2024-25માં કેન્દ્રીય બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે ઘણી યોજનાઓ પર ચર્ચા કરી હતી. ભવિષ્યમાં બાળકોને આર્થિક રીતે સુરક્ષિત રાખવા માટે સરકારે સગીર બાળકોના પેન્શન ખાતા ખોલવા માટેની યોજનાની જાહેરાત કરી હતી. જેના માટે સરકાર દ્વારા NPS વાત્સલ્ય યોજનાની જાહેરાત કરવામાં આવી હતી. આ યોજનાનો પ્રારંભ આજથી નાણાંમંત્રી નિર્મલા સીતારમણ દ્વારા કરવામાં આવશે. એવામાં બાળકોના આર્થિક ભવિષ્યને મજબૂત બનાવતી આ યોજના વિષે જાણીએ.
આજે નિર્મલા સીતારમણ NPS વાત્સલ્ય લોન્ચ કરશે
આ યોજના પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA) દ્વારા સંચાલિત કરવામાં આવશે અને આ સરકારી યોજનામાં રોકાણ કરીને, પુખ્તાવસ્થા પ્રાપ્ત કરવા પર બાળક માટે મોટું ભંડોળ એકઠું કરી શકાશે. જેના માટે આજે નાણાંમંત્રી નિર્મલા સીતારમણ NPS વાત્સલ્ય યોજના સાથે એક ઓનલાઈન પ્લેટફોર્મ પણ લોન્ચ કરશે. લોન્ચિંગ સાથે, આ યોજના સંબંધિત દરેક વિગતો બ્રોશર સાથે બહાર પાડવામાં આવશે. સરકારી નોટિફિકેશન મુજબ 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો કે જે NPS વાત્સલ્ય યોજનામાં સબ્સ્ક્રાઇબ કરે છે તેમને કાયમી નિવૃત્તિ એકાઉન્ટ નંબર (PRAN) કાર્ડ મળશે. જેની મદદથી બાળકોને પેન્શન મળી રહેશે. નાણા મંત્રાલયના જણાવ્યા અનુસાર, દિલ્હીમાં તેની શરૂઆતના ભાગ રૂપે, NPS વાત્સલ્ય કાર્યક્રમો દેશભરમાં લગભગ 75 સ્થળોએ એક સાથે આયોજિત કરવામાં આવશે. આ સાથે, અન્ય સ્થળોના લોકો પણ વીડિયો કોન્ફરન્સ દ્વારા કાર્યક્રમમાં જોડાશે અને તે સ્થાન પર નવા નાના ગ્રાહકોને PRAN સભ્યપદનું વિતરણ પણ કરવામાં આવશે.
માતાપિતા ખાતામાં રોકાણ કરશે
આ પહેલ બાળકોના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે શરુ કરવામાં આવી છે, જે બાળકો માટે મોટું પેન્શન ફંડ ઊભું કરવામાં મદદરૂપ થશે. માતા-પિતા બાળકોના ભવિષ્ય માટે તેમના પેન્શન ખાતામાં રોકાણ કરશે, જેથી લાંબા ગાળે મોટું ફંડ બનાવવામાં મદદરૂપ બની રહેશે.
NPS વાત્સલ્ય યોજનામાં કોણ રોકાણ કરી શકે છે?
દરેક માતા-પિતા NPS વાત્સલ્ય યોજના હેઠળ રોકાણ કરી શકે છે. આ યોજનામાં નીચલા કે ઉચ્ચ વર્ગ વચ્ચે કોઈ તફાવત નથી. તેમજ ભારતીય નાગરિક, RI કે OCI દરેક માતા-પિતા બાળકના નામે પેન્શન ખાતું ખોલાવી શકે છે, જેના માટે ખાતામાં વાર્ષિક 1000 રૂપિયા જમા કરાવવાના રહેશે. આ યોજનામાં તમે તમારી સગવડ પ્રમાણે અને વિવિધ રોકાણ વિકલ્પોને ધ્યાનમાં રાખીને રોકાણ કરી શકશો.
બાળક 18 વર્ષનું થયા પછી આ ખાતું NPS ખાતું બની જશે
બાળક 18 વર્ષનું થાય એ પછી પણ જો માતા-પિતાની ઈચ્છા હોય તો NPS ખાતામાં તેમનું યોગદાન ચાલુ રાખી શકે છે. બાળકો પુખ્ત બને ત્યારે આ યોજના અંતર્ગત બનેલા ખાતાને NPS ખાતા સાથે જોડી દેવામાં આવશે. તેમજ NPS એકાઉન્ટ ખોલવાની તારીખથી 3 વર્ષ પછી આંશિક ઉપાડ પણ કરી શકાશે. તમે બાળકના નામે ખોલેલા ખાતામાં જમા થયેલી કુલ રકમના 25 ટકા ઉપાડી શકશો અને બાળક 18 વર્ષનું થાય ત્યાં સુધીમાં 3 વખત ઉપાડ કરી શકાશે.18 વર્ષની ઉંમર પૂર્ણ કર્યા પછી, બાળકના ખાતાનું 3 મહિનામાં નવેસરથી એકાઉન્ટનું KYC કરાવવું પડશે. તેમજ બાળક પુખ્ત થતા જો NPS વાત્સલ્ય ખાતું બંધ કરાવવું હોય તો ઈચ્છા મુજબ બંધ પણ કરાવી શકાય છે.