માઈક્રોસોફ્ટ સર્વિસીસમાં ખામીએ સોફ્ટવેર પૂરા પાડતી ગણતરીની કંપનીઓ પર દુનિયાની નિર્ભરતા ખુલ્લી પાડી.
દુનિયાભરમાં 4,000 જેટલી ફ્લાઈટ્સ રદ, એરપોર્ટ્સ પર લાઈનો લાગી, હોસ્પિટલોમાં સર્જરી પાછી ઠેલાઈ, બેન્કો અને ટેલિકોમ સેવાઓ ખોરવાઈ.
માઈક્રોસોફ્ટ વિન્ડોઝ સિસ્ટમ્સમાં ખામીવાળું અપડેટ થતાં કમ્પ્યુટર્સ-લેપટોપની સ્ક્રીન્સ બ્લુ થઈ ગઈ.
દુનિયાભરમાં શુક્રવારે વૈશ્વિક ટેક્નોલોજી આઉટેજના કારણે અચાનક જ એરલાઈન્સ, બેન્કો, સ્ટોક એક્સચેન્જીસ, હોસ્પિટલો, આઈટી કંપનીઓ, વિવિધ કોર્પોરેટ જૂથ, ન્યૂઝ ચેનલો, દુકાનોની કમ્પ્યુટર સિસ્ટમ અને લેપટોપ અચાનક જ ઠપ થઈ ગયા હતા અને તેની સ્ક્રીન્સ બ્લુ થઈ ગઈ હતી, જેના પગલે સમગ્ર દુનિયામાં ભારે હોબાળો મચી ગયો. આ વૈશ્વિક ખામીએ સોફ્ટવેર પૂરા પાડતી ગણતરીની કંપનીઓ પર દુનિયાની નિર્ભરતાને ખુલ્લી પાડી દીધી. ટેક્નોલોજી જાયન્ટ માઈક્રોસોફ્ટના સર્વરમાં ખામીના કારણે વિન્ડોઝથી ચાલતી કમ્પ્યુટર સિસ્ટમ્સ ઠપ થઈ ગઈ હતી. આ મુશ્કેલીના કારણે અમેરિકા, કેનેડા, બ્રિટન, જર્મની, ફ્રાન્સથી લઈને ભારત, ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં અનેક ઉદ્યોગોમાં કામકાજ ખોરવાયું હતા અને જનતા મુશ્કેલીમાં મુકાઈ હતી.
માઈક્રોસોફ્ટના સર્વરમાં ખામી આવવાથી સમગ્ર દુનિયામાં એરલાઈન્સ, બેન્ક, સ્ટોક એક્સચેન્જ, ટેલિકોમ્યુનિકેશન, પેમેન્ટ સિસ્ટમ અને ઈમર્જન્સી સર્વિસીસ, હેલ્થ સિસ્ટમ અને બ્રોડકાસ્ટર્સ જેવી સેવાઓમાં અવરોધો ઊભા થયા હતા. ભારતમાં દિલ્હી, મુંબઈથી લઈને અમેરિકામાં ન્યૂયોર્ક, કેલિફોર્નિયા સુધી વિમાન સેવા ખોરવાઈ ગઈ હતી. સાયબર સિક્યોરિટી કંપની ક્રાઉડસ્ટ્રાઈકે જણાવ્યું હતું કે, આ આઉટેજ પાછળનું કારણ સાયબર હુમલો અથવા સુરક્ષા સાથે ચેડાં નથી. હકીકતમાં માઈક્રોસોફ્ટ વિન્ડોઝ ચલાવતા કમ્પ્યુટર્સમાં એક ખામીવાળું અપડેટ કરાતા માઈક્રોસોફ્ટ વિન્ડોઝથી ચાલતી સિસ્ટમ્સ ખોટકાઈ ગઈ હતી. તેની અસર મેક અથવા લિનક્સથી ચાલતી સિસ્ટમ પર પડી નહોતી. કંપનીએ કહ્યું કે સૌથી પહેલાં તો તેમને ખામી શોધવામાં કલાકો લાગી ગયા અને ત્યાં સુધીમાં દુનિયાભરમાં સ્થિતિ કથળવા લાગી હતી.
આ ગડબડના કારણે ભારતમાં ફ્લાઈટ સર્વિસ, પેમેન્ટ સિસ્ટમ અને ટ્રેડિંગ સહિતની સેવાઓ પર પડી હતી. દેશમાં દિલ્હીથી લઈને ચેન્નઈ, અમદાવાદથી કોલકાતા સુધીના એરપોર્ટ્સ પર ઈન્ડિગો, અકાસા એરલાઈન્સ અને સ્પાઈસ જેટ સહિતની એરલાઈન્સના બુકિંગ અને ચેક-ઈન સેવાઓ પર અસર પડી હતી. એરલાઈન્સ કંપનીના કર્મચારીઓએ આ બધા જ કામ મેન્યુઅલી કરવા પડતા કાઉન્ટર પર પ્રવાસીઓની લાંબી લાઈનો લાગી હતી. એકલી ઈન્ડિગોએ ૨૦૦થી વધુ ફ્લાઈટ્સ રદ કરી હતી જ્યારે વિલંબમાં મુકાયેલી ફ્લાઈટ્સની કોઈ ગણતરી થઈ શકે તેમ નથી. આંતરરાષ્ટ્રીય સ્તરે અમેરિકા, યુરોપ અને એશિયામાં એરપોર્ટ્સ પર ચેક-ઈન અને બૂકિંગ સર્વિસીસ પર લાંબી લાઈનો લાગી ગઈ હતી. ઉનાળુ વેકેશન માણવા જતા અનેક પ્રવાસીઓનો પ્રવાસ કાર્યક્રમ ખોરવાઈ ગયો હતો.અમેરિકામાં યુનાઈટેડ, અમેરિકન, ડેલ્ટા અને એલિગિઅન્ટ સહિતની વીમાની કંપનીઓએ તેમની ફ્લાઈટ્સ રદ કરી દીધી હતી જ્યારે જર્મની, હંગેરી, ઈટાલી અને તુર્કીયેમાં પ્રવાસીઓને ચેક-ઈનમાં મુશ્કેલીઓ પડી હતી. તેઓ કલાકો સુધી એરપોર્ટ પર ફસાઈ ગયા હતા. અનેક લોકોને એરપોર્ટ પહોંચ્યા પછી જાણવા મળ્યું કે તેમની ફ્લાઈટ્સ કેન્સલ થઈ છે.
બ્રિટનમાં પણ રેલવેના પરિવહન પર અસર થઈ હતી. ઓસ્ટ્રેલિયામાં ટેલિકોમ્યુનિકેશન લાઈન્સ ખોરવાઈ ગઈ હતી. દક્ષિણ આફ્રિકા અને ન્યૂઝીલેન્ડમાં બેન્કોમાં કામકાજ, પેમેન્ટ સિસ્ટમ અથવા વેબસાઈટ્સ અને એપ્સ બંધ થઈ ગયા હતા. આ ખામીના કારણે સમગ્ર વિશ્વના શેર બજારોમાં ટ્રેડિંગ પર અસર થઈ હતી, જેથી બજારો ગગડયા હતા. જર્મનીમાં હોસ્પિટલોમાં ઈલેક્ટિવ સર્જરી રદ કરવામાં આવી હતી, પરંતુ ઈમર્જન્સી કેર પર કોઈ અસર થઈ નહોતી. ઈઝરાયેલમાં પણ હોસ્પિટલો અને પોસ્ટ ઓફિસના કામકાજ ખોરવાયા હતા. માઈક્રોસોફ્ટ ૩૬૫એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું કે, કંપની અસરગ્રસ્ત ટ્રાફિકના વૈકલ્પિક સિસ્ટમ્સના રીરાઉટિંગ પર કામ કરી રહી છે અને તેને સર્વિસની ઉપલબ્ધતામાં સકારાત્મક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે.
સાયબર એટેકથી સિસ્ટમ્સ ઠપ થયાની આશંકા.માઈક્રોસોફ્ટની સર્વિસમાં ખામી પાછળ ક્રાઉડસ્ટ્રાઈક જવાબદાર.
વિન્ડોઝની સિસ્ટમ્સમાં દેખાતી બ્લુ સ્ક્રીન્સની ખામી મેન્યુઅલી સોલ્વ કરવી પડશેફ્રેન્કફર્ટ : દુનિયાભરમાં શુક્રવારે માઈક્રોસોફ્ટ સર્વિસીસ ઠપ થવાથી લોકોએ તેમજ ઉદ્યોગોએ ભારે હાલાકીનો સામનો કરવો પડયો છે. શરૂઆતમાં દુનિયાની અગ્રણી ટેક્નોલોજી કંપનીના સર્વર પર સાયબર એટેકની આશંકા વ્યક્ત કરાઈ હતી. જોકે, કલાકોની તપાસ પછી જણાયું કે માઈક્રોસોફ્ટને સાયબર સિક્યોરિટી પૂરી પાડતી ક્રાઉડસ્ટ્રાઈક આ ખામી માટે જવાબદાર છે.માઈક્રોસોફ્ટ વિન્ડોઝની સિસ્ટમમાં સર્જાયેલી ખામની સૌથી વધુ અસર દુનિયાભરમાં એરલાઈન્સ કંપનીઓ પર પડી છે અને તેના કારણે ફ્લાઈટ્સ વિલંબથી ઉડી રહી છે. દુનિયાભરમાં શુક્રવારે અચાનક જ માઈક્રોસોફ્ટ વિન્ડોઝથી ચાલતા કમ્પ્યુટર્સ અને લેપટોપ કામકાજ કરતા બંધ થઈ ગયા અને તેની સ્ક્રીન્સ બ્લુ થઈ ગઈ હતી. અચાનક આવેલી આ મુશ્કેલીનું કારણ સોશિયલ મીડિયા પર આ સાયબર એટેક હોવા અંગે સવાલો ઊઠયા હતા. જોકે, પાછળથી સાયબરસ્ટ્રાઈક સહિત કેટલાક સાયબર નિષ્ણાતોએ આ સવાલો નકારી કાઢ્યા હતા.
ક્રાઉડસ્ટ્રાઈક એક સાયબર સિક્યોરિટી છે, જે માઈક્રોસોફ્ટ અને અન્ય પ્લેટફોર્મ્સને સાયબર સુરક્ષા પૂરી પાડે છે. કંપની તેના ક્લાયન્ટને હેકિંગ, ડેટા બ્રીચ, સાયબર એટેકની માહિતી આપે છે. કંપનીએ વિન્ડો યુઝર્સ માટે એક અપડેટ રોલઆઉટ કર્યું હતું, જેમાં કોન્ફિગ્રેશન સંબંધિત એક ખામી હતી, જેનાથી આ મુશ્કેલી ઊભી થઈ છે. આ ખામીના કારણે સિસ્ટમ સ્ટોરેજ અને કમ્પ્યુટર રિસોર્સીસ વચ્ચે મુશ્કેલી ઊભી થઈ છે અને સર્વિસીસ કામ નથી કરતી. ક્રાઉડસ્ટ્રાઈકના આ અપડેટના કારણે વિન્ડોઝથી ચાલતા કમ્પ્યુટર્સ અને લેપટોપ પર બ્લુ સ્ક્રીન દેખાવા લાગી જ્યારે કેટલાક લોકોની સિસ્ટમ ઓટોમેટિક બંધ થઈ ગઈ. બ્લુ સ્ક્રીનની મુશ્કેલી લોકોએ મેન્યુઅલી જ સોલ્વ કરવી પડશે. માઈક્રોસોફ્ટ વિન્ડોઝમાં આ ખામી અંગે અન્ય એક સાયબર સિક્યોરિટી કંપની સાયબરઆર્કના સીઆઈઓ ઓમેર ગ્રોસમેને કહ્યું કે, હ્યુમન એરરથી લઈને ડેવલપરે પર્યાપ્ત ક્વોલિટી કંટ્રોલ અપડેટ રોલઆઉટ કરતાં અથવા કોમ્પ્રેસ સાયબર એટેકના કારણે આ ખામી સર્જાઈ હોવાની શક્યતા છે.
ભારતીય બેન્કો પર વ્યાપક અસર નહીં : આરબીઆઈ
ભારતીય નાણાકીય સિસ્ટમ્સ અને પેમેન્ટ સિસ્ટમ્સ પર માઈક્રોસોફ્ટ વિન્ડોઝની સિસ્ટમ ઠપ થઈ જવાની વ્યાપક અસર થઈ નથી. જોકે, ૧૦ બેન્કો અને એનબીએફસીમાં સાધારણ કામકાજ ખોરવાઈ ગયા હતા તેમ ભારતીય રિઝર્વ બેન્કે જણાવ્યું હતું. આરબીઆઈએ ઉમેર્યું કે, માઈક્રોસોફ્ટના આઉટેજની ભારતીય બેન્કો પર અસરનું અમે મૂલ્યાંકન કરી રહ્યા છીએ. દેશમાં મોટાભાગની બેન્કોની ક્રિટિકલ સિસ્ટમ ક્લાઉડમાં નથી. વધુમાં માત્ર કેટલીક બેન્કો જ ક્રાઉડસ્ટ્રાઈક ટૂલનો ઉપયોગ કરે છે. પરિણામે વૈશ્વિક આઉટેજથી ભારતીય બેન્કો વ્યાપક સ્તરે અછૂતી રહી હતી.