વર્તમાન નાણાં વર્ષના બજેટમાં માઈક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઈઝિસ (એમએસએમઈ)ને ધિરાણ પૂરા પાડવા બેન્કોને પ્રોત્સાહિત કરવામાં આવી હોવા છતાં આવી લોન્સ નોન પરફોર્મિગ એસેટસ (એનપીએ)માં રૂપાંતરિત થઈ જવાની બેન્કોને ચિંતા સતાવી રહી છે. બેડ લોન્સના વર્ગીકરણ માટેના નિયમોને હળવા બનાવાય તેવી બેન્કો ઈચ્છા ધરાવી રહ્યા છે.એમએસએમઈને તાણના સમયગાળામાં બેન્ક ધિરાણ ચાલુ રાખવાનો માર્ગ કરી આપતી નવી યંત્રણા નાણાં પ્રધાને બજેટમાં જાહેર કરી છે. સ્પેશ્યલ મેન્શન એકાઉન્ટના તબક્કા દરમિયાન એમએસએમઈને તેમનો વેપાર ચાલુ રાખવા ભંડોળની આવશ્યકતા રહે છે. જો કે ધિરાણ ઉપલબ્ધતાને સરકાર દ્વારા પ્રેરિત ફન્ડમાંથી બાંયધરી મારફત ટેકો પૂરો પાડવાની નાણાં પ્રધાને જાહેરાત કરી છે.
જો કોઈ પેઢી રિપેમેન્ટમા ંડિફોલ્ટ જાય તો, બેન્કની રિસ્ક પ્રોફાઈલ કથળી શકે છે, એમ એક જાહેર ક્ષેત્રની બેન્કના અધિકારીએ જણાવ્યું હતું. આવી સ્થિતિમાં વધુ લોન્સ પૂરી પાડવાનો કોઈ મતલબ રહેતો નથી અને લોનધારક ડિફોલ્ટ જવાનું બેન્ક સામે જોખમ રહે છે. લોનધારક ડિફોલ્ટ જાય તો બેન્ક તેને સ્પેશ્યલ મેન્શન એકાઉન્ટ તરીકે વર્ગીકૃત કરે છે. તાણ હેઠળના લોનધારકોને તેમની સ્થિતિ સુધારવા વધુ સમયની જરૂરત હોય છે, એમ અન્ય એક બેન્કરે જણાવ્યું હતું.
એમએસએમઈ પાસે પૂરતી માત્રામાં કોલેટરલ હોતા નથી અને તેમના નાણાંકીય રેકોર્ડસ બેન્કિંગ ધોરણો સાતે બંધબેસતા નથી હોતા. એમએસએમઈ માટે ધિરાણ બાંયધરી ખરી દિશાનું પગલું છે પરંતુ તેના અમલીકરણ અને પરિણામ જોવાના રહેશે એમ ક્રિસિલ દ્વારા એક નિવેદનમા ંજણાવાયું હતું.કોરોનાના કાળમાં સરકારની બાંયધરી સાથે એમએસએમઈ લોન્સમાં વધારો થયો હતો.