શાહરૂખ ખાન બોલિવુડનો કિંગ કોણ?

 જો સઘળું સમુસૂતરું પાર પડયું તો શાહરૂખની આગામી ફિલ્મ ‘કિંગ’માં અભિષેક બચ્ચન વિલન બનશે. બન્ને એક્ટર વચ્ચે સારી દોસ્તી છે. તેઓ ભૂતકાળમાં ‘હેપ્પી ન્યુ યર’ અને ‘કભી અલવિદા ના કહેના’માં સાથે કામ કરી ચૂક્યા છે.

શાહરૂખ ખાનને ૨૦૨૩નું વર્ષ એવું ફળ્યું હતું કે ન પૂછો વાત. આ એક જ વર્ષમાં એની ‘પઠાણ’, ‘જવાન’ અને ‘ડન્કી’ જેવી ત્રણ ત્રણ સુપરહિટ ફિલ્મો આવી. શાહરૂખની ઢીલી પડી ગયેલી કરીઅર પાછી ટોપ ગિઅરમાં આવી ગઈ. તેથી જ સૌના મનમાં એક જ પ્રશ્ન રમી રહ્યો છે કે શાહરૂખ ખાનની હવે પછી કેવીક કમાલ કરશે?   બીજી બાજુ અભિષેક બચ્ચન છે. બાપડો અચ્છો કલાકાર છે, પણ તેનું નસીબ તેનાથી બે ડગલાં આગળ ચાલે છે. એણે ઘણી હિટ ફિલ્મો આપી છે, પણ કોણ જાણે કેમ, પણ આમ જનતા કે મીડિયા એને નિષ્ફળતાના લેન્સથી જ જુએ છે. એમાંય આજકાલ એના લગ્નજીવન વિશે ચારે તરફ નેગેટિવ વાતો થઈ રહી છે. ખેર, લેટેસ્ટ સમાચાર એવા છે કે શાહરૂખ ખાનની આગામી ફિલ્મ ‘કિંગ’માં અભિષેક બચ્ચન એક વિલન તરીકે આવી રહ્યો છે. આ વાતને ખુદ બિગ બીએ સોશિયલ મીડિયા પર સમર્થન આપ્યું એટલે સમાચાર પાક્કા થઈ ગયા. 

વાત એ છે કે શાહરૂખે પોતાની આગામી ફિલ્મની ઓફિશિયલ જાહેરાત હજુ સુધી કરી નથી. જો આ સમાચાર પર વિશ્વાસ કરવામાં આવે તો એસઆરકે હવે પછી સુજોય ઘોષની ફિલ્મ ‘કિંગ’માં દેખાશે અને નવી વાત તો એ છે કે આ ફિલ્મમાં વિલનની ભૂમિકા અભિષેક બચ્ચન ભજવશે. ‘કિંગ’ ફિલ્મના નિર્માતા શાહરૂખ પોતે જ છે. એ વાત અલગ છે કે ન તો એણે કે ન બીજા કોઈ કલાકારે આ સમાચારની પુષ્ટિ કરી છે, પરંતુ પપ્પાજી અમિતાભ બચ્ચન પોતાનો હરખ રોકી ન શક્યા ને એમણે ‘એક્સ’ પર એક પોસ્ટમાં લખી નાખ્યું કે હાં હાં… એસઆરકે અને અભિષેક હવે ‘કિંગ’માં સાથે કામ કરવાના છે એ વાત સોએ સો ટકા સાચી છે. 

અભિષેક માટે વિલનની ભૂમિકા કંઈ નવી નવાઈની નથી. એણે ભૂતકાળમાં મણિરત્નમની ‘રાવણ’ ફિલ્મમાં નકારાત્મક ભૂમિકા ભજવી જ હતી. આ ફિલ્મમાં એની ભાવિ પત્ની ઐશ્વર્યા રાય હિરોઈન હતી. કોઈએ આ મતલબનું લખાણ પોસ્ટ કર્યું એટલે અમિતાભે મોટા ઉપાડે તેને રી-ટ્વિટ કર્યું અને લખ્યું પણ ખરું કે, ‘ઓલ ધ બેસ્ટ અભિષેક… આ જ તો એ સમય છે!!!’ 

શાહરૂખ જોકે હજુય મોંમાં મગ ભરીને બેઠો છે. જોકે થોડા દિવસ પહેલા એ એક લાઈવ વીડિયો દરમિયાન હાથમાં એક બાઉન્ડ સ્ક્રિપ્ટ સાથે જોવા મળ્યો હતો, જેના પર લખ્યું હતું –  ‘કિંગ’. વાત તો એવીય સંભળાય છે કે ‘કિંગ’માં શાહરૂખની પુત્રી સુહાના ખાન પણ જોવા મળશે. સુહાનાએ ‘ધ આર્ચીઝ’ નામની ઓટીટી ફિલ્મ સાથે અભિનયની શરૂઆત કરી હતી. ઝોયા અખ્તર જેવી ટોપ ક્લાસ ડિરેક્ટરે બનાવી હોવા છતાં કોઈ અસર ઉપજાવી શકી ન હતી તે અલગ વાત થઈ.  

શાહરૂખ અને અભિષેક વચ્ચે સારી દોસ્તી છે. બન્ને ભૂતકાળમાં સાથે કામ કરી ચૂક્યા છે. છેલ્લે તેઓ ફરાહ ખાનની ‘હેપ્પી ન્યુ યર’ (૨૦૧૪)માં સાથે જોવા મળ્યા હતા. તેની પહેલાં ‘કભી અલવિદા ના કહેના’ (૨૦૦૬)માં પણ તેઓ સહકલાકારો બન્યા હતા. જોઈએ, ‘કિંગ’માં (જો આ ફિલ્મ ખરેખર આ જ સ્ટારકાસ્ટ સાથે બની રહી હોય તો) શાહરૂખ-અભિષેકની જોડી કેવોક રંગ લાવે છે.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *