સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને મજબૂત કરવા એન્જલ ટેક્સ નાબૂદ કરાયો

મોદી સરકાર ૩.૦નું પ્રથમ બજેટ રજૂ કરતા નાણામંત્રી નિર્મલા સીતારમણે દેશના અનેક રોકાણકારોને મોટો ઝાટકો આપ્યો છે. ટૂંકા અને લાંબાગાળાના ટેક્સ સહિતના અન્ય ટેક્સમાં વધારો ઝીંકવાની સામે સરકારે લાંબાગાળાના રોકાણનો દ્વાર પણ ખુલ્લો કર્યો છે. કેન્દ્રીય બજેટ ૨૦૨૪-૨૫માં સરકારે એક મોટી જાહેરાત કરતા એન્જલ ટેક્સને દૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

૨૦૧૪થી જ મોદી સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય દેશની સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમને મજબૂત કરવાનો હતો. સરકાર આ મામલે હવે ગંભીર બની છે અને આ બજેટમાં નાણામંત્રીએ એન્જલ ટેક્સ હવે સંપૂર્ણ રીતે નાબૂદ કરવાનો નિર્ણય લીધો છે. છેલ્લા કેટલાય સમયથી સરકાર સમક્ષ એન્જલ ટેક્સ ઘટાડવા કે દૂર કરવાની માંગણી થઈ રહી હતી અને હવે સરકારે સ્ટાર્ટઅપમાં નવા રોકાણને આકર્ષવા માટે અને લાંબાગાળાનું સ્થાનિક-વિદેશી મૂડી રોકાણ આવકારવા માટે દરેક એસેટ ક્લાસના રોકાણ પર એન્જલ ટેક્સ હટાવવાનો મહત્વકાંક્ષી નિર્ણય લીધો છે.

વર્ષ ૨૦૧૨માં સરકારે અનલિસ્ટેડ કંપનીઓમાં ઈક્વિટી ખરીદીને આડકતરી રીતે થતા મની લોન્ડરિંગને રોકવા માટે અને બિનહિસાબી આવકને રોકવા માટે આ ટેક્સ પ્રથા શરૂ કરી હતી. આ સિવાય સરકાર આ ટેક્સની મદદથી તમામ પ્રકારના બિઝનેસને ટેક્સના દાયરામાં લાવવાનો પ્રયાસ કરી રહી હતી. જોકે સરકારના આ પગલાને કારણે દેશના ઘણા સ્ટાર્ટઅપ્સને ભારે નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે. સ્ટાર્ટઅપને એકંદરે ૩૦.૯ ટકા સુધી ટેક્સ ચૂકવવો પડ્તો હતો. નવા રોકાણમાં વિલંબ સહિતની અનેક સમસ્યાઓ ઉભી થતા ટેક્સ નાબૂદ કરવાની માંગ થઈ રહી હતી. હવે મોદી સરકારે આ ટેક્સ નાબૂદ કરતા દેશના અનેક સ્ટાર્ટઅપ્સને ફાયદો થશે. છેલ્લા કેટલાક વર્ષોમાં દેશમાં સ્ટાર્ટઅપ્સની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે અને સામે પક્ષે કોરોના મહામારી બાદથી મોટા રોકાણ નથી આવી રહ્યાં તેથી અંતે હવે સરકારે સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવા અંતે ટેક્સ દૂર કરવાનો નિર્ણય લીધો છે.

એન્જલ ટેક્સ શું છે.

દેશમાં એન્જલ ટેક્સ વર્ષ ૨૦૧૨માં લાગુ કરવામાં આવ્યો હતો. આ ટેક્સ અનલિસ્ટેડ કંપનીઓમાં થતા રોકાણ પર વસૂલાતો હતો. એન્જલ રોકાણકારોની કેટેગરી પાસેથી ભંડોળ એકત્ર કરવા પર આ ટેક્સ વસૂલાતો હતો. અનલિસ્ટેડ કંપનીઓના શેરના વ્યાજબી બજાર ભાવ ઉપર ચૂકવાતા પ્રીમિયમ પર આવકવેરા અધિનિયમ ૧૯૬૧ની કલમ 56 (2) (vii) (b) હેઠળ આ ટેક્સ વસૂલવામાં આવે છે. આ પ્રીમિયમને ‘અન્ય સ્ત્રોતમાંથી આવક’ તરીકે નોંધવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *