બાંગ્લાદેશના રમખાણો પાછળ ISI નો હાથ છે : શેખ હસીનાના પુત્ર જોયે કહ્યું

  મારા માતુશ્રીને આશ્રય આપવા માટે મોદીનો આભારી છું. બાંગ્લાદેશમાં લોકશાહી ફરી સ્થપાશે ત્યારે મારા માતુશ્રી જરૂર સ્વદેશ પાછા ફરશે : સાજીબ વાઝેદ જોય.

શેખ હસીનાના પુત્ર સાજીબ વાઝેદ જોયે એક મુલાકાતમાં કહ્યું હતું કે, બાંગ્લાદેશનાં રમખાણો પાછળ પાકિસ્તાનની જાસુસી સંસ્થા ISI નો જ હાથ છે. બાંગ્લાદેશમાં લોકશાહી ફરી સ્થપાશે ત્યારે મારા માતુશ્રી સ્વદેશ જરૂર પાછા ફરશે તેમ કહેતા બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના પુત્ર સાજીબ વાઝેદ જોયે તેઓના માતુશ્રીને આશ્રય આપવા માટે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો.ન્યૂયોર્ક ટાઇમ્સને આપેલી મુલાકાતમાં તેઓએ કહ્યું હતું કે – સાંયોગિક પુરાવા જ દર્શાવી આપે છે કે બાંગ્લાદેશમાં ફાટી નીકળેલા રમખાણો પાછળ પાકિસ્તાનની જાસૂસી સંસ્થા ઇન્ટર સર્વિસ ઇન્ટેલીજન્સ (આઈએસઆઈ)નો  જ હાથ હોઈ શકે.

આ સાથે પોતાના માતુશ્રીને આશ્રય આપવા માટે તેઓએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો.તેઓએ વધુમાં કહ્યું હતું કે, હુમલાઓ અને વિરોધો ઘણા જ સુવ્યવસ્થિત રીતે અને સંકલિત રીતે થયા હતા. તેમજ તેને વિદેશોમાંથી જે પુષ્ટિ મળી રહી હતી તે જ દર્શાવી આપે છે કે તે પાછળ કોઈ વિદેશી તાકાતનો હાથ હશે અને તે વિદેશી તાકાત પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઈએસઆઈ જ હોય શકે.આ સાથે તેઓએ જણાવ્યું હતું કે, રમખાણકારોએ પોલીસ ઉપર બંદૂકોની ગોળીઓ ચલાવી હતી. પ્રશ્ન તે છે કે તે બંદૂકો આવી ક્યાંથી ? તે ત્રાસવાદી જૂથો તરફથી અને વિદેશી સંસ્થાઓ પાસેથી જ આવી શકી હોય.

તેઓએ વધુમાં કહ્યું હતું કે, ૭૬ વર્ષના મારા માતુશ્રી બાંગ્લાદેશમાં પહોંચ્યા પછી સક્રિય કે નિવૃત્ત રાજકારણી બની રહેશે તે વિષે હજી નિર્ણય લેવાયો નથી.તેઓએ ત્યાં સુધી કહ્યું હતું કે મારા માતુશ્રીના પક્ષ આવામી લીગના કાર્યકરો પણ તેઓની ઉપર હુમલા થતાં દેશ છોડશે નહીં.પત્રકારોએ સાજીબ વાઝેદને પુછયું કે પહેલા તો આપ એમ કહેતા કે શેખ હસીના પાછા નહીં ફરે અને હવે તેમ કહો છો કે તેઓ પાછા ફરશે તો તેમાં શું સમજવું ? ત્યારે તેઓએ કહ્યું કે, તે સાચું છે કે પહેલા મેં તેમ કહ્યું હતું કે તેઓ બાંગ્લાદેશ પાછા નહીં ફરે. પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. સંભવ તે પણ છે કે ત્યાં ફરી લોકશાહી પદ્ધતિ પ્રમાણે ચૂંટણી પણ થોડા સમયમાં યોજવાનું શક્યતા છે. તે સમયે અમારી પાર્ટી આવામી લીગ પૂરી સક્રિય બનશે.

અત્યારે તો અમારી પાર્ટીના કાર્યકર્તાઓના નિવાસસ્થાનો ઉપર તેમજ કાર્યકરો ઉપર પણ હુમલા થઈ રહ્યા છે. તેઓના નિવાસસ્થાનને આગ લગાડાઈ રહી છે પરંતુ તે ભૂલવું ન જોઈએ કે શેખ મુજીબ ઉલ રહેમાને સ્થાપેલી આવામી લીગ દેશની સૌથી જુની પાર્ટી છે. સૌથી મોટી પાર્ટી છે. અમે અમારા લોકોને પડતા મુકી શકીએ નહીં. તેઓ (શેખ હસીના) દેશમાં ફરી શાંતિ સ્થપાશે અને ફરી લોકશાહી સ્થપાશે ત્યારે સ્વદેશ પાછા ફરશે જ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *