ભારતીય ક્રિકેટ ટીમના નવા હેડ કોચ તરીકે નિયુક્તિ પામેલા ભૂતપૂર્વભારતીય ઓપનર ગંભીરને બીસીસીઆઈએ કામ કરવા માટે ‘ફ્રી હેન્ડ’ આપી દીધો હોવાની ચર્ચા વચ્ચે ખુલાસો થયો છે કે, સપોર્ટ સ્ટાફ માટે તેણે સૂચવેલા પાંચ નામને નકારી કાઢવામાં આવ્યા છે. અત્યાર સુધી હેડ કોચ જ તેની પસંદગીના વ્યક્તિઓને જ સપોર્ટ સ્ટાફમાં એટલે કે બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગ કોચ તરીકે નિયુક્તિ અપાવતા. જોકે ગંભીર હેડ કોચ બન્યો તે પછી પરિસ્થિતિ પલટાઈ ગઈ છે.
ગંભીરે સપોર્ટ સ્ટાફમાં સૂચવેલા પાંચ નામને બીસીસીઆઈએ નકાર્યા
એક રિપોર્ટ અનુસાર ગંભીરે સપોર્ટ સ્ટાફમાં બોલિંગ અને ફિલ્ડિંગ કોચ તરીકે સૂચવેલા પાંચ નામને બીસીસીઆઈએ નકારી કાઢ્યા છે. ગંભીરે ટીમ ઈન્ડિયાના બોલિંગ કોચ તરીકે પહેલા વિનય કુમાર અને એલ. બાલાજીના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. જેને ઠુકરાવી દેવામાં આવ્યો હતો. આ પછી તેણે ફિલ્ડિંગ કોચ તરીકે જોન્ટી રોડ્ઝ અને રાયન ટેન ડોસ્ટેટ્ના નામની ભલામણ પણ કરી હતી. જે બંનેના નામ પર પણ બોર્ડે ચોકડી મારી દીધી હોવાનું મનાય છે.
બોલિંગ કોચ તરીકે મોર્ની મોર્કલના નામની ભલામણને બોર્ડે ઠુકરાવી
હવે બોલિંગ કોચ તરીકે તેણે મોર્ની મોર્કલ પર પસંદગી ઉતારી હતી. જોકે સાઉથ આફ્રિકાના ભૂતપૂર્વ ફાસ્ટરને પણ બોર્ડ ટીમ ઈન્ડિયાના બોલિંગ કોચ તરીકે સામેલ કરવાના મૂડમાં નથી. બીસીસીઆઈનું આ પ્રકારનું વલણ આશ્ચર્ય જગાવે તેવું છે કારણ કે અત્યાર સુધી હેડ કોચની સપોર્ટ સ્ટાફ માટેની ભલામણને બોર્ડે ઠુકરાવી હોય તેવું બન્યું નથી.
બોર્ડે આ પ્રકારે એક પછી એક પાંચ નામ ઠુકરાવી દેતા હવે હેડ કોચ ગંભીર કેવી રીતે તેના આયોજનો અને એકશન પ્લાનને અમલમાં મૂકે છે, તે જોવાનું રહેશે.
બોર્ડના વલણને કારણે ગંભીરની કાર્યશૈલી પર અસર પડી શકે છે
ક્રિકેટ વર્તુળોમાં કેટલાક એવી પણ દલીલ કરી રહ્યા છે કે આ બધા ગંભીરના નેતૃત્વમા રમી ચૂક્યા હતા કે, તેની સાથે આઈપીએલના સપોર્ટ સ્ટાફમાં હતા. જો કે ગંભીર જેવા દિગ્ગજ ખેલાડી અને કોચિંગમાં બહોળો અનુભવ ધરાવતા દિગ્ગજની સાથે તો ઘણા બધા આ પ્રકારે જોડાયેલા રહ્યા હોય છે, ત્યારે આ બોર્ડના આ પ્રકારના વલણને કારણે ગંભીરની કાર્યશૈલી પર અસર પડે તો નવાઈ નહીં.