નેશનલ હાઈવે નં.8 ઉપર આવેલા આણંદ તાલુકાના અડાસ ગામ નજીક કોઈ અજાણ્યા શખ્શો દ્વારા સાતથી આઠ જેટલી ગાયો ઉપર એસિડ ફેંકવામાં આવતા ગાયો ઈજાગ્રસ્ત થઈ હતી. આ અંગે વાસદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, રાજુપુરાના ગોપાલકની ગાયો હાઈવે ઉપર બેઠી હતી. ત્યારે કોઈ અસામાજિક તત્વો દ્વારા ગાયો ઉપર એસિડ એટેક કરવામાં આવ્યો હતો. આ ઘટનાને લઈ પશુપ્રેમીઓમાં ભારે રોષ વ્યાપ્યો છે. આ અંગે વીએચપી દ્વારા વાસદ પોલીસને જાણ કરાઈ હતી. પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવી રહ્યા છે. વાસદ પોલીસના જણાવ્યા મુજબ, ગાયો ઉપર એસિડ ફેંકવામાં આવ્યો હોવાનો મેસેજ મળ્યો છે અને સ્થાનિકોને આ અંગે માહિતી માટે બોલાવવામાં આવ્યા છે. સ્થાનિકો પાસેથી માહિતી મેળવ્યા બાદ વધુ તપાસ હાથ ધરવામાં આવશે તેમ જણાવ્યું હતું.