રિયાની બોલીવૂડ કારકિર્દી લગભગ પૂર્ણ થઈ ગઈ. સુશાંતસિંહ રાજપૂત કેસમાં બદનામી બાદ મળેલી જૂજ ફિલ્મો પણ ફલોપ ગઈ.
અભિનેત્રી રિયા ચક્રવર્તીએ કબૂલ્યું છે કે તેની પાસે હાલ કોઈ ફિલ્મો નથી. આવકનો એક સ્ત્રોત બંધ થતાં તે હાલ મોટિવેશનલ વીડિયો બનાવીને કમાણી કરી રહી છે. રિયાએ પોતાનું એક પોડકાસ્ટ શરુ કર્યું છે. તેમાં તેણે સુસ્મિતા સેન સાથે વાત કરી હતી. આ દરમિયાન તેણે પોતાના વિશે પણ કેટલીક માહિતી આપી હતી.
તેણે કહ્યું હતું કે પોતે હાલ એક્ટિંગ કરતી નથી. પોતાની પાસે કોઈ ફિલ્મ હાથ પર જ નથી. આ સંજોગોમાં લોકોને સ્વાભાવિક રીતે જ એવો સવાલ થાય તે હું કમાણી માટે શું કરું છું. તેનો જવાબ આ પોડકાસ્ટ છે. હું મોટિવેશનલ વીડિયો બનાવું છું અને તે દ્વારા આવક રળું છું. સુશાંત સિંહ રાજપૂત કેસમા થયેલી બદનામી માટે રિયાએ કહ્યું હતું કે મારા પર જાત જાતના આક્ષેપો થયા હતા. હું બ્લેક મેજિક કરું છું એવું પણ કહેવાયું હતું. પરંતુ, હવે કોઈ મને બદનામ કરે કે મારા માટે ગમે તેમ બોલે તેનાથી કોઈ ફરક પડતો નથી. ઉલ્લેખનીય છે કે સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ તેના પરિવારે રિયાએ સુશાંતના તમામ પૈસા સગેવગે કરી નાખ્યા હોવાના આરોપો મૂક્યા હતા. રિયા સામે સુશાંતને ડ્રગ આપવા અંગે પણ તપાસ થઈ હતી. હાલ તેને જામીન મળી ચૂક્યા છે.