એપ્રિલ-જૂન ૨૦૨૪ ક્વાર્ટર દરમિયાન ભારતીય સ્માર્ટફોન માર્કેટમાં માત્ર ૧ ટકાનો વધારો થયો છે. માર્કેટ ટ્રેકર કેનાલીસના તાજેતરના અહેવાલ મુજબ લોકસભાની ચૂંટણી, મોસમી માંગમાં મંદી અને ઘણા વિસ્તારોમાં ભારે ગરમીને કારણે મોબાઈલ શિપમેન્ટ ૩.૬૪ કરોડ ડોલર રહ્યું હતું. આ સમયગાળા દરમિયાન ઇન્વેન્ટરીનું લેવલ ઊંચું રહ્યું હતું.કેટલાક વિક્રેતાઓએ હાઈ પ્રાઈસ સેગમેન્ટમાં નવા ડિવાઇઝ લોન્ચ કર્યા હતા, જ્યારે અન્યોએ તહેવારોની સિઝન પહેલા ઇન્વેન્ટરીનો વધુ સારી રીતે ઉપયોગ કરવા માટે હાલના સ્ટોકને ઘટાડવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.કેનાલિસને આગામી તહેવારોની સિઝનમાં વૃદ્ધિ મિડ-સિંગલ ડિજિટમાં રહેવાની અપેક્ષા છે. જોકે ૬ ક્વાર્ટર પછી શાઓમીએ સ્માર્ટફોન માર્કેટમાં ટોચનું સ્થાન પાછું મેળવ્યું છે. બ્રાન્ડે ૧૮ ટકા બજાર હિસ્સા સાથે ૬૭ લાખ યુનિટનું વેચાણ કર્યું હતું. વીવો બીજા સ્થાને રહી છે અને સેમસંગ ૬૧ લાખ લાખ યુનિટના વેચાણ સાથે ત્રીજા સ્થાને છે. આ ઉપરાંત રિયલમી અને ઓપ્પો અનુક્રમે ૪૩ લાખ અને ૪૨ લાખ એકમો સાથે ટોપ-૫ બ્રાન્ડ્સ રહ્યા હતા.
રિપોર્ટમાં જણાવાયું કે ‘હેન્ડસેટ માર્કેટ ઘણા પડકારોનો સામનો કરી રહ્યું છે. ઉદાહરણ તરીકે માસ-માર્કેટ સેગમેન્ટમાં માંગમાં ભારે વધઘટ જોવા મળી રહી છે. ફીચર ફોનથી સ્માર્ટફોન તરફ જવાની ગતિ ધીમી પડી છે. સેકન્ડ હેન્ડ સ્માર્ટફોનનો વ્યાપ નોંધપાત્ર રીતે વધ્યો છે.’