ઈશા દેઓલની સેકન્ડ ઇનિંગ્સ

 ‘દક્ષિણ ભારત પ્રત્યે મને વિશેષ પ્રેમ છે. મારી મમ્મી સાઉથ ઇન્ડિયન છે અને ડેડી પંજાબી. હું ઉછરી છું મુંબઈમાં, પણ મને હંમેશા લાગ્યું છે કે દિલથી હું સાઉથ ઇન્ડિયન જ છું.’ 

તમને એવો સવાલ થાય ખરો કે સની દેઓલ, બોબી દેઓલ અને ધર્મેન્દ્ર ત્રણેયની હિટ ફિલ્મો આવે છે, ત્રણેય ન્યુઝમાં ચમકતા રહે છે, પણ અન્ય એક દેઓલ – ઈશા – ક્યાં ખોવાઈ ગઈ છે? તો સાંભળી લો કે હેમા માલિનીની આ સુપુત્રી હાલ ‘હીરો હિરોઈન’ નામની તેલુગુ ફિલ્મના શૂટિંગ કરવામાં બિઝી છે. ઈશાની માતૃભાષા તમિળ છે. એણે તમિળભાષી ફિલ્મ ભૂતકાળમાં કરી છે, પણ ‘હીરો હિરોઇન’ એની પહેલી તેલુગુ ફિલ્મ છે. એમ તો ઈશા ‘મૈં’ નામની ફિલ્મમાં કામ કરી રહી છે તેવી વાતો પણ વચ્ચે સંભળાતી હતી. ટૂંકમાં સમજોને કે ‘હીરો હિરોઈન’ અથવા ‘મૈં’ ઈશા દેઓલની કમ-બેક ફિલ્મ બની રહેશે. 

ઈશાને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં વીસ વર્ષ થઈ ગયાં, પણ પોતાનાં સુપરસ્ટાર મમ્મી-પપ્પાની સફળતાના દસ ટકા જેટલી સક્સેસ પણ એણે જોઈ નથી. ઈશા અતિ લો પ્રોફાઇલ વ્યક્તિ છે. રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર વિજેતા શોર્ટ ફિલ્મ ‘એક દુઆ’ (૨૦૨૧)માં કામ કર્યા બાદ એ ‘રોડીઝ એક્સટુ’ (૨૦૨૨)માં જજ બની હતી તેમજ ‘રુદ્ર: ધ એજ ઓફ ડાર્કનેસ’ (૨૦૨૩) તથા ‘હંટર: તૂટેગા નહીં તોડેગા’ (૨૦૨૪) નામના વેબ શોઝમાં દેખાઈ હતી. ‘હીરો હિરોઈન’ને કારણે એ ખાસ્સી ઉત્સાહિત છે. ઈશા કહે છે, ‘દક્ષિણ ભારત પ્રત્યે મને વિશેષ પ્રેમ છે. મારી મમ્મી સાઉથ ઇન્ડિયન છે અને ડેડી પંજાબી. હું ઉછરી છું મુંબઈમાં, પણ મને હંમેશા લાગ્યું છે કે દિલથી હું સાઉથ ઇન્ડિયન જ છું.’ 

શું છે એની નવી ફિલ્મમાં? ઈશા કહે છે, ”હીરો હિરોઈન’ એક એનર્જેટીક લવ-સ્ટોરી છે. તેલુગુ સિનેમા અત્યારે ચડતી કળાએ છે. આ યોગ્ય સમય છે, તેલુગુ ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશવાનો. અભિનય તો મારૃં પેશન છે. પહેલા હું સાવ સામાન્ય ભૂમિકાઓ ભજવતી, પણ હવે જે પ્રકારના વિષયો પરથી ફિલ્મો બને છે, તેમાં અભિનેત્રીઓના ભાગે ઘણું બધું કરવાનું આવે છે.’ 

૪૨ વર્ષની ઈશા હવે પરિપક્વ સ્ત્રી બની ચૂકી છે. એની પાસે જીવનનો અનુભવ છે. એ કહે છે, ‘મેં જ્યારે શરૂઆત કરી હતી ત્યારે અમારી પાસે મોટો રસાલો ન રહેતો. મારી ટીમમાં ગણીને ચાર લોકો હતા – મેનેજર, મેકઅપમેન, હેરસ્ટાઇલિસ્ટ અને સ્પોટ બોય, બસ. તોય અમે ખુશ રહેતા. આજે તો ફિલ્મસ્ટાર્સની ટીમમાં એટલા બધા લોકોની જમઘટ હોય છે કે હું જોઈને આભી થઈ જાઉં છું. અમારી વખતે સોશિયલ મીડિયા પણ ક્યાં હતું? આજે તમે એને અવગણી શકતા નથી… પણ હા, સોશિયલ મીડિયાનો માપમાં ઉપયોગ કરવાનો હોય. તમે ચોવીસે કલાક સોશિયલ મીડિયા પર પડયા-પાર્થયા રહો તે ન ચાલે.’ઈશા દેઓલનું અભિનેત્રી તરીકેનું કૌવત આપણે હજુ સુધી જોયું જ નથી. શક્ય છે કે કરીઅરની બીજી ઇનિંગ્સ એને સારી ફળે. ટચવુડ!  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *