કચ્છમાં છેલ્લા ચાર દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે દસે દસ તાલુકામાં અડધા ઇંચથી સાડા ત્રણ ઈંચ જેટલી મેઘમહેર થવા પામી છે. ભારે વરસાદના પગલે અનેક તળાવ, ડેમો, ઓવરફલો થતાં વધાવવામાં આવ્યા હતા. કંડલા બંદરે સાવચેતીના ભાગરૂપે ત્રણ નંબરનું સિગ્નલ લગાડાયું છે. શ્રાવણમાં મેઘરાજાએ અમીદ્રષ્ટિ કરતા જિલ્લાની ધરા તૃપ્ત થઈ છે.રાજ્ય પરથી પસાર થઈ રહેલી મજબૂત સિસ્ટમના કારણે ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે. ગત મોડી રાત્રિથી બુધવારની સાંજ સુધીમાં અબડાસા અને લખપતમાં સાડા ત્રણ ઈંચ, અબડાસા, નખત્રાણા અને માંડવીમાં ત્રણ ઈંચ, અંજારમાં બે, ભુજમાં દોઢ, ગાંધીધામ, મુંદરા અને રાપરમાં એક-એક ઈંચ, ભચાઉમાં અડધો-અડધો ઈંચ વરસાદ પડયો હોવાનું જિલ્લા કન્ટ્રોલ રૂમ દ્વારા જણાવાયું છે. ડીપ ડિપ્રેશનની અસર તળે મધ્યમથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે.
અબડાસા-લખપતમાં સાડા ત્રણ ઈંચ, નખત્રાણા-માંડવીમાં ત્રણ, અંજારમાં બે ઇંચ
લખપતમાં મંગળવાર રાત્રિથી ધીમી ધારે અવિરત વરસાદ વરસી રહ્યો છે. મુખ્ય મથક દયાપર ખાતે ગત રાત્રિના અડધો તેમજ સવારથી સાંજ સુધીમાં વધુ અઢી ઈંચ પાણી વરસતા કુલ સાડા ત્રણ ઈંચ નોંધાયો છે. ઘડુલી, પાનધ્રો, બરંદા, કપુરાશી, સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટાં વરસ્યા હોવાનું જાણવા મળ્યું છે. માતાના મઢ ખાતે હળવાથી મધ્યમ ઝાપટાં વરસતા બજારોમાં પાણી વહી નીકળ્યા હતા. યાત્રિકોની સંખ્યા પાંખી જોવા મળી હતી.અબડાસામાં સાડા ત્રણ ઈંચ વરસાદ પડયો હતો. તાલુકા મુખ્ય મથક નલિયા ખાતે ગત રાત્રિના અડધો તેમજ વહેલી સવારથી સાંજ સુધી ધીમી ધારે વરસાદ વરસ્યો હતો. જખૌ ગામે સારા વરસાદથી ગામનું તળાવ ઓવરફલો થતાં ઓગની ગયું હતું જેને શાસ્ત્રોક્તવિધિથી વધાવવામાં આવ્યું હોવાનું પ્રતિનિધિએ જણાવ્યું હતું.નખત્રાણામાં ચાલુ સિઝનમાં મેઘરાજાની મહેર વધુ પ્રમાણમાં રહી છે. ત્રણ ઈંચ વરસાદ નોંધાયો છે. આમ 35 ઈંચ જેટલો વરસાદ વરસી રહ્યો છે. તાલુકાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં હળવાથી ભારે ઝાપટાં વરસ્યા હતા.માંડવીમાં સાતમ-આઠમના બાર ઈંચ જેટલા અતિભારે વરસાદ વરસ્યા બાદ વધુ ત્રણ ઈંચ વરસાદ વરસતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. શહેરમાં સવારથી સાંજ સુધી ધીમી ધારે વરસાદ વરસ્યો હતો. નીચાણવાળા વિસ્તારમાં જળ ભરાવાથી લોકોને પરેશાની થઈ હતી. આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડયો હતો.
અંજાર ખાતે બપોરથી વાતાવરણમાં પલટો આવ્યા બાદ વરસાદની શરૂઆત થગઈ હતી. સાંજના છ વાગ્યા સુધીમાં 47 મી.મી વરસાદ નોંધાયો હતો. તેમજ ગાંધીધામ ખાતે એક ઈંચ વરસાદ પડયો હોવાનું નોંધાયું છે.જિલ્લા મથક ભુજ ખાતે ગતરાત્રિના ઝાપટાં વરસ્યા હતા. સવારથી ઝરમર છાંટા પડયા હતા. બપોરે બાર વાગ્યાથી આસપાસ જોરદાર ઝાપટું વરસતા એક ઈંચ પાણી વરસ્યું હતું. દિવસભર શહેરના હમીરસર તળાવના ઓવરફલોના સમાચાર જાણવાની લોકોની ઉત્સુક્તા રહી હતી. બસ સ્ટેશન વિસ્તારમાં પાણી ભરાયા હતા. આ માર્ગ પરથી પસાર થતી કાર ખાડામાં ફસાઈ ગઈ હતી. લોકોના સહકારથી કારને બહાર કાઢી હતી.ભીડના આઝાદ ચોક વિસ્તારમાં મેમણ જમાતખાના પાસે જૂની બિલ્ડીંગની દીવાલનો એક ભાગ ધસી પડયો હતો. જો કે જાનહાનીના કોઈ અહેવાલ પ્રાપ્ત થયા નથી. ભુજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. રાપર અને મુંદરા ખાતે એક-એક ઈંચ વરસાદ પડયો હતો. ભચાઉમાં અડધો ઈંચ વરસાદ પડયો હતો. માંડવી રોડ પરનું ખત્રી તળાવ ઓવરફલો થયું.