ઉપસર્ગોની આંધી વચ્ચે તપ-સાધનાનું સર્વોચ્ચ શિખર !

આકાશની ઓળખ – કુમારપાળ દેસાઈ

ભગવાન મહાવીરનો સાધનાકાળ એ જગતમાં એક અનેરો સાધનાકાળ ગણાય છે. બાર વર્ષ અને તેર પક્ષની આ લાંબી અવધિ દરમિયાન ભગવાન સામે અનેક ઉપસર્ગો આવ્યાં, પરંતુ તેઓ આ ઉપસર્ગો સામે સર્વદા શાંત રહ્યા. એમણે કોઈ પણ વખત કોઇનાય પ્રત્યે દ્વેષ કે રોષ કર્યો નથી. એથીયે વિશેષ પોતાને આવા ઉપસર્ગો આપનાર વિરોધીઓ પ્રત્યે પણ એમના હૃદયમાં સ્નેહનો સાગર ઉભરાતો હતો. ક્યાંક પદે પદે આ સાધનાકાળમાં ઉપસર્ગો આવ્યાં.વરસતા વરસાદમાં, કારમી ઠંડીમાં, બાળી નાખનારા તડકામાં કે પછી ભયાનક આંધી અને તોફાનમાં પણ યોગી મહાવીરનો સાધના દીપક સતત ઝગમગતો રહ્યો. દેવ, દાનવ, માનવ અને પશુઓ સહુ કોઈ દ્વારા ભીષણ કષ્ટ આપવા છતાં એમણે મનથી સહેજે વ્યથા પામ્યા વિના અમ્લાન ચિત્તથી મન, વચન અને કાયાને વશમાં રાખી આ બધું સહન કર્યું અને તેઓ વીર સેનાપતિની માફક સાધનાનાં માર્ગે આગળ વધવા લાગ્યા. એમણે કદી પણ પીછેહઠ કરી નહીં.

આશ્ચર્યની વાત એ છે કે એમનો પ્રથમ ઉપસર્ગ કરમાર ગામમાં એક ગોવાળ દ્વારા થયો હતો અને એ સમયે એમણે દેવરાજ ઇન્દ્રની સહાયનો અસ્વિકાર કર્યો હતો અને કહ્યું,’ સાચા સાધકનો આદર્શ તો કોઈની ય સહાય વગર ‘ એકલો જાને રે’ છે.’ આંતરશત્રુનો નાશ કરવા નીકળનાર સાધક કદી કોઈની સહાય સ્વીકારે નહીં. આત્માનો માર્ગ તો એકાકી છે. આત્મસાધકનાં જીવનમાં બીજાના બળ કે બીજાના સાથનો કોઈ વિશેષ અર્થ નથી. આમ સાધના કોઈના ટેકે કે આધારે ન ચાલે એ એમણે સિદ્ધ કરી આપ્યું. એમના પ્રથમ ઉપસર્ગની માફક એમનો અંતિમ ઉપસર્ગ પણ એક ગોવાળ દ્વારા જ થયો હતો. પોતાના આ બાર વર્ષનાં સાધનાકાળમાં એમણે આત્માનાં ચાર ઘાતી કર્મોનો ક્ષય થયા બાદ આત્માનાં બાકીનાં ચાર અઘાતી કર્મોનો પણ આ સાધનાથી ક્ષય કર્યો. આઠેય કર્મોથી રહિત બનવાથી તેઓ અનંત, અવ્યાબાધ અને શાશ્વત એવા મુક્તિ સુખને પામ્યા. યોગી મહાવીર વીર સેનાપતિની માફક આત્મિક પરાક્રમથી સદૈવ આગળ ધપતા રહ્યા. ક્યાંય પીછેહઠની કોઈ કલ્પના નહિ. લડાઇમાં મોખરે ચાલતા હાથીની માફક આફતોની વચ્ચે પણ દૃઢપણે ડગ ભરતા રહ્યા. ભગવાનને જે ઉપસર્ગો થયા તેમાં કટપૂતનાનો ઉપસર્ગ એ જઘન્ય ઉપસર્ગ હતો. એમના મધ્યમ ઉપસર્ગોમાં સંગમદેવનો ઉપસર્ગ ગણાય, જ્યારે કાનમાં કાષ્ઠશલાકા ખોસવાનો ઉપસર્ગ ઉત્કૃષ્ટ ઉપસર્ગ ગણાય. ઉપસર્ગ ગમે તેવો હોય- નાનો હોય કે મોટો, ભયાવહ હોય કે અંતરને દ્રવનારો હોય- પરંતુ એ બધાંની સામે તેઓ અડગ રહ્યા.

પ્રભુના જીવનનું વર્ણન કરતાં ‘કલ્પસૂત્ર’ કેવો મહિમા દર્શાવે છે ! કહે છે કે તેઓ કાંસાના પાત્રની માફક નિર્લેપ હતા. શંખની જેમ નિરંજન- રાગરહિત- હતા. જીવની જેમ એમની અપ્રતિહત ગતિ હતી. આકાશની માફક આલંબનરહિત અને પવનની માફક અપ્રતિબદ્ધ હતા. શ્રેષ્ઠ હાથી સમાન શૂરવીર, વૃષભ જેવા પરાક્રમી અને સિંહ જેવા દુર્ધર્ષ હતા. શરદઋતુનાં સ્વચ્છ જળ જેવા નિર્મળ અને કમળપત્રની જેમ ભોગથી નિર્લેપ હતા.

યોગી મહાવીર ધર્મધ્યાનની પરાકાષ્ઠાએ પહોંચીને શુક્લધ્યાનમાં પ્રવેશ્યા.

કેવું અપૂર્વ ધ્યાન ! કેવું અદ્ભુત તપ ! પોતાના સાધક જીવનમાં પ્રભુ મહાવીરે ૪૫૧૫ દિવસમાંથી ફક્ત ૩૪૯ દિવસ જ આહાર ગ્રહણ કર્યો. ૪૧૬૬ દિવસ તો નિર્જલ તપશ્ચર્યા કરી. આ સમયનું એમનું તપ જોઈએ. તો એક છ-માસી તપ, એક છ મહિનામાં પાંચ દિવસ ઓછાનું તપ, નવ ચાતુર્માસિક, બે ત્રિમાસિક, બે સાર્ધદ્વિમાસિક, છ દ્વિમાસિક, બે સાર્ધમાસિક, બાર માસિક, બોંતેર પાક્ષિક, એક ભદ્રપ્રતિમા (બે દિવસ) એક મહાભદ્રપ્રતિમા (ચાર દિવસ), એક સર્વતોભદ્રપ્રતિમા (દસ દિવસ), ૨૨૯ છઠ્ઠભક્ત, બાર અષ્ટભક્ત, ૩૪૯ દિવસ પારણાંના અને એક દિવસ દીક્ષાનો એવો એમનો સાધકજીવનનો તપઆલેખ છે.

તપસાધનાનાં સાડા બાર વર્ષ અને પંદર દિવસ દરમિયાન મહાવીર પલાંઠી વાળીને બેઠા કે સૂતા નથી. કવચિત જ ઉભડક પગે બેઠા છે. એમણે મુખ્યત્વે તો ઉભા રહીને સાધના કરી. આવા પ્રખર તપને કારણે જૈન અને જૈનેતર ગ્રંથોમાં એમને ‘દીર્ઘ તપસ્વી’ તરીકે વર્ણવવામાં આવ્યા.

ભગવાન મહાવીરના એ તપને જોઈએ તો એમાં સૌથી ઓછામાં ઓછું તપ છઠ્ઠનું છે. છઠ્ઠ એટલે કોઈ પણ વખતે પારણું કરતી વખતે આહાર કર્યો હોય તે પછી એકાંતરે પણ આહાર કર્યો નથી અર્થાત્ એકસાથે બે દિવસ પ્રભુએ આહાર કર્યો નથી. આહાર પછી નિદ્રાનો વિચાર કરીએ. પોતાના સમગ્ર સાધનાકાળમાં તપસ્વી મહાવીરે માત્ર શૂલપાણિ યક્ષના મંદિરમાં બે ઘડી નિદ્રા લીધી. બાકીનો સર્વકાળ એમણે નિદ્રા વિના પસાર કર્યો.

દીક્ષા સમયે ઘાતીકર્મરૂપ ચાર મહાન શત્રુઓને નષ્ટ કરીને આત્મિક લક્ષ્મી પ્રગટવવાનો એમનો સંકલ્પ હતો. સાડા બાર વર્ષ સુધી દીક્ષાના દિવસે કરેલો એ સંકલ્પ એમણે બરાબર ટકાવી રાખ્યો. દીક્ષા સમયના સામાયિકના પાઠથી નવીન સાવદ્ય યોગના ત્યાગનો નિયમ અંગીકાર કર્યો અને યોગી મહાવીરે તેનું સારી રીતે પાલન કર્યું. એટલે કે નવીન કર્મબંધને રોકી રાખ્યા અને નિર્જરા તત્વની મદદથી આત્મપ્રદેશને લાગેલા પુરાણાં કર્મો ખપાવી દીધાં. આમ નિર્જરા અને સંવર દ્વારા એમણે મોક્ષતત્વની સાધના કરી.

દીક્ષા અવસરે લીધેલાં અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહનાં મહાવ્રતોનું પૂર્ણતયા પાલન કર્યું. પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ એ આઠ પ્રવચનમાતાનું શુદ્ધ રીતે પાલન કર્યું. વળી અઢાર પ્રકારનાં પાપસ્થાનકોમાંથી એક પણ પ્રકારના પાપસ્થાનકનું સેવન કર્યુ નહીં. વિહારનો વિચાર કરીએ તો વર્ષાઋતુના ચાર માસ સિવાય બાકીના આઠ માસમાં ગામમાં એક રાત્રિ અને નગરમાં પાંચ રાત્રિ એ પ્રમાણે વિહાર કરતા હતા. આ રીતે આ સાધનાકાળ દરમ્યાન મહાવીરે એક જ ધ્યેય રાખ્યું અને તે એ કે ‘અનાદિ કાળથી જે કર્મરૂપ શત્રુઓ આત્મપ્રદેશ ઉપર પોતાની સત્તા જમાવી બેઠા હતા અને પોતાનું સ્થાન છોડતા ન હતા, તે કર્મ શત્રુઓને આત્મપ્રદેશમાંથી સર્વથા છૂટા પાડી આત્માના અસંખ્ય પ્રદેશને નિર્મળ કરવારૂપ સ્વરાજ્ય પ્રાપ્ત કરવું.’

ધર્મગ્રંથો દર્શાવે છે કે અન્ય તીર્થકરોની અપેક્ષાએ ભગવાન મહાવીરનું તપકર્મ અધિક ઉગ્ર હતું. શ્રી સૂત્રકૃતાંગ આગમ કહે છે, ‘ જેમ સમુદ્રમાં સ્વયંભૂરમણ શ્રેષ્ઠ છે, રસોમાં ઇક્ષુરસ શ્રેષ્ઠ છે, એ પ્રમાણે તપ-ઉપધાનમાં મુનિ વર્ધમાન જયવન્ત શ્રેષ્ઠ છે.’

શુદ્ધ અધ્યવસાયવાળા, શુદ્ધ દૃષ્ટિવાળા, શુદ્ધ સ્વભાવ ધરાવતા પ્રભુ મહાવીર હતા. રાગ-દ્વેષ વિનાની નિર્મળ અવસ્થા એમને સાંપડી હતી. ક્રોધ, માન, માયા, લોભાદિ કષાયોનું એમણે દમન કર્યું હતું. સંસારસમુદ્રને પાર પહોંચ્યા હતા. કર્મરૂપી શત્રુઓને હણવા માટે સતત ઉદ્યમવંત હતા. એમનો આત્મા મહાન ગુણોનો ધારક બન્યો હતો. અનુપમ જ્ઞાાન, દર્શન અને ચારિત્ર્યના ઉત્કૃષ્ટ ગુણોથી તેઓ શોભાયમાન હતા. આમ એમના સાધનાકાળનાં સાડા બાર વર્ષ વીતી ગયાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *