એક તૃતિયાંશ જીવન વીતાવ્યા બાદ મળેલાં યુવાન હૈયાં ઘણી બાબતે અલગ પડતા હોય તે સહજ છે.
માણસના જીવનમાં લગ્ન કરવા એ એક મોટો નિર્ણય છે. પતિ અને પત્નીનો સંબંધ આજીવન ચાલતો હોય છે એટલે આદર્શ સ્થિતિ એ છે કે સહજીવન શરૂ કરતાં પહેેલાં જ મહત્વના મુદ્દે ખુલ્લા મને ચર્ચા કરી લેવી જોઇએ. આજના જમાનામાં ઘણી બાબતો સહિયારી હોય તે આધુનિક કન્યાઓને ગમતું નથી. પરિણામે આવી બધી બાબતો વિશે ચોખવટ થઇ જાય તો તે બહેતર પુરવાર થાય છે.
આજના જમાનામાં સુખી લગ્નજીવન જીવવા માટે પાંચ બાબતે પતિ-પત્નીમાં તાલમેલ હોવો આવશ્યક છે. પ્રથમ બાબત ધર્મની આવે છે. આજના મહાનગરમાં જીવતી નવી પેઢી માટે અલગ અલગ ધર્મના જીવનસાથીની પસંદગી કરવાનું અસામાન્ય રહ્યું નથી. આવા સંજોગોમાં ભાવિ પતિ-પત્નીએ પોતપોતાના ધાર્મિક વિચારો બાબતે મુક્ત મને ચર્ચા કરી લેવી જોઇએ. પોતાના પરિવારમાં ક્યો ધર્મ પાળવામાં આવશે તે બાબતે નવદંપતીમાં સ્પષ્ટતા હોવી જોઇએ. એવું ન બને કે તમને તમારા જીવનસાથીના ધર્મ વિશે કશી ખબર જ ન હોય. ધર્મનિરપેક્ષ વાતાવરણ એ આદર્શમાં સારું લાગે છે પણ વ્યવહારમાં આમ બનતું નથી. સામાન્ય રીતે પત્ની પતિના ઘરમાં ચાલતા ધર્મને અનુસરતી હોય છે તે બાબત ખ્યાલમાં રાખવી જોઇએ. દરેક જણની પોતપોતાની આગવી ધાર્મિક માન્યતાઓ હોય છે તેને સમજી લેવામાં આવે અને એક સીમા નક્કી કરી લેવામાં આવે તો ભવિષ્યમાં આ બાબતે નાહક તનાવ થતો નિવારી શકાય છે. આજના જમાનામાં બીજી મોટી બાબત આહાર વિહાર છે. આ મુદ્દો પણ ધર્મ સાથે જોડાયેલો છે. ઘણાં તેમના ધર્મ અનુસાર શાકાહારી કે નવા જમાનાના લોકો વિગન હોય ત્યારે આ બાબત મહત્વની બની રહે છે. આ લોકો ચાહે તો પણ તેમની ખાનપાનની આદતો બદલી શકવાની સ્થિતિમાં હોતાં નથી. માંંસાહાર એ ભૌગોલિક જરૂરિયાત હોય તો એ બાબતે પણ ચોખવટકરી લેવી જરૂરી છે. પિયરમાં બધું ખાવાની છૂટ ભોગવી હોય એવી યુવતી માટે ચુસ્ત શાકાહારી જીવનશૈલી અપનાવવાની વાત આવે ત્યારે ઘર્ષણ થઇ શકે છે. આ બાબતે પણ પહેલેથી જ ચોખવટ કરી લેવી જોઇએ. આજના જમાનામાં આ બધી બાબતો મહત્વની હોઇ તે અંગે સ્પષ્ટતા કેળવવી આવશ્યક બની રહે છે. ત્રીજી મહત્વની બાબત માતાપિતા પ્રત્યે યુવાન દંપતીની જવાબદારીઓ છે. હવે તો વૃદ્ધ માતાપિતાની સંભાળ લેવાનું કાયદેસર રીતે ફરજિયાત બની ગયું હોઇ આ બાબતે હવાઇ ખ્યાલો ચાલે નહીં. લગ્ન બાદ અમે તો એકલાં રહીને મોજ કરીશું એંમ માનનારાં ઘણાં દંપતીઓના જીવનરથ લગ્ન બાદ વાસ્તવિકતાની ધરતી પર પટકાય છે. સંયુક્ત પરિવારમાં જવાબદારીપૂર્વક વર્તવાની વાત આવે અને પરિવારમાં દરેકની જરૂરિયાતનો ખ્યાલ રાખવાની વાત આવે ત્યારે વિભક્ત પરિવારની યુવતીને નવા સંયુક્ત પરિવારમાં ગોઠવાતાં વાર લાગી શકે છે. પરિણામે આવી બાબતે ચોખવટ કરી લેવી જરૂરી બને છે. ઘણીવાર નવી પેઢીની કમાતી ધમાતી યુવતીઓ લગ્ન બાદ પણ તેમના માતાપિતાને નાણાંકીય સહાય કરવાના મતની હોય છે. તેમાં પણ જો તે એક જ સંતાન હોય તો આ મામલો ઓર મહત્વપૂર્ણ બની રહે છે. આમ, માતાપિતાની જવાબદારીઓ બાબતે લગ્ન પહેલાં જ ચોખવટ કરી લેવી જરૂરી છે.
ચોથી મહત્વની બાબત નોકરી અને જીવનશૈલીની છે. આજના જમાનામાં નાણાંકીય રીતે સ્વાયત્ત યુવતીઓ તેમની જીવનશૈલી બાબતે કોઇ બાંધછોડ કરવા તૈયાર હોતી નથી. પરિણામે ઘરના કામકાજથી માંડી નોકરી કરવાના સમય સુધીની બાબતે ખટરાગ થઇ શકે છે. વળી નોકરીઓ માટે અન્ય શહેરમાં સ્થળાંતર કરવું પડે તેમ છે કે કેમ તે બાબતે પણ ચોખવટ કરી લેવી જોઇએ. ઘણીવાર કોઇ એક જીવનસાથીની નોકરી રાતપાળીની હોય તો બીજા જીવનસાથીએ પણ તેની સાથે એડજસ્ટ કરવું પડે છે. પાંચમો અને છેલ્લો મહત્વનો મુદ્દો બંને જણાંની આર્થિક સ્થિતિ છે. આ બાબતે ઘણીવાર એવું બને છે કે લગ્ન પહેલાં મોટીમોટી વાતો કરવામાં આવે છે પણ જ્યારે વહું ઘરમાંઆવે ત્યારે સાચી હકીકત જાણી હેબતાઇ જાય છે અને ન થવાનું થાય છે. આમ, પતિ-પત્નીએ નિખાલસ બની પોતપોતાની આર્થિક સ્થિતિ બાબતે પણ ચર્ચા કરી લેવી જોઇએ.
આજના જમાનામાં લોન લેવી આમ બાબત છે ત્યારે પોતાના માથે કેટલી લોન છે તેની પણ ચર્ચા કરી લેવામાં સાર છે. પોતાની આર્થિક જવાબદારીઓ વિશે મનમાં સ્પષ્ટ ચિત્ર હોય તો જીવનના ધ્યેયો સ્પષ્ટ બની જાય છે. પરંતુ પોતાની આર્થિક જવાબદારીઓ બાબતે ગાફેલ હોય તે વ્યક્તિની સાથે તેના જીવનસાથીની હાલત પણ કફોડી થઇ જાય છે.