અમદાવાદમાં સરેરાશ 6 ઈંચ વરસાદ, રસ્તા બેટમાં ફેરવાયા, હજુ ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં ભારે વરસાદની આગાહી અને રેડ એલર્ટ વચ્ચે અનેક જિલ્લાઓમાં મેહુલિયો મનમૂકીને વરસી રહ્યો છે ત્યારે ગત રાત્રિએ અમદાવાદમાં પણ વરસાદે ધબધબાટી બોલાવી હતી. અત્યાર સુધીના લેટેસ્ટ આંકડાની વાત કરીએ અમદાવાદમાં મોડી રાતે લગભગ દરેક વિસ્તારમાં સરેરાશ 6 ઈંચ જેટલો વરસાદ ખાબકી જતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. પરિમલ ગાર્ડન સહિત અનેક અંડરપાસમાં ગાડીઓ ડૂબી જાય એટલાં પાણી ભરાઈ જતાં લોકોને ભારે તકલીફ પડી હતી અને અંડરપાસ બંધ કરવાની ફરજ પડી હતી. અખબારનગર, મીઠાખળી અંડરપાસમાં પણ પાણી ભરાઈ જવાની સ્થિતિને પગલે બંધ કરવાની ફરજ પડી હતી. ધોધમાર વરસાદને પગલે અમદાવાદના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. 

ક્યાં કેટલો વરસાદ નોંધાયો? 

માહિતી અનુસાર અમદાવાદના નરોડા વિસ્તારમાં ફરી એકવાર વરસાદે બેફામ વરસતાં મોડી રાતે લગભગ 6 ઈંચ જેટલો ખાબક્યો હતો. જોકે આવી જ સ્થિતિ મણિનગરમાં પણ જોવા મળી. ડ્રેનેજ વ્યવસ્થા બંધ હોવાને કારણે રોડ ઉપર ઘૂંટણ સમા પાણી ભરાઈ જતાં સ્થાનિક રહેવાશીએ મોડી રાતે ફરિયાદો કરવી પડી હતી. બીજી બાજુ વેજલપુરમાં પણ ભારે વરસાદને પગલે ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા. આ વિસ્તારમાં ગમે ત્યારે વરસાદ પડે ત્યારે પાણી ભરાઈ જવાની સ્થિતિ સામાન્ય રીતે જોવા મળતી રહે છે. તોય તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી. 

ઘણાં વિસ્તારોમાં વરસાદે બોલાવી ધડબડાટી 

એસજી હાઈવે નજીકના વિસ્તારોમાં પણ ભારે વરસાદ નોંધાયો હતો. અહીં સાયન્સ સિટી, ગોતામાં 4-4 ઈંચ જ્યારે અમદાવાદના અન્ય વિસ્તારો જેમ કે ઉસ્માનપુરા અને ઓઢવમાં પણ 4-4 અને મેમ્કો તથા બોડકદેવમાં પણ 4 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. બીજી બાજુ વટવા, ઈસનપુર, નારોલ, ઘોડાસર સહિતના અન્ય વિસ્તારોની વાત કરીએ તો અહીં પણ 5-6 ઈંચ જેટલો વરસાદ ખાબકતાં નીચાણવાળા વિસ્તારોમાં કેડસમા પાણી ભરાઈ ગયા હતા. જોકે આજે પણ અમદાવાદમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મોટાભાગના વિસ્તારો પર કાળા ડિબાંગ વાદળોનો કબજો દેખાઈ રહ્યો છે અને ઠેર ઠેર ઝરમર-ઝરમર તો ક્યાંક ભારે વરસાદની સ્થિતિ હજુ પણ જોવા મળી રહી છે. અનેક રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હોવાથી વાહનોની અવર-જવરમાં ભારે તકલીફ પડી રહી છે. ઈસનપુર-નારોલ હાઈવે પર તો હજુ પાણી ભરાયેલા હોવાથી કાર-ટુ-વ્હિલર જેવા વાહનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *