આરોગ્યપ્રદ આહારના નામે ઘણાં નુકશાનકારક ખાદ્યપદાર્થ ગ્રાહકોને માથે મારવામાં આવે છે. દરેક ખોરાકની તાસીર જુદી જુદી હોય છે.
દુનિયામાં દરેક વ્યક્તિને આરોગ્યપ્રદ આહાર મળી રહે તે જોવાની સરકારોની ફરજ છે. પણ આજકાલ નવી નવી ખાદ્યચીજો બજારમાં આવતી જાય છે અને તેની ગુણવત્તા પર જરૂરી ચોંપ રાખવામાં આવતી ન હોઇ ઘણીવાર નુકસાન થયા બાદ સમજાય છે કે જેને આપણે આરોગ્યપ્રદ આહાર માનતાં હતા તે તો ખરેખર આરોગ્યને નુકશાનકારક આહાર હતો. આજકાલ ખાદ્યપદાર્થોનું માર્કેટિંગ એટલું બધું વધી ગયું છે કે ચોખાના ફોતરાંનું તેલ પણ પોષક ગણાવવામાં આવે છે.
આજકાલ આપણે જે ખાદ્યપદાર્થોનો રોજિંદા આહારમાં સમાવેશ કરીએ છીએ તેમાં ઘણીવાર ચાલાકીભરી જાહેરાતો કામ કરી જતી હોય છે. ઘણીવાર આરોગ્યપ્રદ ગણાવાતાં ખાદ્યપદાર્થોમાં સોડિયમનું પ્રમાણ ભારોભાર હોય છે. જેમ કે તમે બજારમાંથી પાસ્તા સોસ અને સલાડ ડ્રેસિંગ લાવો ત્યારે તેમાં રહેલાં સોડિયમનું પ્રમાણ તમે કદી જોતાં નથી. આ ખાદ્યપદાર્થોમાં રહેલું સોડિયમનું વધારે પ્રમાણ તમારા આરોગ્ય માટે હાનિકારક નીવડી શકે છે. આપણાં રોજિંદા ખોરાકમાં આવી ઘણી ચીજો સામેલ હોય છે.
ઉદાહરણ તરીકે આપણે ઘણીવાર સુપર માર્કેટમાં ફેટ્ટી સલાડ ડ્રેસિંગને છોડીને લો ફેટ ડ્રેસિંગ પસંદ કરતાં હોઇએ છીએ. પણ આ પસંદગી ખોટી નીવડે છે. કેમ કે કંપનીઓ આ લો ફેટ ડ્રેસિંગમાં ગંધ જાળવવા અને કેલરી ઘટાડવા અનેક પ્રકારના એડિટિવ્ઝ ઉમેરે છે જે લાંબા ગાળે તમારા આરોગ્ય માટે નુકશાનકારક પુરવાર થાય છે. આને બદલે તમે સલાડના ડ્રેસિંગ માટે ઓલિવ ઓઇલ અથવા વિનેગાર વાપરી શકો છો.
આવી જ રીતે બીજી એક ચાલાકી વ્હોલ વ્હીટના નામે કરવામાં આવે છે. આવી બધી ખાદ્ય ચીજોને આરોગ્ય ફ્રેન્ડલી ગણાવવામાં આવે છે. નાસ્તામાં વપરાતાં ઘણાં વ્હોલ સિરિયલ્સમાં અનાજને સુગરનું પડ ચઢાવવામાં આવેલું હોય છે. આવી ચીજો નાસ્તામાં લેવાને બદલે પરંપરાગત પૌઆ કે ઉપમા બહેતર નીવડે છે. આવી જ રીતે આજે બજારમાં જાતજાતની ફલેવર ધરાવતાં યોગર્ટ મળે છે. પણ આ યોગર્ટને સ્વાદિષ્ટ બનાવવા માટે તેમાં એટલાં બધાં દ્રવ્યો ઉમેરવામાં આવે છે કે તેનું પોષણ મૂલ્ય ખતમ થઇ જાય છે. આવા જાત જાતના રંગીન યોગર્ટ ખાવાને બદલે સાદું દહીં ખાવાથી એક મોટો લાભ એ થાય છે કે તેમાં તમારે સુગર વધી જશે તેવી ચિંતા કદી કરવી પડતી નથી. તેમાં પણ જો ઘરમાં જમાવેલું દહીં ઉપલબ્ધ હોય તો તેમાં રહેલાં પોષક તત્વો તમારા આરોગ્ય માટે લાભકારક બની રહે છે.
આજકાલ બધા ચીપ્સ ખાવાના રવાડે ચડેલાં છે. પણ કોઇપણ પ્રકારની ચીપ્સ પછી એ બનાના ચીપ્સ હોય કે પોટેટો ચીપ્સ તે તમારા આરોગ્ય માટે લાંબા ગાળે હાનિકારક બની રહે છે. મોટાંભાગની ચીપ્સમાંથી તમને કોઇ પોષણ મળતું નથી પણ તેના કારણે તમારી કેલરી અને સુગરનું પ્રમાણ વધતું રહે છે. કોઇપણ પ્રકારની ડીપ ફ્રાઇડ ચીપ્સ ખાવાથી મેદસ્વિતા વધે છે. કેળાંની વેફર કરતાં તાજા કેળાં ખાવાથી વધારે લાભ થાય છે.
પીણાંમાં ડાયેટ સોડાં અને ફ્રુટ જ્યુસમાં માર્કેટિંંગ વધારે અને સત્વ ઓછું રહેલું હોય છે. ડાયેટ સોડા એ માત્ર માર્કેટિંગ ટેકનિક છે. તમને એમ લાગે કે ડાયેટ સોડાં એ રેગ્યુલર સોડાં કરતાં વધારે સારો વિકલ્પ છે પણ એવું હોતું નથી. ડાયેટ સોડામાં ફલેવર જાળવવા માટે જાતજાતના એડિટિવ્ઝ અને આર્ટિફિશ્યલ સ્વિટનર્સ ઉમેરવામાં આવે છે. જેના કારણે ડાયેટ સોડાં લેવાથી ઘણીવાર સુગરનું પ્રમાણ વધી જાય છે. આવી જ રીતે ફ્રુટ જ્યુસમાં પણ તે સો ટકા કુદરતી હોવાનો દાવો કરવામાં આવે છે પણ તેમાં ય સુગર ઉમેૈરવામાં આવેલી હોય છે. આ પ્રકારના સુગરી ફ્રુટ જ્યુસ પીવાથી તમારી બ્લડ સુગરમાં વધારો થાય છે.
આવું જ એક નવું ગતકડું પ્રોટીન બારને નામે ચલાવવામાં આવે છે. ઘણી કંપનીઓ પ્રોટીન બારના નામે સુગરી બાર જ પધરાવતી હોય છે. મોટાંભાગના બારમાં સુગર હોવાથી તે ખાવાથી તમારા બ્લડમાં સુગર વધે છે. જો પ્રોટીન જ મેળવવું હોય તો કહેવાતાં પ્રોટીન બાર ખાવાને બદલે દૂધ અને મગફળી કે સૂકા મેવા ખાવાનું રાખવું જોઇએ. બીજું કશું ન સૂઝે તો પરંપરાગત ચિક્કી ઘરે બનાવીને ખાવી જોઇએ જે પ્રોટીન બાર કરતાં વધારે પોષણયુક્ત હોય છે.