એક પ્રોડ્ક્શન કંપનીએ જ પ્રોજેક્ટ છોડી દીધો. અગાઉ સંજય દત્તે સ્ક્રિપ્ટમાં કોઈ ઢંગધડા નથી એમ કહીને ફિલ્મ છોડી દીધી હતી.
અક્ષય કુમાર, સુનિલ શેટ્ટી, જેક્લિન ફર્નાન્ડિઝ, શ્રેયસ તળપદે, દિશા પટાણી, રવિના ટંડન, લારા દત્તા, અરશદ વારસી સહિતના કલાકારોનો કાફલો ધરાવતી ફિલ્મ ‘વેલકમ ટૂ ધી જંગલ’નું શૂટિંગ હાલ અટકી પડયું છે. ફિલ્મની એક સહનિર્માતા પ્રોડક્શન કંપનીએ જ આ પ્રોજેક્ટ છોડી દીધો હોવાનું કહેવાય છે. આ પ્રોડક્શન કંપનીની વેબસાઈટ પરથી ફિલ્મને લગતું તમામ પ્રમોશનલ મટિરિયલ હટાવી લેવાતાં અનેક જાતની અટકળો શરુ થઈ ગઈ છે. અગાઉ ફિલ્મ આ ડિસેમ્બરમાં રીલિઝ કરવાની જાહેરાત થઈ હતી પરંતુ ફિલ્મ નિર્માણ અટકી જતાં આ તારીખે ફિલ્મ આવશે કે નહીં કે પછી તે ક્યારેય પૂર્ણ થશે કે નહીં તે અંગે ચર્ચાઓ શરુ થઈ છે. આ ફિલ્મ બનવાની શરુ થઈ ત્યારથી જ વિવાદો સર્જાવા લાગ્યા હતા. અગાઉ સંજય દત્તે થોડાક દિવસો સુધી આ ફિલ્મનુ ંશૂટિંગ કર્યા બાદ એમ કહીને તે અધવચ્ચેથી છોડી દીધી હતી કે ફિલ્મની સ્ક્રિપ્ટનાં કોઈ ઠેકાણાં જ નથી. એવી વાત પણ બહાર આવી હતી કે ફિલ્મની કથામાં સતત ફેરફારો થઈ રહ્યા છે. કેટલીય વાર તો કલાકારો સેટ પર પહોંચે તે પછી તેમને ખબર પડે છે કે તેમનો રોલ અને ડાયલોગ બદલાઈ ચૂક્યા છે. ફિલ્મના સેટ પર પિકનિક જેવું જ વાતાવરણ હોય છે અને કોઈ ગંભીરતાથી કામ કરતું જ નથી. અગાઉ ‘વેલકમ’ સીરિઝની બે ફિલ્મો હિટ થઈ હતી. તેની સફળતાને વટાવી ખાવા ખાતર જ આ ત્રીજો ભાગ શરુ કરી દેવાયો હોવાની ટીકાઓ અગાઉ થઈ હતી.