ભારત સહિત વિશ્વભરનાં પેન્ક્રિયાટિક કેન્સર( સ્વાદુપીંડના કેન્સર)નાં દર્દીઓ માટે રાહતના સમાચાર છે. સમાચાર એ છે કે અમેરિકાના અને બ્રિટનનાં તબીબી વિજ્ઞાાનીઓએ પહેલી જ વખત પેન્ક્રિયાટિક કેન્સરની સારવાર માટે DNA (ડિઓક્સીરિબોન્યુક્લેઇક એસિડ)માં મહત્વના ફેરફાર કરીને વિશિષ્ટ પ્રકારની દવા-સારવાર-ડિઝાઇન કરી છે.
સમગ્ર વિશ્વમાં પેન્ક્રિયાટિક કેન્સરનાં દર્દીઓની સંખ્યા ચિંતાજન્ક રીતે વધી રહી છે. દર વરસે લગભગ 5 લાખ જેટલાં દર્દીઓને આ ગંભીર રોગ થતો હોવાના તબીબી અહેવાલ પ્રસિદ્ધ થયા છે. વળી, સ્વાદુપીંડનાં દર્દીઓને બચવાની શક્યતા પણ બહુ ઓછી હોય છે. અમેરિકાની કેલિફોર્નિયા યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ સેલ્યુલર એન્ડ મોલેક્યુલર ફાર્માકોલોજીના પ્રોફેસર કેવાન શોકેટ અને તેમની ટીમે તેમના સંશોધનની વિગતો આપતાં કહ્યું હતું કે ‘અમે પેન્ક્રિયાટિક કેન્સરની સચોટ સારવાર માટે સતત દસ વર્ષના સંશોધનાત્મક અભ્યાસ કર્યો છે. આ અભ્યાસ દરમિયાન -કે આર.એ.એસ. -G12 ડી-નામના અતિ સુક્ષ્મ હિસ્સા (મોલેક્યુલ)ના સ્વરૂપમાં ધરમૂળથી ફેરફાર કર્યા છે. આ જ મોલેક્યુલને કારણે માનવીને પેન્ક્રિયાટિક કેન્સર થાય છે. જોકે આ જ મોલેક્યુલને કારણે ફેફેસાં, આંતરડાં, સ્તનનું કેન્સર પણ થાય છે.
બોલીવુડની પ્રસિદ્ધ અભિનેત્રી નરગીસ આ જ પેન્ક્રિયાટિક કેન્સરનો ભોગ બન્યાં હતાં. નરગીસ 1971માં મૃત્યુ પામ્યાં હતાં. આ ઉપરાંત, એપલ કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ આષફિસર સ્ટિવ જોબ્સ પણ આ જ ગંભીર રોગને કારણે 2011માં મૃત્યુ પામ્યા હતા. બ્રિટનની નોટિંગહેમ ટ્રેન્ટ યુનિવર્સિટીના જ્હોન વેન ગીસ્ટ કેન્સર રિસર્ચ સેન્ટરનાં તબીબી વિજ્ઞાાની ડો. મારિયા હેત્ઝીયાપોસ્તોલોવ અને તેમની ટીમે એવી વિગતો આપી હતી કે પેન્ક્રિયાટિક કેન્સરને કારણે માનવીના આરોગ્ય માટે બહુ જરૂરી ગણાતા -એચએનએફ ૪ એ -નામના જનીન( જીન)ની કુદરતી કામગીરીમાં ભારે મોટો અવરોધ સર્જે છે. પરિણામે વ્યક્તિના શરીરમાં કેન્સરની ગાંઠ બને છે અને સમય જતાં તે ગાંઠ મોટી પણ થાય છે. હવે ભવિષ્યમાં આ સમગ્ર ગંભીર પ્રક્રિયામાં અવરોધ ન સર્જાય તે માટે ઉત્તમ દવા બનાવવાનું સરળ બનશે.
સ્ટિવ જોબ્સ, નરગિસ, મનોહર પાર્રિકરનું પેન્ક્રિયાટિક કેન્સરથી મૃત્યુ થયેલું
દેશના પૂર્વ ડિફેન્સ મિનિસ્ટર મનોહર પાર્રિકરને પેન્ક્રિયાટિક કેન્સર હતું. 2019માં તેમનું નિધન થયું હતું. એપલના સંસ્થાપક સ્ટિવ જોબ્સને પણ સ્વાદુપિંડનું કેન્સર હતું. ૬૦ના દશકાના બેહદ પોપ્યુલર અભિનેત્રી નરગિસ ૧૯૮૧માં પેન્ક્રિયાટિક કેન્સરથી મૃત્યુ પામ્યા હતા. 90ના દશકાના જાણીતા કોમેડિયન જતિન કણકિયાને પણ આ કેન્સર હતું. તાજેતરમાં જાણીતા ગઝલ ગાયક પંકજ ઉધાસ, ટીવી અભિનેતા રિતુરાજ સિંહનું આ પ્રકારના કેન્સરથી મૃત્યુ થયું હતું.
કેવિન શોકત KRAS-G12D વર્ષોથી સંશોધન કરે છે
અમેરિકન કેમિકલ બાયોલોજિસ્ટ કેવિન શોકત KRAS-G12D મ્યુટેશન (પરિવર્તન) પર એક દશકાથી કામ કરી રહ્યા છે. તેમનું KRAS મ્યુટેશનનું તેમનું કામ લેન્ડમાર્ક છે. બાયોજિનેટિક્સ કેમિસ્ટ્રી, કેમિકલ જિનેટિક્સના ક્ષેત્રમાં તેમણે કરેલા સંશોધનો આગળના સંશોધનો માટે ખૂબ ઉપયોગી સાબિત થયા છે. તેમણે આ વર્ષે માર્ચ મહિનામાં જ KRAS-G12D મ્યુટેશનનું નોંધપાત્ર સંશોધન કર્યું હતું અને વિખ્યાત જર્નલ નેચરમાં એમનું રિસર્ચવર્ક પ્રસિદ્ધ થયું હતું. કેલિફોર્નિયા યુનિવર્સિટીના પ્રોફેસર અને સેલ્યુલર એન્ડ મોલેક્યુલર ફાર્માકોલોજી વિભાગના હેડ કેવિન શોકત તેમના આ સંશોધનો માટે અનેક પ્રતિષ્ઠિત પુરસ્કારો મેળવી ચૂક્યા છે.