કોઈ પણ રાઇટર-ડિરેક્ટરને એની ડેબ્યુ ફિલ્મની રિલીઝ માટે સાત વરસ રાહ જોવી ભારે પડી જાય. આ લાંબો સમયગાળો એના આત્મવિશ્વાસ અને ધૈર્યની કસોટી કરનારો બની રહે છે. તાહિરા કશ્યપને આવી કસોટીમાંથી પસાર થવાનો અનુભવ થઈ ચુક્યો છે. આયુષ્માન ખુરાના જેવા ટોપના એક્ટરની વાઇફ હોવા છતાં તાહિરાને પોતાની ડિરેક્ટર તરીકેની ડેબ્યુ ફિલ્મ ‘શર્માજી કી બેટી’ના મેકિંગથી લઈ રિલિઝ સુધી ઘણું સહન કરવું પડયું છે. સદનસીબે, ફિલ્મ તમામ વર્ગ અને વય જુથના લોકોને ગમી છે. શહેરી મિડલ ક્લાસ મહિલાઓની લાઇફમાં આવતી કસોટીઓ અને ઝંઝાવાતની કહાની કહેતી ફિલ્મમાં સૈયામી ખૈર, દિવ્યા દત્તા અને સાક્ષી તન્વર લીડ રોલમાં છે.પહેલી ફિલ્મ ‘શર્માજી કી બેટી’ જ કેમ? અને તે પણ ડાયરેક્ટ ઓટીટી પર? તાહિરા કહે છે,   ‘અમારી પાસે આ સૌથી ડિગ્નિફાઇડ ઓપ્શન હતો. ઘણા લોકોને આવો ગૌરવવંતો વિકલ્પ મળતો નથી.  ઈન ફેક્ટ, અમે ‘શર્માજી કી બેટી’ ઓટીટી પર રિલીઝ કરવાના ઈરાદાથી જ બનાવી હતી. આનાથી વધુ સારી અને મોટી અપેક્ષા હું શું રાખી શકું?’

પહેલી જ ફિલ્મ માટે પ્લેટફોર્મ મેળવવા આટલો બધો સંઘર્ષ કરતી વખતે એમને કેવું લાગતું હતું? તાહિરા કહે છે, ‘સાચું કહું તો હું ખોટા ભ્રમમાં હતી અને વધુ પડતી આશાવાદી પણ હતી. હું ઘણી વાર ભાંગી પડતી હતી, રડી પડતી હતી, પરંતુ બીજા દિવસે તમારી પાસે એક જ વિકલ્પ હોય છે. આંસુ લૂછી લો અને કામે લાગી જાવ. બીજું, આ વાત કદાચ કોઈને પ્રેક્ટિકલ ન લાગે, પરંતુ એ ટાઈમ દરમિયાન  મને મંત્રોચ્ચાર અને મેડિટેશન ખરેખર મદદરૂપ થયો હતો. આ સમયગાળામાં મેં બીજી સ્ક્રિપ્ટ્સ પણ લખી. એને લીધે હું માનસિક રીતે સ્વસ્થ રહી શકી.’

આ  ફિલ્મમાં કોઈ એ ગ્રેડના  એક્ટર નથી. શું તાહિરાને વિશ્વાસ હતો કે ફિલ્મ ચાલશે? તાહિરા કહે છે, ‘સચ કહું તો ઉસ વક્ત મેરે અંદર કોન્ફિડન્સ કે સાથ-સાથ બહોત સારી ઇમ્મેચ્યોરિટી થી. વ્યક્તિ જ્યારે નવી શરૂઆત કરે છે ત્યારે એ એવું માનતો હોય છે કે એને ધારેલું બધુ મળી જશે. મને પણ ખાતરી હતી કે બધુ સમુસુતરું પાર ઉતરશે. મારે તો ભરોસાપાત્ર અને ઓથેન્ટિક એકટર્સ સાથે કામ કરવું હતું. પહેલી ફિલ્મમાં તમારે ટોપના એકટર્સ સાથે જ કામ કરવું જોઈએ એવા સ્ટિરિયોટાઈપ આઇડિયા મને ગમતા નહોતા, પણ હું ખરેખર ભ્રમમાં હતી. એટલા માટે કે ફિલ્મ મેકિંગમાં ફાઇનાન્સ અને કમર્શિયલ એન્ગલ પણ મહત્ત્વનો ભાગ ભજવે છે. તેથી જ અમને ફિલ્મ રિલીઝ કરવામાં સાત વરસ લાગી ગયાં. સમય બદલાઈ રહ્યો છે, પણ બહુ ધીમે. અન્યથા નારીકેન્દ્રી ફિલ્મ  ચલણમાં જ ન હોત.  ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ આવી, પછી ‘ક્રુ’ આવી. તમે આ ફિલ્મોને આંગળીને વેઢે ગણી શકો. આવી બીજી ઘણી બધી ફિલ્મો બનતી થશે પછી એ મેલ કે ફિમેલ ઓરિયન્ટેડ સિનેમા તરીકે નહીં, પણ માત્ર ફિલ્મો તરીકે જ ઓળખાશે. એ દિવસે સાચો બદલાવ આવ્યો કહેવાશે. ‘