એપ્રિલ ૨૦૧૮થી છ વર્ષમાં ઈનિશિઅલ પબ્લિક ઓફરિંગ્સ (આઈપીઓસ) મારફત રૂપિયા ૧.૯૦ ટ્રિલિયનના શેર્સના થયેલા સેકન્ડરી વેચાણમાં લોન્ગ ટર્મ કેપિટલ ગેઈન્સ (એલટીસીજી) ટેકસની ગણતરી કરી તેની વ્યાજ સાથે થવાની શકયતા જોવાઈ રહી છે. બજેટમાં આવી પડેલી સ્પષ્ટતાને પગલે આ વસૂલી નીકળવાની ધારણાં મૂકવામાં આવી રહી છે. ૨૦૧૮થી ફરી લાગુ થયેલા એલટીસીજી લાગુ થવાના મુદ્દે પ્રવર્તતી અસ્પષ્ટતાને કારણે કેટલાક પ્રમોટરો તથા પ્રાઈવેટ ઈક્વિટી (પીઈ) રોકાણકારોએ ટેકસની ચૂકવણી કરવાનું ટાળ્યું હતું. જો કે વર્તમાન નાણાં વર્ષના બજેટમાં એલટીસીજી લાગુ થવા બાબત સ્પષ્ટતા કરવામાં આવી છે એટલું જ નહીં તેને ૧લી એપ્રિલ ૨૦૧૮ની તારીખ થી લાગુ કરાયાની પણ ચોખવટ કરવામાં આવી છે.નાણાં વર્ષ ૨૦૧૯થી જાહેર ભરણાં મારફત ઊભી કરાયેલી રૂપિયા ૩ ટ્રિલિયન જેટલી રકમમાંથી અંદાજે ૬૫ ટકા જેટલી રકમ ઈક્વિટીસના સેકન્ડરી અથવા ઓફર ફોર સેલ વ્યવહાર મારફત ઊભી કરાઈ હોવાનું એક વિશ્લેષકે જણાવ્યું હતું.
આઈપીઓમાં ઓફર ફોર સેલ મારફત શેર્સના વેચાણમાં અસંખ્ય આઈપીઓસમાં ટેકનિકલ મુદ્દાને ધ્યાનમાં લેવાઈ રહ્યો હતો અને તેના પર ટેકસ ભરાતો નહતો. આમાં કાયદાનો હેતુ બર આવતો નહીં હોવાનું અને અસંખ્ય આઈપીઓ આવી રહ્યા હોવાનું સરકારના ધ્યાનમાં આવતા વર્તમાન બજેટમાં તેની સ્પષ્ટતા આવી પડી હોવાનું પણ વિશ્લેષકે ઉમેર્યું હતું.જે પ્રમોટરો અને પ્રાઈવેટ ઈક્વિટી રોકાણકારોએ અત્યારસુધી નાણાં ઊભા કર્યા છે તેમણે તેમના શેર્સના વેચાણ પર વ્યાજ સાથે એલટીસીજી ટેકસ ભરવાનો આવશે એમ એક વેરા નિષ્ણાતે જણાવ્યું હતું.૨૦૧૮ના બજેટમાં સરકારે એક વર્ષના હોલ્ડિંગ બાદ વેચાતા શેર્સ પર ૧૦ ટકા એલટીસીજી લાગુ કર્યો હતો. જો કે ઘડાયેલા કાયદામાં એવું જણાવાયું હતું કે, જે વ્યવહારનાં સિક્યુરિટીઝ ટ્રાન્ઝકશન ટેકસ (એસટીટી) વસૂલાયો હશે તેના પર જ એલટીસીજી ટેકસ લાગુ થશે. આઈપીઓના કિસ્સામાં શેર્સનું વેચાણ એકસચેન્જ મારફત થતું નહીં હોવાથી એસટીટી વસૂલાતો નથી. આ ઉપરાંત અનલિસ્ટેડ કંપનીના શેર્સના યોગ્ય બજાર મૂલ્ય મેળવવાના માળખાની ગેરહાજરીને કારણે પણ એલટીસીજીની ગણતરી કરવાનું મુંઝવણભર્યું બની રહ્યું હતું.
વર્તમાન બજેટમાં યોગ્ય બજાર મૂલ્યની જાણકારી મેળવવા માળખુ પૂરું પડાતા હવે ઈક્વિટીસના હસ્તગત કયા ભાવે થયું છે તે જાણવાનું સરળ બની રહેશે એમ પણ વેરા નિષ્ણાતે જણાવ્યું હતું. આ સ્પષ્ટતાને કારણે કેટલો ટેકસ વસૂલવાનો આવશે તેનો સરકારે કોઈ અંદાજ મેળવ્યો નથી પરંતુ વેરા અધિકારીઓ નાણાં વર્ષ ૨૦૧૯થી જ ચરાસણી હાથ ધરશે તેવી ધારણાં મૂકવામાં આવી રહી છે. આગામી ૧૨ મહિનામાં અંદાજે રૂપિયા એક ટ્રિલિયનના આઈપીઓ આવવાની શકયતા છે ત્યારે તેમાં એલટીસીજી ટેકસ લાગુ થતો જોવા મળશે.