મજબૂત બેલેન્સ શીટના ટેકા સાથે બજેટમાં રાજકોષિય શિસ્તતા જાળવવાની તક
લોકસભાની ચૂંટણીમાં નબળા દેખાવ બાદ ભાજપે પોતાના સાથી પક્ષોના ટેકા સાથે કેન્દ્રમાં ખરા અર્થમાં મિશ્ર સરકાર બનાવવાની ફરજ પડી છે. અગાઉની બે મુદતમાં ભાજપે પોતે બહુમતિ મેળવી હતી માટે તેને સાથી પક્ષોના દબાણની ચિંતા નહોતી. મોદી-૩ની રચના બાદ ૨૩ જુલાઈના રજુ થનારા પ્રથમ બજેટમાં નાણાં પ્રધાન નિર્મલા સીતારામન પર આકરાં પગલાં કરતા લોકપ્રિય જાહેરાતો કરવાનું દબાણ રહેશે. દેશના ત્રણ મુખ્ય રાજ્યોમાં નજીકના ભવિષ્યમાં આવી રહેલી વિધાનસભાની ચૂંટણી માટે મોદી સરકાર મતદારોનો મન રિઝવવા બનતા દરેક પ્રયાસો કરશે પરંતુ સાથોસાથ તેમણે તેમના સાથી પક્ષોના હિતોને પણ સંભાળવા પડશે. સરકારમાંના સાથી પક્ષોને સાચવવામાં નાણાં પ્રધાન છેલ્લા દસ વર્ષની નીતિઓને કેટલી ચાલુ રાખી શકે છે, તે પણ જોવાનું રહેશે.
જાહેર દેવાના ઊંચા સ્તરને ધ્યાનમાં રાખતા અર્થતંત્રને ગતિ આપવા રાજકોષિય છૂટ લેવાનો નાણાં પ્રધાન માટે મર્યાદિત અવકાશ છે. રાજકોષિય શિસ્તતાના ધોરણને પકડી રાખવાનું પણ તેમના પર દબાણ રહેશે. ભારતમાં માળખાકીય ક્ષેત્રમાં સુધારા કાર્યક્રમોથી લાંબા ગાળાની પોઝિટિવ અસર જોવા મળી હોવાથી આ ક્ષેત્રમાં લાગુ કરાયેલી નીતિઓ જળવાઈ રહે તેવી ઉદ્યોગોની અપેક્ષા છે. સામાન્ય રાહતના પગલાં જાહેર કરવાને બદલે સરકાર આગામી કેટલાક વર્ષો માટેના પોતાના આર્થિક વિઝન બાબત ચિત્ર રજૂ કરશે. કલ્યાણકારી કાર્યક્રમો પાછળ ભંડોળની ફાળવણી છતાં, મૂડીખર્ચમાં ઘટાડો જોવા નહીં મળે કારણ કે રિઝર્વ બેન્ક તરફથી મળેલી જંગી ડિવિડન્ડ રકમને કારણે સરકારની સ્થિતિ સાનુકૂળ બની છે.
દેશની પચાસ ટકાથી વધુ લોકસંખ્યા કૃષિ તથા તેને સંલગ્ન ક્ષેત્ર સાથે સંકળાયેલી હોવાથી કૃષિ ક્ષેત્રના વિકાસ માટે વધુ ફાળવણી આવશ્યક છે. રિઝર્વ બેન્કે વર્તમાન નાણાં વર્ષમાં પોતાની પાસેની પુરાંતમાંથી સરકારને રૂપિયા ૨.૧૧ ટ્રિલિયન ટ્રાન્સફર કર્યા છે જે અંદાજ કરતા બમણા છે. આમ નાણાંકીય દ્રષ્ટિકોણથી મોદી-૩ની શરૂઆત મજબૂત રીતે થઈ છે ત્યારે નિષ્ણાતોની નજર બજેટ ફાળવણી પર રહેલી છે. ભંડોળની ફાળવણીમાં આર્થિક વિકાસ સાથોસાથ સાથી પક્ષોના રાજકીય હિતોને ધ્યાનમાં રખાશે.
દેશમાં આગામી વર્ષમાં માગ વધારવા માટે સરકારી ખર્ચને કેટલું પ્રાધાન્ય અપાય છે તે પણ જોવાનું મહત્વનું રહેશે. સરકારી ખર્ચ ખાસ કરીને માળખાકીય ખર્ચની માત્રાનો આધાર મહેસુલી આવકમાં કેટલો વધારો થાય છે અને સરકાર કેટલા નાણાં ઊભા કરી શકે એમ છે તેના પર રહે છે. માગ વૃદ્ધિ કરવા સરકારી ખર્ચમાં વધારો જરૂરી છે ત્યારે રાજકોષિય શિસ્તતા સાથે નાણાં પ્રધાન ખર્ચના સ્તરને કેટલું રાખી શકે છે તેના પર નજર રહેશે.૧લી ફેબુ્રઆરીના રજુ કરેલા વચગાળાના બજેટમાં સરકારે વર્તમાન નાણાં વર્ષ માટે રૂપિયા ૧૪.૧૩ ટ્રિલિયનના બોરોઈંગની ધારણાં મૂકી હતી.
કોરોનાના કાળમાં વિશ્વભરના દેશોના અર્થતંત્ર નબળા પડી ગયા હોવા છતાં મોટાભાગના દેશોના શેરબજારોમાં જોવા મળેલી ઐતિહાસિક ઊંચી સપાટી આજે પણ જળવાઈ રહી છે જેમાં ભારત પણ બાકાત નથી. ભારતીય શેરબજારોમાં લાલઘુમ તેજી છતાં સરકાર છેલ્લા કેટલાક સમયથી ડિસઈન્વેસ્ટમેન્ટમાં મજબૂત રીતે આગળ વધી શકી નથી, જે સરકારની નીતિમાં ક્યાંકને કયાંક ક્ષતિ હોવાનું સૂચવે છે. બજેટ બાદ પણ શેરબજાર તેની સુધારાની ચાલ જાળવી રાખશે તેવી ધારણાં રખાઈ રહી છે ત્યારે સરકાર પોતાની વિકાસ યાત્રાને જાળવી રાખવા વધુ નાણાં ઊભા કરવા ડીસઈન્વેસ્ટમેન્ટના નક્કર પગલાં જાહેર કરશે તેવી અપેક્ષા રખાય છે.
આવનારા બજેટમાં દેશના નીતિવિષયકો તથા ઉદ્યોગોની સૌથી વધુ નજર સરકારના આત્મનિર્ભર ભારત કાર્યક્રમ પર રહેશે. નાણાં પ્રધાન સંરક્ષણવાદની નીતિને કેવું રૂપ આપે છે તે જોવાનું રહેશે. આત્મનિર્ભર ભારતનો અર્થ એવો નથી કે વિદેશ વેપારને ભૂલી જઈ ઉદ્યોગોને ઘરઆંગણા સુધી જ સીમિત રાખી મૂકીએ. આ કાર્યક્રમ હેઠળ દેશના ઉદ્યોગોને વિશ્વ બજારમાં સ્પર્ધાત્મક બનાવાશે તો જ અપેક્ષા મુજબનો આર્થિક વિકાસ દર સાધવાનું શકય બની શકશે, એમ કહીશું તો ખોટું નહીં ગણાય.
નાણાં પ્રધાને તેમના બજેટમાં રોજગાર નિર્માણ, એમએસએમઈ માટે ધિરાણ વૃદ્ધિ, સેવા ક્ષેત્રની નિકાસમાં વધારો કરવા પર ખાસ ધ્યાન આપવા સાથે કૃષિ ક્ષેત્રને પ્રાધાન્ય આપવું પડશે. છેલ્લા દસ વર્ષમાં ભાજપ પ્રથમ જ વખત પોતાની બહુમતિ વગર મિશ્ર સરકાર ચલાવી રહ્યું છે માટે, જમીન સુધારા અને કૃષિ ક્ષેત્રના કાર્યક્રમો જેવા પાયાભૂત સુધારા પાછળના ખર્ચમાં રાજકીય છાંટ વધુ જોવા મળી શકે છે.
કૃષિ ક્ષેત્રની વાત કરીએ તો ખેડૂતોને ટેકો પૂરો પાડવા સરકાર પાક માટે ટેકાના ભાવ ઉપરાંત વીમા યોજનાનો લાભ પૂરો પાડતી આવી છે. દેશની પચાસ ટકા લોકસંખ્યા કૃષિ તથા સંલગ્ન ક્ષેત્ર સાથે સંકળાયેલી છે તેમ છતાં દેશના ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડકટ (જીડીપી)માં આ ક્ષેત્રનું યોગદાન ૧૮ ટકા આસપાસ જોવા મળી રહ્યું છે. કૃષિ ક્ષેત્રની આવક વધારી દેશમાં ઉપભોગ માગ વધારવા સરકાર દર વર્ષે ટેકાના ભાવમાં વધારો કરે છે, પરંતુ આ ભાવ વધારા છતાં ગ્રામ્ય ક્ષેત્રમાં માગમાં અનેકવેળા નબળાઈ જોવા મળતી હોય છે, જે માટેના કારણ કૃષિ પાકના બગાડથી લઈને સરકાર દ્વારા ટેકાના ભાવે નીચી ખરીદી રહેલા છે. કલાયમેટ ચેન્જની અસરોના ઓછાયા હેઠળ મોદી-૩ના પ્રથમ બજેટમાં સાથી પક્ષોને સાચવીને કૃષિ ક્ષેત્ર માટેની નીતિઓને નવા રંગરૂપ મળી રહેવાની શકયા વધુ જોવાઈ રહી છે.