રોકાણકારોની સંપતિમાં રૂ.4.18 લાખ કરોડનું ધોવાણ

FPIsની ‘ઈન્ડિયા એક્ઝિટ’ : ચાર દિવસમાં રૂ.૪૦,૫૧૧ કરોડની વેચવાલી.

ઈરાન-ઈઝરાયેલ વચ્ચે યુદ્વની સ્ફોટક પરિસ્થિતિ નિર્માણ થઈ રહી હોઈ ગમે તે ઘડીએ ભીષણ યુદ્વ ફાટી નીકળવાની દહેશત અને અમેરિકાએ પણ ઈઝરાયેલનું સમર્થન કરી ઈરાન પર વળતો પ્રહાર કરવા લીલીઝંડી આપી દેતાં આ સ્ફોટક પરિસ્થિતિ અને બીજી તરફ ચાઈના સ્ટીમ્યુલસ-રાહતનું મેગા પેકેજ જાહેર કર્યા બાદ હજુ ૧.૪ લાખ કરોડ ડોલરનું આર્થિક પેકેજ લઈને આવી રહ્યાના અહેવાલોએ ફોરેન ફંડોની ભારતીય શેર બજારોમાંથી એક્ઝિટ ચાલુ રહી ચાઈના તરફ વળી રહ્યાના નિર્દેશોએ આજે સેન્સેક્સે ૮૨૦૦૦ની સપાટી અને નિફટીએ ઈન્ટ્રા-ડે ૨૫૦૦૦ની સપાટી ગુમાવી હતી. એફપીઆઈઝની આજે વધુ રૂ.૯૮૯૭ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી સાથે ચાર ટ્રેડીંગ દિવસમાં રૂ.૪૦,૫૧૧ કરોડના શેરોની જંગી ચોખ્ખી વેચવાલી કરી છે. વોલેટીલિટી વચ્ચે નિફટી ૫૦ સ્પોટ ઉપરમાં ૨૫૪૮૫.૦૫ સુધી વધી આવી નીચામાં ૨૪૦૬૬.૮૦ સુધી ખાબકી અંતે ૨૩૫.૫૦ પોઈન્ટ તૂટીને ૨૫૦૧૪.૬૦ બંધ રહ્યો હતો. જ્યારે સેન્સેક્સ ઉપરમાં ૮૩૩૬૮.૩૨  સુધી જઈ નીચામાં ૮૧૫૩૨.૬૮ સુધી ગબડી અંતે ૮૦૮.૬૫ પોઈન્ટ તૂટીને ૮૧૬૮૮.૪૫ બંધ રહ્યો હતો. આ સાથે પાંચ દિવસમાં સેન્સેક્સમાં ૪૧૪૮ પોઈન્ટ અને નિફટીમાં આઈટી શેરોમાં આકર્ષણ સામે ફાઈનાન્સ, એફએમસીજી, બેંકિંગ, ઓટો, સ્મોલ, મિડ કેપ શેરોમાં સતત ગાબડાં પડયા હતા.સ્મોલ, મિડ કેપ શેરોમાં વ્યાપક ગાબડાં :  FPIs/FIIની રૂ.૯૮૯૭ કરોડની વેચવાલી.

ઓટો ઈન્ડેક્સ ૮૯૪ તૂટયો.

ઓટોમોબાઈલ કંપનીઓના શેરોમાં આજે ફંડોએ સતત મોટું ઓફલોડિંગ કરતાં ગાબડાં પડયા હતા. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૧૧૨.૧૫ તૂટીને રૂ.૩૦૧૭.૦૫, હીરો મોટોકોર્પ રૂ.૧૪૮.૫૫ તૂટીને રૂ.૫૫૫૧૩.૮૫, ટયુબ ઈન્વેસ્ટમેન્ટ રૂ.૯૫.૯૫ તૂટીને રૂ.૪૦૮૮, એમઆરએફ રૂ.૨૫૪૫.૦૫ તૂટીને રૂ.૧,૩૩,૫૯૨.૫૫, મારૂતી સુઝુકી રૂ.૫૦.૫૫ ઘટીને રૂ.૧૨,૬૦૨.૯૦ રહ્યા હતા. અલબત ટાટા મોટર્સમાં ઘટાડો અટકી રૂ.૪.૭૦ વધીને રૂ.૯૩૦.૭૦, સુંદરમ રૂ.૩૨.૩૦ વધીને રૂ.૧૪૧૯ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૮૯૩.૮૧ પોઈન્ટ ગબડીને ૫૮૫૩૯.૫૧ બંધ રહ્યો હતો.

કન્ઝયુમર શેરોમાં ગાબડા

કન્ઝયુમર ડયુરેબલ્સ કંપનીઓના શેરોમાં પણ ફંડોએ મોટી વેચવાલી કરી હતી. ઈ-કોમર્સમાં તહેવારોના મેગા સેલમાં અપેક્ષિત પ્રતિસાદ નહીં મળ્યાના અહેવાલો વચ્ચે શેરોમાં વેચવાલી વધી  હતી. બ્લુ સ્ટાર રૂ.૮૬.૩૦ ઘટીને રૂ.૨૦૬૦.૫૦, વોલ્ટાસ રૂ.૩૨.૫૫ ઘટીને રૂ.૧૮૧૩.૯૫, આદિત્ય બિરલા ફેશન રૂ.૧૧.૯૫ ઘટીને રૂ.૩૩૨.૭૫, હવેલ્સ ઈન્ડિયા રૂ.૪૧.૦૫ ઘટીને રૂ.૧૯૩૩, ટાઈટન રૂ.૧૩.૮૫ ઘટીને રૂ.૩૬૬૩.૨૦ રહ્યા હતા. જો કે વીઆઈપી ઈન્ડસ્ટ્રીઝ રૂ.૪૦.૮૦ વધીને રૂ.૫૬૩.૮૫ રહ્યો હતો. બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૯૦૧.૮૨ પોઈન્ટ તૂટીને ૬૫૮૫૮.૨૮ બંધ રહ્યો હતો.

બેંક શેરોમાં ફંડો વેચવાલ

બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં આજે ફંડોએ મોટાપાયે વેચવાલી ચાલુ રાખતાં સંખ્યાબંધ શેરોમાં ધોવાણ થયું હતું. એચડીએફસી બેંક રૂ.૨૫.૩૫ તૂટીને રૂ.૧૬૫૬.૮૦, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૧૭.૩૫ ઘટીને રૂ.૧૨૩૯.૦૫, કોટક મહિન્દ્રા બેંક રૂ.૧૩.૪૦ ઘટીને રૂ.૧૮૦૮.૫૦ રહ્યા હતા. જ્યારે બેંક ઓફ બરાડો રૂ.૫.૫૦ વધીને રૂ.૨૫૦.૫૫, એક્સિસ બેંક રૂ.૫.૮૫ વધીને રૂ.૧૧૮૧.૩૦, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૨.૨૫ વધીને રૂ.૭૯૬.૬૦ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૩૬૭.૨૫ પોઈન્ટ ઘટીને ૫૮૩૯૪.૩૨ બંધ રહ્યો હતો. આ સાથે બજાજ ટ્વિન્સ શેરોમાં ધોવાણ થયું હતું. મહિન્દ્રા ફાઈનાન્શિયલ રૂ.૨૦.૫૦ ઘટીને રૂ.૩૦૧.૬૫, એડલવેઈઝ રૂ.૧૧.૫૫ ઘટીને રૂ.૧૨૧.૩૫, કેફિન ટેક રૂ.૬૩.૮૫ ઘટીને રૂ.૧૦૧૫, વન ૯૭  પેટીએમ રૂ.૩૨.૧૫ ઘટીને રૂ.૬૯૫.૨૦ રહ્યા હતા.

ઓઈલ શેરોમાં વેચવાલી

ઓઈલ-ગેસ શેરોમાં ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવમાં ઈરાન-ઈઝરાયેલ યુદ્વના એંધાણ વચ્ચે ભાવ ગઈકાલે પાંચ ટકાથી વધુ વધી જતાં ઓઈલ રીફાઈનરી શેરોમાં વેચવાલી વધી હતી. એચપીસીએલ રૂ.૮.૫૦ ઘટીને રૂ.૪૦૬.૯૫, પેટ્રોનેટ એલએનજી રૂ.૬.૬૦ ઘટીને રૂ.૩૫૭.૭૦, આઈઓસી રૂ.૨.૬૦ ઘટીને રૂ.૧૬૮.૬૫, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૪૧.૪૫ ઘટીને રૂ.૨૭૭૩.૮૦ રહ્યા હતા. જ્યારે ઓઈલ ઈન્ડિયા રૂ.૩૩.૪૦ વધીને રૂ.૫૭૨.૨૫, ઓએનજીસી રૂ.૩.૧૦ વધીને રૂ.૨૯૫.૨૦ રહ્યા હતા.

આઈટી શેરોમાં વેલ્યુબાઈંગ

આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં આજે ઘટાડે ફંડોએ વેલ્યુબાઈંગ કર્યું હતું. ક્વિક હિલ ટેકનોલોજી રૂ.૫૪.૯૦ ઉછળી રૂ.૬૯૪.૨૦, આર સિસ્ટમ્સ રૂ.૩૪.૨૦ વધીને રૂ.૫૦૪, નેટવેબ રૂ.૧૧૫.૫૫ ઉછળી રૂ.૨૫૧૩.૧૦, ઝેગલ પ્રિપેઈડ રૂ.૧૪ વધીને રૂ.૪૬૦.૨૫, ઈન્ફોસીસ રૂ.૨૫.૨૫ વધીને રૂ.૧૯૧૮.૩૫, કોફોર્જ રૂ.૭૭.૭૦ વધીને રૂ.૭૧૩૫, ઝેનસાર ટેકનોલોજી રૂ.૬.૯૫ વધીને રૂ.૬૭૪.૪૫, ટેક મહિન્દ્રા રૂ.૧૩.૩૫ વધીને રૂ.૧૬૧૬.૫૦, વિપ્રો રૂ.૩.૬૦ વધીને રૂ.૫૩૩.૫૦ રહ્યા હતા.

FPIsની રૂ.૯૮૯૭ કરોડેની વેચવાલી

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે શુક્રવારે કેશમાં શેરોમાં વધુ રૂ.૯૮૯૬.૯૫ કરોડના શેરોની જંગી ચોખ્ખી વેચવાલી થઈ હતી. કુલ રૂ.૧૪,૫૨૪.૭૯ કરોડની ખરીદી સામે કુલ રૂ.૨૪,૪૨૧.૭૪  કરોડની વેચવાલી થઈ હતી. આમ આ સપ્તાહના  ચાર  દિવસમાં ફોરેન ફંડોએ કુલ રૂ.૪૦,૫૧૧ કરોડના શેરોની જંગી ચોખ્ખી વચવાલી કરી છે. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની આજે કેશમાં રૂ.૮૯૦૫.૦૮ કરોડની જંગી ચોખ્ખી ખરીદી થઈ હતી. કુલ રૂ.૨૦,૨૮૬.૫૩ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૧,૩૮૧.૪૫કરોડની વેચવાલી થઈ હતી.

રોકાણકારોની સંપતિ ઘટી

સેન્સેક્સ, નિફટી બેઝડ સતત કડાકા સાથે એ ગુ્રપ, મિડ કેપ ઘણા શેરોમાં ફંડો, ઈન્વેસ્ટરોએ ઓફલોડિંગ ચાલુ રહેતાં રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન પણ આજે  એક દિવસમાં રૂ.૪.૧૮  લાખ કરોડ ધોવાઈને રૂ.૪૬૦.૮૯  લાખ કરોડ રહી ગયું હતું. આમ ચાર ટ્રેડીંગ દિવસમાં રોકાણકારોની સંપતિ ૨૭, સપ્ટેમ્બરના રૂ.૪૭૭.૯૩ લાખ કરોડથી રૂ.૧૭.૦૪ લાખ કરોડ ધોવાઈ ગયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *