ફિલ્મ થોડી લાંબી હોવાના રિએક્શન્સ બાદ નિર્ણય ફિલ્મ વિશે ભારે અપેક્ષાઓ છતાં પણ બોક્સ ઓફિસ પર ધાર્યા મુજબનો પ્રતિસાદ સાંપડયો નથી
કમલ હાસનની ફિલ્મ ‘ઈન્ડિયન ટૂ’ રીલિઝ થયાના પાંચ દિવસ પછી તેને ૧૨ મિનીટ માટે ટૂંકાવી દેવામાં આવી છે. વાસ્તવમાં આ ફિલ્મ બહુ લાંબી બની ગઈ છે તેવા અનેક રિવ્યૂ મળ્યા હતા. તેને પગલે નિર્માતાઓએ આ નિર્ણય કર્યો છે. આ ફિલ્મ રીલિઝ થઈ ત્યારે ત્રણ કલાક અને ચાર મિનીટની હતી. હવે રીલિઝ થયા બાદ તેનો રન ટાઈમ ઘટીને બે કલાક અને બાવન મિનીટનો થઈ ગયો છે. અગાઉ એવી ચર્ચા હતી કે ફિલ્મમાં લગભગ ૨૦ મિનીટની કાપકૂપ કરવામાં આવશે. જોકે, ફિલ્મ નિર્માતાઓએ સત્તાવાર રીતે જ જાહેર કર્યું છે કે તા. ૧૭મી જુલાઈથી અમલ થાય તે રીતે ફિલ્મમાં ૧૨ મિનીટની કાપકૂપ કરાઈ છે. નિર્માતાોએ એ પણ સ્વીકાર્યું છે કે ફિલ્મ બહુ લાંબી હોવાના સંખ્યાબંધ રિવ્યૂ બાદ આ નિર્ણય લેવાયો છે. જોકે, ચોક્કસ કયા સીન્સ ઉડાડી દેવાયા છે તે જાહેર કરાયું નથી.
શંકર જેવા ડાયરેક્ટર અને કમલા હસન જેવા એક્ટર છતાં પણ આ ફિલ્મને બોક્સ ઓફિસ પર ધાર્યો પ્રતિસાદ સાંપડયો નથી. આ ફિલ્મની પાંચ દિવસની કમાણી માંડ ૫૫ કરોડ થઈ છે. માત્ર હિન્દી વર્ઝનમાં જ નહીં પરંતુ તમિલ વર્ઝનમાં પણ તે બોક્સ ઓફિસ પર ધાર્યો દેખાવ કરી શકી નથી. મૂળ ‘ઈન્ડિયન’ ફિલ્મ ૧૯૯૬માં રીલિઝ થઈ હતી. તેના ૨૮ વર્ષ પછી તેની સીકવલ આવી છે.