કાવડ યાત્રા પહેલા સમગ્ર ઉત્તરપ્રદેશમાં નિયમ લાગુ કરાતા વિવાદ. વિપક્ષની સાથે જયંત ચૌધરી, ચિરાગ પાસવાન, જદયુ જેવા સાથી પક્ષોની પણ નિર્ણયને વિભાજનકારી ગણાવી પાછો ખેંચવા માગ.
ઉત્તર ભારતમાં સોમવારથી પવિત્ર કાવડ યાત્રા શરૂ થવાની છે ત્યારે ઉત્તર પ્રદેશની મુઝફ્ફરનગર પોલીસે કાવડ યાત્રાના માર્ગ પરની બધી જ હોટેલો સહિત ખાણી-પીણીની દુકાનોથી લઈને લારી પર તેમના માલિકોના નામ મોટા અક્ષરે દર્શાવવાનો આદેશ આપ્યા બાદ આ વિવાદ વકર્યો છે. આ નિયમનો વિપક્ષ જ નહીં ભાજપના સાથી પક્ષો જદયુ, રાલોદ અને લોજપ સહિત ચોમેરથી વિરોધ થઈ રહ્યો છે ત્યારે યોગી સરકારે શુક્રવારે માત્ર મુઝફ્ફરનગર નહીં આખા ઉત્તર પ્રદેશમાં કાવડ યાત્રાના માર્ગમાં આવતી દુકાનો-લારીઓ પર માલિકોના નામ લગાવવાનો નિયમ લાગુ કરવાનો આદેશ આપી દીધો છે.
ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથ સરકારે શુક્રવારે આદેશ આપ્યો છે કે સમગ્ર રાજ્યમાં કાવડ યાત્રાના માર્ગોમાં આવતી હોટેલો-રેસ્ટોરાં સહિતની દુકાનો, લારીઓ પર ‘નેમપ્લેટ’ લગાવવી પડશે. દુકાનો પર માલિકનું નામ અને ઓળખ લખવાની રહેશે. હોટેલ-રેસ્ટોરાંમાં સ્ટાફની વિગતો પણ જણાવવી પડશે. સીએમઓ મુજબ કાવડ યાત્રીઓની આસ્થાની શુદ્ધતા જાળવી રાખવા માટે આ નિર્ણય લેવાયો છે અને હલાલ સર્ટિફિકેશનવાળા ઉત્પાદનો વેચનારા પર પણ કાર્યવાહી થશે. રાજ્ય સરકારના આ નિર્ણયનું હિન્દુ સંગઠનો, રાજ્યના મંત્રીઓ, ઓલ ઈન્ડિયા મુસ્લિમ જમાત જેવા કેટલાક મુસ્લિમ સંગઠનોએ સમર્થન કર્યું છે. બીજીબાજુ જદયુ, લોજપના ચિરાગ પાસવાન, રાલોદના જયંત ચૌધરીએ આ નિર્ણયને સમાજ માટે વિભાજનકારી ગણાવી તેનો વિરોધ કર્યો છે અને રાજ્ય સરકારને આ નિર્ણય પાછો ખેંચવા માગ કરી છે.
ઉત્તર પ્રદેશ સરકારના મંત્રી કપિલ દેવ અગ્રવાલે કહ્યું કે, હરિદ્વાર ગોમુખથી સમગ્ર દેશના કાવડિયા જળ લઈને તેમના ગંતવ્ય તરફ જાય છે. તેમણે વિશેષરૂપે મુઝફ્ફરનગર આવવું પડે છે. અહીં અનેક દુકાનો, ઢાબા, રેસ્ટોરાંના નામ હિન્દુ છે, પરંતુ તેના માલિક મુસ્લિમ છે. તેમના ધર્મ સામે અમને કોઈ વિરોધ નથી, પરંતુ આ સમયમાં તેઓ તેમની દુકાનોમાં નોનવેજ વેચે છે તેનો અમે વિરોધ કરીએ છીએ. આવી અનેક હોટેલ- રેસ્ટોરાંના અનેક વીડિયો વાયરલ થયા છે, જેમાં તેઓ રોટલી અથવા ભોજનની અન્ય સામગ્રી કે ફ્રૂટ પર થૂંક લગાવી રહ્યા છે. રેસ્ટોરાંમાં પણ ભોજન બનાવતી વખતે તેમાં થૂંકી રહ્યા છે.
યોગી સરકારના આ આદેશ પછી મુઝફ્ફરનગરના બજારમાં ઠેર-ઠેર દુકાનોના નામ બદલાઈ ગયા છે. અહીંની દુકાનો, હોટેલ અને લારીઓ પર પણ લોકોએ પોતાના નામના બેનર લગાવી દીધા છે. જેમ કે, દિલ્હી-દેહરાદૂન હાઈવે પર ‘સંગમ શુદ્ધ શાકાહારી ભોજનાલય’નું નામ ‘સલીમ શુદ્ધ શાકાહારી ભોજનાલય’ થઈ ગયું છે. પોલીસની દલીલ છે કે તેમના આ આદેશનો આશય શ્રદ્ધાળુઓની સુવિધા અને કાયદો વ્યવસ્થા જાળવી રાખવાનો છે. હરિદ્વારથી રવાના થતા કાવડિયાઓએ મુઝફ્ફરનગર જિલ્લામાંથી પસાર થઈને જ હરિયાણા, દિલ્હી, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશના અન્ય જિલ્લાઓમાં જવાનું હોય છે. પ્રત્યેક વર્ષે અંદાજે ૪ કરોડ કાવડિયા આ માર્ગે પસાર થાય છે.
બીજીબાજુ સમાજવાદી પક્ષના અધ્યક્ષ અખિલેશ યાદવે આ આદેશને સામાજિક ગૂનો ગણાવ્યો છે અને સુપ્રીમ કોર્ટ સહિતની અદાલતોને આ કેસમાં સુઓમોટો નોંધ લેવા વિનંતી કરી છે. કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ પણ આ નિર્ણયનો વિરોધ કરતા કહ્યું કે, આપણું બંધારણ દરેક નાગરિકને ખાતરી આપે છે કે તેની સાથે જાતિ, ધર્મ, ભાષા અથવા કોઈ અન્ય આધાર પર ભેદભાવ નહીં થાય. પરંતુ ઉત્તર પ્રદેશમાં જે વિભાજનકારી આદેશ થયો છે તે આપણા બંધારણ, આપણા લોકતંત્ર અને આપણા સંયુક્ત વારસા પર હુમલો છે. મુસ્લિમ સંસ્થા દેવબંદના ઉલેમા મુફ્તી અસદ કાસમીએ કહ્યું કે, આ આદેશથી હિન્દુ-મુસ્લિમ સમાજ વચ્ચે અંતર વધશે.