પાકિસ્તાનમાં જમીન માટે શિયા-સુન્ની વચ્ચે લોહિયાળ જંગ, 35નાં મોત

ખૈબરના આદિવાસી વિસ્તારમાં ભારે તંગદિલી.મોર્ટાર-રોકેટ શેલ, લોન્ચર્સથી હુમલામાં ૧૫૦થી વધુ ઘાયલ, હિંસાની આગ અનેક વિસ્તારોમાં ફેલાઇ, સુરક્ષા વધારાઇ.

ઇસ્લામાબાદ: પાકિસ્તાનમાં શિયા અને સુન્ની આદિવાસીઓ વચ્ચે જમીનને લઇને લોહિયાળ જંગ ખેલાયો હતો, જેમાં અત્યાર સુધીમાં ૩૫ લોકો માર્યા ગયા છે જ્યારે ૧૫૦થી વધુ લોકો ઘવાયા છે. અફઘાનિસ્તાન સરહદે આવેલા પાક.ના ખૈબર પ્રાંતમાં બન્ને જુથો વચ્ચે હથિયારોથી હુમલા કરવામાં આવ્યા હતા. હુમલાખોરોએ રોકેટ લોન્ચરથી લઇને માર્ટાર અને રોકેટ શેલ પણ છોડયા હતા.

ખૈબરના કુર્રમ જિલ્લામાં છેલ્લા પાંચ દિવસથી બન્ને જુથ વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું હતું, અહીંયા એક જમીનના વિવાદને લઇને સામસામે હિંસા ફાટી નીકળી હતી અને હથિયારોથી હુમલા કરવામાં આવ્યા હતા. સુન્ની મુસ્લિમ મદગી અને શિયા માલી ખેલ આદિવાસીઓ વચ્ચે એક બેઠક યોજાઇ હતી, વર્ષો જુના જમીનના વિવાદને લઇને આ બેઠક મળી હતી. બન્ને વચ્ચે મધ્યસ્થી કરાવી રહેલા એક કાઉન્સિલ પર એક શખ્સે ગોળીબાર કર્યો હતો ત્યારથી બન્ને વચ્ચે હિંસા ફાટી નીકળી છે. 

એક પોલીસ અધિકારી મુર્તઝા હુસૈને કહ્યું હતું કે હાલ આ એક સ્થળેથી શરૂ થયેલો વિવાદ આસપાસના તમામ વિસ્તારોમાં ફેલાઇ ચુક્યો છે અને સ્થિતિ તંગદીલ છે. હાલમાં આ હિંસા પીવાર, તાંગી, બિલિશખેલ, ખાર, મકબલ, સહિતના અનેક વિસ્તારો સુધી પહોંચી ગઇ છે. ગત રાત્રીએ એક સાથે ચાર મોટા હુમલા થયા હતા. જેમાં સૌથી મોટી જાનહાની સામે આવી છે. હાલમાં સમગ્ર વિસ્તારમાં સુરક્ષા દળો અને પોલીસના જવાનોને તૈનાત કરાયા છે. પાકિસ્તાન સુન્ની બહુમત દેશ છે કે જ્યાં શિયાઓ પર અત્યાચારની અનેક ઘટનાઓ સામે આવતી હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *