ચીન અને પાકિસ્તાનને સુધરી જવા ક્વાડની ચેતવણી.મોદી-બાઈડેન વચ્ચે કોલકાતામાં સેમીકંડક્ટર પ્લાન્ટ સ્થાપવા, અત્યાધુનિક મિલિટ્રી સિસ્ટમના સંયુક્ત ઉત્પાદન અંગે ચર્ચા થઈ.
વોશિંગ્ટન: દુનિયામાં ચીનના વધતા પ્રભુત્વ સામે ભારત અને અમેરિકાના સંરક્ષણ સંબંધો સતત વધી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના ત્રણ દિવસના પ્રવાસે છે ત્યારે ક્વાડ બેઠકની સાથે તેમણે અમેરિકન પ્રમુખ બાઈડેન સાથે દ્વિપક્ષીય બેઠક કરી હતી, જેમાં મોદી અને બાઈડેને ત્રણ અબજ ડોલરના ૩૧ ગાર્ડિયન ડ્રોન ખરીદવાના કરારને અંતિમ ઓપ આપ્યો છે. બીજીબાજુ ક્વાડ જૂથે એક અવાજે ચીન અને પાકિસ્તાનને સુધરી જવાની ચેતવણી આપી છે. હિન્દ-પ્રશાંત ક્ષેત્રમાં ચીનની એકતરફી કાર્યવાહીનો વિરોધ કર્યો હતો.વડાપ્રધાન નેરન્દ્ર મોદી અને અમેરિકન પ્રમુખ જો બાઈડેને અમેરિકન ડિફેન્સ કંપની જનરલ એટોમિક્સ પાસેથી ત્રણ અબજ ડોલરની કિંમતે ‘હન્ટર કિલર’ તરીકે પ્રખ્યાત ૩૧ એમક્યુ-૯બી ડ્રોન ખરીદવાના કરારને અંતિમ ઓપ આપ્યો છે. મોદી-બાઈડેને ડેલવેરના વિલ્મિંગ્ટનમાં બાઈડેનના ઘરે યોજાયેલી દ્વિપક્ષીય બેઠકમાં ભારત અને અમેરિકાના સંબંધોને વધુ મજબૂત કરવા માટે અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.
ભારત ચીન મોરચે તેમજ હિન્દ મહાસાગરમાં સર્વેલન્સ અને ત્વરિત હુમલા માટે અમેરિકા પાસેથી ૧૬ સ્કાય ગાર્ડિયન અને ૧૫ સી ગાર્ડીયન ડ્રોન ખરીદશે. બંને દેશ આગામી મહિને ડ્રોનની ખરીદી માટે કરાર કરશે તેવી સંભાવના છે. ગયા વર્ષે જૂનમાં સંરક્ષણ મંત્રાલયે અમેરિકા પાસેથી આકાશ અને સમુદ્ર પરથી પ્રહાર કરતી મિસાઈલો અને લેઝર ગાઈડેડ બોમ્બથી સજ્જ એમક્યુ-૯બી આ ડ્રોન ખરીદવાની મંજૂરી આપી હતી. જોકે, મોદી અને બાઈડેનની આ બેઠકમાં ભારતમાં એફ-૪૧૪ ફાઈટર જેટના એન્જિનના સંયુક્ત ઉત્પાદનની મહત્વાકાંક્ષી યોજના અંગે કોઈ ઉલ્લેખ થયો નહોતો.આ સિવાય મોદી અને બાઈડેને સબમરીન અને ફાઈટર વિમાન ખરીદવાની સંભાવનાઓ પર પણ ચર્ચા કરી હતી. ભારતીય નૌકાદળ આ નાણાકીય વર્ષમાં અમેરિકા સાથે બે અન્ય મોટા સંરક્ષણ સોદા કરે તેવી શક્યતા છે, જેમાં વધુ ત્રણ સ્કોર્પિયન સબમરીન અને ૨૬ રાફેલ-એમ ફાઈટર વિમાનનો સમાવેશ થાય છે.
પીએમ મોદી અને બાઈડેને દ્વિપક્ષીય બેઠક ઉપરાંત ક્વાડ બેઠકમાં પણ ભાગ લીધો હતો. ક્વાડ દેશોએ સંયુક્ત નિવેદનમાં ભારત વિરુદ્ધ સતત કાવતરાં ઘડી રહેલા ચીન અને પાકિસ્તાનને સુધરી જવા ચેતવણી અપાઈ હતી. ક્વાડના સંયુક્ત નિવેદનમાં મુંબઈ હુમલા અને પઠાણકોટ હુમલાની આકરી ટીકા કરી હતી. આ બેઠકમાં જાપાન, ઑસ્ટ્રેલિયા અને અમેરિકાએ સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદના વિસ્તરણ અને તેમાં ભારતના સભ્યપદનું સમર્થન કર્યું હતું. વધુમાં ક્વાડ દેશોએ હિન્દ-પ્રશાંત ક્ષેત્રમાં ચાર પ્રમુખ સમુદ્રી લોકતાંત્રિક દેશો તરીકે આ ગતિશીલ ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા જાળવી રાખવા માટે કટિબદ્ધતા વ્યક્ત કરી હતી. તેમણે ભારપૂર્વક કહ્યું કે, વૈશ્વિક સુરક્ષા અને સમૃદ્ધિ માટે તે જરૂરી છે.