરેક ગોપીને પોતાની બાજુમાં રાસ કરતો કૃષ્ણ ફક્ત પોતાનો જ કૃષ્ણ દેખાય છે. આવો કૃષ્ણ આપણને કેમ નથી દેખાતો ? કારણ, આપણે કળિયુગી જીવો છીએ. શ્રદ્ધા કરતાં બુધ્ધિને વધારે મહત્ત્વ આપીએ છીએ. જો કૃષ્ણ રૂબરૂ નજર સામે હોય તોય સાબિતી માંગીએ છીએ. અહીં ગોપીઓનો દેહ વાંસળીનો સ્વર સાંભળતાં જ વીણાના તારની માફક ઝૂંકૃત થઈ જાય છે. એ બંસરીનાદની માદકતા તન-મનને ડોલાવી દે છે. રાસલીલા દરમ્યાન શ્રીકૃષ્ણ ગોપીઓના હૈયાની ધરતી પર પ્રસન્નતાનું વાવેતર કરે છે. અને ગોપીઓ આનંદની એક એક ક્ષણને લણી લે છે. ફૂલમંજરીની લથબથતી સુગંધ સૌના શ્વાસો મહેંકાવી રહી છે. માંગ્યું મળે અને મન છલકાતું હોય ત્યારે કોને ખુદનું ભાન રહે ? શ્રીકૃષ્ણના હાથની તાળી ઝીલતાં ગોપીઓ ભીતરથી એવી હરખાય છે જાણે વૈકુંઠ મળી ગયું !!
રાસલીલામાં નૃત્ય કેન્દ્ર સ્થાને છે, મોર ભાષા નથી જાણતો પણ નૃત્ય કરે છે. પતંગિયાં ભાષા નથી જાણીતા પણ ફૂલે ફૂલે પાંખો ફરકાવતાં ગોળ ગોળ ફરી નૃત્ય કરે છે. ગૂંગો માણસ હાથ-પગના ઇશારાથી વાતો કરે છે. જ્યાં શબ્દ નથી પહોંચતો ત્યાં નૃત્ય પહોંચે છે. શ્રીકૃષ્ણ પોતાના હાવ-ભાવ અને ક્રિયાઓ ગોપીઓને અનુકૂળ કરે છે. કૃષ્ણ અચ્યુત છે. સ્થિર છે પણ ભક્તોને અપાર આનંદ આપે છે. ગોપીઓનો આખો દેહ માથું ધુણાવીને ડોલાયમાન થઈ રહ્યો છે.અંતરમાં કૃષ્ણ પ્રેમનો નશો છે, લોહીમાં બંસરીનાદનો ઘૂંટાયેલો ઉન્માદી સૂર છે. નાસિકામાં ઘેરાતો ફૂલોની ખુશ્બોનો છાક છે. ગોપીઓને શ્રીકૃષ્ણમાં બ્રહ્મભાવ જાગે છે. શ્રીકૃષ્ણ પણ તેમના પ્રાકૃત શરીરનો ત્યાગ કરાવી યોગ્ય દિવ્ય શરીર પ્રાપ્ત કરાવે છે. (ભા.દશમસ્કંધ : ૨૯ :૧૧) રાસલીલા જ્યારે ઉચ્ચતમ સ્થિતિએ પહોંચે છે ત્યારે ગોપીઓનો હાવ-ભાવ, અવલોકન, વિલાસ અને વાણીની છટા શ્રીકૃષ્ણમય બની જાય છે. હું જ કૃષ્ણ છું એવું કહેતી થઈ જાય છે. અનંત આકાશની માફક એકરૂપ-એકરસ થઈ જાય છે. ભક્તિ પ્રેમની આ શ્રેષ્ઠતમ અવસ્થા છે.
આપણે જયાં નજર કરીએ ત્યાં કુદરતમાં એક રાસ અવિરત ચાલી રહ્યો છે. સૂર્ય, ચન્દ્ર, તારા, નક્ષત્રો બધા રાસ રમી રહ્યા છે. ગોળ ગોળ ફરી રહ્યા છે. જાણે બ્રહ્માંડ નૃત્ય કરી રહ્યું છે.
શ્રીકૃષ્ણએ જે ચંદ્રની ચાંદનીમાં રાસલીલા કરી હતી તે ચંદ્ર આજેય છે. એ ખળખળ વહેતી યમુના નદી, તેની ઘાટ, મહારાસ વખતનું પરસોલી ગામ એ ચંદ્ર સરોવર તેની બાજુનો રાસચોતરો, એ કદમ્બર વૃક્ષો, કૃષ્ણએ વળ ચઢાવેલાં એઠાં કદમ્બ, એ કૃષ્ણકુંડએ ગિરિરાજ, એ રમણરેતીના રતકણ એ ગોકુળ, એ વૃંદાવન.. બધું આજેય છે. જીવંત છે, કાશ, એ પવિત્ર ધરતીની યાત્રા કરતી વખતે નીચે શ્રીકૃષ્ણના પડેલાં પગલાંની ભાળ મળી જાય ! એ કૃષ્ણની ચરણરજ આપણા રૃંવાટાને કૃષ્ણ ઘેલું કરી દે ! મનનો તાર કૃષ્ણ સાથે એવો જોડાઈ જાય કે કાન સરવાં કરતાં જ આજેય આપણને શ્રીકૃષ્ણની રાસલીલાની ગુંજ સંભળાય.’