મોડર્ન ઇન્ફ્રાસ્ટ્રકચર અને અદ્યતન ટેકનોલોજીની બડાઈ મારતાં ચીનના શાન્સીપ્રાંતમાં રાજમાર્ગ પરનો જ પુલ તૂટયો
પોતાની ટોપ ટેકનોલોજી અને મોડર્ન ઇન્ફ્રાસ્ટ્રકચરની બડાઈ મારતાં ચીનનાં ઉત્તર પશ્ચિમના રાજમાર્ગ ઉપરના પૂલનો કેટલોક ભાગ અચાનક તૂટી પડતાં ૧૧ લોકોનાં મોત થયાં છે. સ્થાનિક અધિકારીઓએ આ માહિતી આપી હતી. પ્રાંતીય પ્રસાર વિભાગે શનિવારે આ માહિતી આપતાં વધુમાં જણાવ્યું હતું કે ઝાશુઈ કાઉન્ટી સ્થિત શાંગ્લૂઓમાં શુક્રવારે રાત્રે અચાનક ભારે વર્ષા થઇ હતી, તેથી પ્રચંડ પૂરો આવ્યાં હતાં. તેથી શુક્રવારે રાત્રે આશરે ૮.૪૦ કલાકે નદી પરના પૂલનો મોટો ભાગ તૂટી પડયો હતો.
આ પછી તુર્ત જ બચાવ કાર્ય શરૂ કરવું પડે તેમ હતું છતાં શનિવારે સવારે દસ વાગ્યા પછી બચાવ કાર્ય હાથ ધરવામાં આવતાં બચાવ કર્મીઓએ હજી સુધીમાં પાંચ વાહનો પાણીમાંથી બહાર કાઢ્યાં છે. જો કે ચીનમાં છેલ્લા કેટલાયે દિવસોથી ભારે વરસાદ થઇ રહ્યો છે. તેથી ઠેર ઠેર એક યા બીજી આપત્તિ ઉભી થતી જાય છે. તેમાં ગઇકાલે રાત્રે થયેલી આ દુર્ઘટનાએ ચીનની અદ્યતન ટેકનોલોજી અને મોર્ડન ઇન્ફ્રાસ્ટ્રકચરના ધજાગરા ઉડાડી દીધા છે.