૨૦૨૪ ના પ્રથમ છ મહિનામાં દેશમાં ઇન્સ્ટન્ટ પેમેન્ટ સિસ્ટમ યુપીઆઈ દ્વારા વ્યવહારોની સંખ્યા વાર્ષિક ધોરણે ૫૨ ટકા વધીને ૭૮.૯૭ અબજ થઈ ગઈ છે. પેમેન્ટ ટેકનોલોજી સર્વિસ પ્રોવાઈડર ‘વર્લ્ડલાઈન’ એ એક રિપોર્ટમાં આ જાણકારી આપી હતી. જાન્યુઆરી, ૨૦૨૩માં યુપીઆઈ ટ્રાન્ઝેક્શનની સંખ્યા ૮.૦૩ અબજ હતી, જે જૂન, ૨૦૨૪ સુધીમાં વધીને ૧૩.૯ અબજ થઈ ગઈ છે. ટ્રાન્ઝેક્શનની સંખ્યામાં આ વધારો ચુકવણી મૂલ્યમાં થયેલા વધારા સાથે પણ મેળ ખાય છે. જાન્યુઆરી, ૨૦૨૩માં, યુપીઆઈ દ્વારા ૧૨.૯૮ લાખ કરોડ રૂપિયાના વ્યવહારો થયા હતા, જે જૂન, ૨૦૨૪માં વધીને ૨૦.૦૭ લાખ કરોડ રૂપિયા થઈ ગયા હતા.રિપોર્ટ અનુસાર, ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણીએ વર્ષ ૨૦૨૪ના પ્રથમ છ મહિનામાં યુપીઆઈ વ્યવહારોની સંખ્યામાં ૫૨ ટકાનો વધારો થયો છે.
૨૦૨૩ના પ્રથમ છ મહિનામાં વ્યવહારોની સંખ્યા ૫૧.૯ અબજ હતી જે આ વર્ષના સમાન સમયગાળામાં વધીને ૭૮.૯૭ અબજ થઈ છે. આ સમયગાળા દરમિયાન યુપીઆઈ ટ્રાન્ઝેક્શનના મૂલ્યમાં ૪૦ ટકાનો વધારો થયો છે. તે રૂ. ૮૩.૧૬ લાખ કરોડથી વધીને રૂ. ૧૧૬.૬૩ લાખ કરોડ થયો છે.વર્ષના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં યુપીઆઈ વ્યવહારોની સરેરાશ ટિકિટ કદ (ટ્રાન્ઝેક્શન દીઠ મૂલ્ય)માં આઠ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. ગયા વર્ષના પ્રથમ અર્ધવાષક ગાળામાં સરેરાશ ટિકિટનું કદ રૂ. ૧,૬૦૩ હતું જ્યારે આ વર્ષના પ્રથમ છ મહિનામાં તે ઘટીને રૂ. ૧,૪૭૮ પર આવી ગયું છે. ટિકિટના સરેરાશ કદમાં વ્યક્તિ-થી-વ્યક્તિ (P2P) અને વ્યક્તિ-થી-શોપ (P2M) વ્યવહારોનો સમાવેશ થાય છે.