શૂટિંગ પડતું મૂકી ફોરેન ઉપડી ગયો હોવાની ચર્ચા. પુષ્પા ટૂમાં ગામડાંનો તસ્કર નહીં પણ ડોનની ભૂમિકા હોવાથી લૂક બદલ્યાનો અલ્લુની ટીમનો દાવો.
અલ્લુ અર્જુને તેની ભારે ગાઢ દાઢી ટ્રીમ કરાવીને એકદમ સોફિસ્ટિકેટેડ લૂક ધારણ કરી લેતાં ‘પુષ્પા ધી રુલ’ વધુ પાછી ઠેલાઈ હોવાની તથા શૂટિંગ પણ હાલ અટકી ગયું હોવાની અટકળો ફેલાઈ છે. જોકે, અલ્લુની ટીમનો દાવો છે કે તેનો આ બદલાયેલો લૂક ‘પુષ્પા ટૂ’ની ડોનની ભૂમિકાને અનુરુપ જ છે.
‘પુષ્પા ટૂ’ અગાઉ આ ૧૫મી ઓગસ્ટે રીલિઝ થવાની હતી. પરંતુ, ફિલ્મનું ઘણું કામ બાકી હોવાથી તે આગામી ડિસેમ્બરમાં ઠેલવામાં આવી હતી.
હવે તાજેતરમાં અલ્લુ અર્જુનનો એક નવો લૂક વાયરલ થયો છે. તે ફલાઈટમાં વિદેશ જઈ રહ્યો હતો ત્યારે એક ચાહકે તેનો ફોટો પાડીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો.
અલ્લુ અર્જુન ‘પુષ્પા, ધી રાઈઝ’ના તેના રોલ પ્રમાણે છેલ્લાં ચારેક વર્ષથી એકદમ ગાઢ દાઢી રાખીને જ ફરે છે. હવે પહેલીવાર તે એકદમ સોફિસ્ટિકેટેડ ટ્રીમ કરેલી દાઢી સાથે જોવા મળ્યો છે.
તેના પરથી એવી અટકળો ફેલાઈ હતી કે અલ્લુ અર્જુન હજુ પણ ‘પુષ્પા ટૂ’નાં શૂટિંગથી સંતુષ્ટ નથી અને તેથી તે કંટાળીને વિદેશ ફરવા જતો રહ્યો છે. આથી ફિલ્મનું બાકીનું કામ પણ અટકી પડયું છે અને હવે તે છેક ૨૦૨૫માં જ રીલિઝ થશે.
જોકે, અલ્લુ અર્જુનની ટીમનો દાવો છે કે ‘પુષ્પા ધી રાઈઝ’ એ પહેલા ભાગમાં અલ્લુની ભૂમિકા ગામડાના તસ્કર જેવી હતી. આથી તેણે એકદમ ગાઢ દાઢી રાખી હતી. હવે ‘પુષ્પા ધી રુલ’ ટાઈટલ સાથેના બીજા ભાગમાં તે મોટો ડોન બની ગયો છે તેવી વાર્તા છે. કોઈ મોટો ડોન ગામડાના તસ્કર જેવી ગાઢ દાઢી ન રાખે તે સ્વાભાવિક છે. આથી, અલ્લુએ લૂક બદલ્યો છે તેમાં ચાહકોએ કોઈ ચિંતા કરવા જેવી નથી.