અનાવૃત-જય વસાવડા એક વાત બરાબર સમજી લો, નવી પેઢી માટે લગ્ન કેવળ પવિત્ર સંસ્કાર જ નથી પણ એક લવ પ્લસ ફન ઇવેન્ટ છે. જે પેરન્ટ્સ મુકેશભાઈ અને નીતાબહેનની જેમ આ ભાવના સમજી શકશે, એ સુખી થશે ને સંતાનોને દુ:ખી નહી કરે !
”અંબાણીને ત્યાં હતી, એ ‘શાદી’ હતી.
આપણે તો જે કરી, એ તો ‘સાદી’ હતી !”
મીંડાવાળા શ અને મીંડા વગરના સ નો તફાવત આજકાલ શીખવાડવો પડે એવી જનરેશનમાં ડૉ. જગદીપ નાણાંવટીએ માત્ર બે જ લીટીમાં આખા દેશ વતી પ્રતિસાદ આપી દીધો છે, અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના ભવ્યાતિભવ્ય લગ્ન બાબતે આમ ભારતીય વતી ! ૫૦૦૦ કરોડના ખર્ચવાળા એ લગ્ને આરબ શેખો અને બ્રિટીશ રોયલ વેડિંગને પણ ક્યાંય પાછળ છોડી દીધા છે. સોશ્યલ મીડિયામાં તો મજાકો ચાલતી હતી કે આ પ્રિવેડિંગ જ અનંતકાળ સુધી ચાલવાનું છે ને રણબીર આલિયાની નાનકડી ઢીંગલી રાહા જુવાન થઈ નાચવા આવે એટલા વર્ષો થશે ! હવે એવું ચાલે છે કે અલગ અલગ દેશોમાં પ્રિ-રિસેપ્શન થશે, પ્રિ-પ્રિ સિમંત (ગોદભરાઈ) થશે, વગેરે વગેરે.મોટા ભાગના પ્રતિભાવો નોર્મલ ઉપર લખી એ બે પંક્તિઓ જેવા હોય. મોટા લોકો છે, ભગવાને લક્ષ્મી આપી છે તો ઘેર લગ્નમાં જલસો ના કરે તો ક્યારે કરે ? ગુજરાતી છે, જોઈને રાજી થવાનું. આપણે દેખાદેખીમાં દૂબળા હોઈએ તો ટીંગાઈ નહિ જવાનું, પછેડી એટલી સોડ તાણવી. બાકી, પોતાની જ દોલત પોતાના જ પ્રસંગમાં વાપરવી કોઈ અપરાધ નથી. એમાં ના વાપરે તો શું બટકા ભરીને ખાઈ જાય ?
આમ તો સત્તાવાર રીતે મુકેશભાઈની કુલ નેટવર્થના અડધા ટકા પણ ૫,૦૦૦ કરોડ થતા નથી. પોતાની કુલ આવકના અડધા ટકાથી તો સારા પ્રસંગોમાં એવરેજ કુટુંબ વધુ ખર્ચો કરતું હોય છે. જામનગર પ્રિવેડિંગ સમયે પણ અહીં વિગતે આખો લેખ લખેલો (માર્ચ, ૧૩, ૨૦૨૪). ઓનલાઈન વાંચી લેજો ના વાંચ્યો હોય તો ગુજરાત સમાચારની સાઇટ પર. પણ તો યે ડાબેરી ડોબાડબલાના કકળાટ બંધ થતા નથી. હવે નવી દલીલ એ બાળોતિયાના બળેલાઓ લઈ આવ્યા છે કે અંબાણી, અદાણી ક્યાં ફોર્ડ કે ગેટસની જેમ કોઈ શોધ કરીને પૈસાદાર થયા છે ?
આ વાત સાચી હોવા છતાં સંદર્ભ ખોટો છે. બધા પરદેશમાં પણ ઇન્વેન્શન કરીને જ કુબેરપતિ નથી થયા. ઘણા માત્ર પુરાણા પારિવારિક વગવચીલાને લીધે લખલૂટ કમાયેલા છે. જે આવિષ્કારકોને ફાઈનાન્સ ધીરે છે. અને કોઈ વોરન બફેટની જેમ માત્ર ટ્રેડિંગ/સોદા કરીને કમાયેલા છે. પણ લગ્ન કેટલા ધામધૂમથી કરવા એમાં બે જ પરિબળ અગત્યના છે. પરસ્પરની મરજી અને પોતાની મિલકત. મરજી ને મિલકત હોય તો મહોબ્બત ને મેરેજ છાપરે ચડીને પોકારાય. એક જિંદગી જીવવાની એમાં શું ગામ આખાના અભિપ્રાયો ને ચૂકાદા પર જીવ્યા કરવાનું ? બધાને આમે ખુશ કરી ન શકાય. આટલા ભવ્ય લગ્નમાં બોલાવો તો મફત ખાઈને પણ ખોદવાવાળા સગાઓ હોવાના. સામેના જીવનસાથી પાત્રને ખુશ કરો તો પણ ઘણું.
પણ જેમ આપણે ત્યાં એક ફટીચર સાયકો પક્ષભક્તિને દેશભક્તિમાં ખપાવનારા ફાંકાઠોક ફોલ્ડરિયા હોય છે જે દેશદ્રાહના પ્રમાણપત્રો ફાડવાના ગોરખધંધા કરતા હોય છે, એમ વાયડા વામપંથી વિષાણુઓ હોય છે, જેને ધનદોલતના નામ માત્રથી સેંકડો લાલ કીડી ચટકાં ભરતી હોય એવી એલર્જી ઉપડે છે. એમને માટે તો કેપિટાલિઝમ યાને મૂડી એ જ પાપ છે. એનું પ્રદર્શન એ વલ્ગારિટી છે. કેટલાંક અહંકારી અકોણા વળી કહે છે કે આવા ભપકાદાર વેડિંગમાં ઠાઠઠકારા હોય છે, પણ ‘કલાસ’ નથી હોતો. બીજાના કલાસ માપવાના આવા બની બેઠેલા જજમેન્ટલો જ બ્રિટીશ ઉમરાવશાહીના સામંતી નક્સલીઓ છે. અમુક આપણે ત્યાં એવું માની બેઠા છે કે બધું ફિક્કું, કલરલેસ, બોરિંગ, ડાહ્યું ડાહ્યું હોય એને જ કલાન્ત કહેવાય. આવા બ્રાઉન, ગ્રે, બ્લેક ક્રીમ એન્ડ વ્હાઇટના શેડમાં જ જીવન બરબાદ કરનારાને ભારતીય રંગો કેસરી, પોપટી, લીલો, મોરપીંછ, શ્યામગુલાબી, જાંબલી, ઘેરો પીળો, રૂપેરી સોનેરી, લાલચટ્ટક વગેરે જોઈને હેડકી ને હડકવા ઉપડી જાય છે. એમને એ બધું ગોવિંદાછાપ, ચીપ, લાગે છે. મેળાના રંગો માફક આવતા નથી. આવા ધરતી પર ધક્કો ખાવા આવેલા સફેદ કફન ઓઢીને જીવતેજીવ તો શું, આપણી તો ભક્તિ પણ રંગીન છે. ભગવાનના વાઘા હોય કે પ્રસાદના અન્નકૂટ, મંદિરોના ચિત્રો હોય કે પુષ્પોની સજાવટ !
એકચ્યુઅલી સિનેમા, સિંગિંગ અને સ્પોર્ટસ જેમ જગતને જોડતા સોફટ પાવર છે, એમ અંબાણી જેવા ગ્રાન્ડ વેડિંગ પણ ભારતનો સોફટ પાવર છે. એકલા મુકેશભાઈ-નીતાબહેને જ અત્યાર સુધીમાં ભારતને જોયા વગર એના વિશે કોમેન્ટ કરનાર બિયોન્સેથી કિમ કાર્દેશિયાં સુધીને પ્રેમથી એમનો જ કોળિયો ગળે ઉતરાવ્યો છે.જેમ જોન સેનાએ શાહરૂખ વિશે ટ્વીટ કરી, અને રિહાના હોય કે બીબર એમના પર્સનલ સર્કલમાં ઇન્ડિયા વિશે વાત કરશે ત્યારે એક લકઝરી વૈભવી ચમક એમની આંખોમાં હશે. ગાંધીવાદી સાદગી દેશ સેવા માટે સાચી, પણ એનું ફંડ પણ ઉદ્યોગપતિઓ અને સમજદાર રજવાડાઓ તરફથી જ મળતું !
એકચ્યુઅલી, ભારતની બ્રાન્ડ જ એરઇન્ડિયાના જૂના સિમ્બોલની જેમ મહારાજા છે. ‘ધ ગ્રેટ ઇન્ડિયન કલરફૂલ વેડિંગ’ એક બિગેસ્ટ શો ઓન પ્લેનેટઅર્થ છે. પર્સનલી, આવા લગ્નસમારંભો એટેન્ડ કરવાના ખાસ ઉમંગતરંગ નથી હોતા. પણ એટલે આપણી ચોઇસથી બીજાઓને મપાય નહિ એ જ તો લોકશાહી છે. અને લગ્ન જેમ અનેકોને રોજગાર આપતી ઇન્ડસ્ટ્રી છે, એમ એક ઝગમગાટ તહેવાર જેવો વહેવાર છે. થનગનાટ પેદા કરતો અને ઉદાસી દૂર કરતો ઉત્સવ છે અને પારિવારિક મેળાવડા આનંદપ્રમોદના પણ સંસ્કાર છે. જેમાં મહેમાનગતિ માટે રૂપિયા ખર્ચવામાં મોજ પડે છે.હવે ભલે પંચાતિયા ૬૦ ટકા વસતિને બે ટંક ભોજન નથી. ત્યાં આટલા રૂપિયાનો ધુમાડો કર્યો એવી કણ માંડતા. એવા લલ્લુ લોજીક તો ઓલિમ્પિકથી દિવાળી સુધી બધે લાગુ પડે. સદીઓથી આ કહેવાય છે, દરેક જગ્યાએ. એમાં અમીરો માટેની જલન વધુ હોય છે, ગરીબો માટેના કન્સર્ન કરતા. પોતાની પાસે નથી, અને બીજા વાપરે છે એની એસિડિટી ઘણાને થઈ જતી હોય છે. અંગત પ્રસંગ છે, જાહેર એટલે બને છે કે જગતને રસ છે. બાકી દાગીના કે મોંઘી સાડીઓ પહેરવાના ક્યારે ? તો તો જગતમાં એવી ઉત્તમ કળાના કારીગરો પણ નષ્ટ થઈ જાય !
અંબાણી પરિવારનું ફાઉન્ડેશન છે, ને ન્યુયોર્કમાં પણ ભારતીય કળાના પ્રદર્શનોને પ્રમોટ કરે છે. મુંબઈનું જમાવટવાળું કલ્ચરલ સેન્ટર તો નયનરમ્ય છે જ. એમાં વર્લ્ડ કલાસ આર્ટ એન્ડ ડાન્સ ફેસ્ટ થાય છે. પેરૂના પરદેશી શેફને ભારતીય સ્વાદમાં આ નિમિત્તે રસ પડે તો જગત એની બ્રાન્ડને સલામ આપે છે, ત્યાં ભારતીય શાકાહારી સ્વાદ પણ પહોંચશે. વિદેશી હીરોઈનો ને મોડેલ ચણિયાચોળી, સાડી, નથણી વગેરે પહેરેશે તો ઈન્ડિયન સ્ટાઇલ ઓફ ફેશનની મફત બ્રાન્ડ એમ્બેસેડર બનશે. આવા લગ્નોમાં એ રીતે વેપારી સંબંધો બંધાતા હોય છે. બાકી ઝકરબર્ગ જેવા ગુજરાત મુખ્યમંત્રીને પણ મળવા એમ જ ના આવે, આ બધું સોફટ પાવર તરીકે દેશને ઉપયોગી થવાનું છે. શીખવાનું તો છેક ધીરૂભાઈથી ચાલ્યું આવતું સંબંધોનું મેનેજમેન્ટ છે. પરસ્પર વિરોધી વિચારધારા સાથે પણ ઉષ્માપૂર્ણ સ્નેહગાંઠ વ્યક્તિગત જાળવી રાખવી, એ એક અનોખી આવડત છે ને નાનીમાના ખેલ નથી. દોલત તો અદાણીસાહેબ પાસે ઓનપેપર વધુ છે. પણ આ સ્કેલના રિલેશન ફિલ્મ, સ્પોર્ટસ, એન્ટરટેઈન્મેન્ટ, પોલિટિક્સ બધે બનાવવા ને સાચવવા અને જનતા વચ્ચે લોકોને પોતીકો લાગે એમ પ્રસંગ ઉજવવો એની રૂચિ અલગ મિજાજની સોગાત છે. અંબાણીની એમાં ખાનદાની મહારત છે. અતિથ્ય અને વિવેક છે. સંબંધો જોડવા ને એ માટે ખર્ચ કરવાની, ભેટો આપવાની ને બધા સાથે મોજમસ્તીની મહેફિલમાં ઈન્વોલ્વડ થવાની રંગત છે, દિલદારી છે.
આ નિમિત્તે ભારતીય ડિઝાઈનનું સેલિબ્રેશન થયું, ફૂડની મિજબાની થઈ અને ગુજરાતી પારિવારિક આસ્થાને પણ જગતે જોઈ. રાજીપો એનો. કૃષ્ણના પ્રેમીઓ તો આમે ય કલરફૂલ, જોયફૂલ, ટેસ્ટફૂલ હોવાના. લોકોને તો આપણે ત્યાં લગ્નોમાં ખૂબ બધો રસ હોય જ છે. વરઘોડો કોઈનો નીકળે તો રસોઈ પડતી મૂકીને બારીએ બહેનો ઉભા રહે જોવા. ઈટ્સ એ ફીસ્ટ, ઈટ્સ એ પાર્ટી. એક બાજુથી નોર્મલ નર અને નોર્મલ નારી વચ્ચેના લગ્નો જ ઘટી રહ્યાં છે, નવી પેઢીમાં. ત્યારે અનંત અને રાધિકાએ મેરેજ બાબતે પણ મનમાં માણેકથંભ ખોડયો કહેવાય. લગ્ન સંસ્થા ટકાવવી હોય તો એના ઝાકઝમાળ સફળ ઉદાહરણો પણ આપવા પડશે ને. અરે, પાછળથી કોઈ કારણથી ના ચાલે તો પણ એક ઉમળકો હોય તો જ સહજીવન નક્કી કર્યું હોય ને !
એકબાજુથી એવા સમાચાર આવે છે એક વરસમાં જ બેન એફલેક ને જેનિફર લોપેઝ જેવા લગ્નોની બાબતે ‘અનુભવી’ અને સ્વયં હજારો કરોડ ખુદના કમાઈ ચૂકેલા પતિ-પત્ની છૂટા પડશે ને કાયદા મુજબ પતિની મિલકત સ્ત્રીને અડધે ભાગે મળશે. (પશ્ચિમમાં એટલે રોમાન્સ છતાં પ્રિ-વેડિંગ કોન્ટ્રાક્ટ જ થઈ જાય છે સંપત્તિ બાબતે, આપણે ત્યાં હજુ બે આંખની શરમ છે.) ઘણા પતિઓ કમાઈને પત્નીના નામે મિલકત ખરીદે, અને મોટી ઉંમરે સંતાનો કલેમ કરે ત્યારે કોર્ટમાં જવું પડે કે આ મારા પૈસે હતી પણ કાયદામાંથી બચત કરવા સ્ત્રીનું નામ હતું ! શહીદ અંશુમાનના મેડલ અને ઈનામ બાબતે પ્રેમલગ્ન કરનારી પુત્રવધૂ અને સાસુસસરા સામસામે આવી ગયા છે. બીજાનો જીવ બચાવવા વીરગતિ પામનારા બે જાંબાઝ સરફરોશના લગ્ન પાંચ મહિનાના હતા, પણ પ્રેમ આઠ વર્ષનો હતો. એવું ય બને કે દીકરાના મા-બાપને અંદરથી ગમ્યું ના હોય ને કમને સંમતિ આપી હોય. બેઉ અલગ તો રહેતા જ હતા, ઘર જુદું વસાવીને. આપણે ત્યાં રૂપિયા ન હોય ત્યારે
વડીલોની દખલઅંદાજી વિવાહિત જીવનમાં વધી જાય. વડીલોની ચોઈસના રિમોટ કંટ્રોલ પર મન મારીને જીવવું પડે. ઘણી વાર સ્ત્રી ઉસ્તાદ નીકળે ને બધાનો કાંટો કાઢી નાખે ને ઘણી વાર મોટી ઉંમરના લોકો પુત્રનું અવસાન થાય તો જુવાન વિધવાને પરાણે સાધ્વી બતાવી દે અને છપ્પરપગી જેવા મહેણા ય મારે ! કહેવાતા ને ઉપર ઉપરથી એક દેખાતા સંયુક્ત કુટુંબોમાં તો વિભક્ત કરતા વધુ સરહદો હોય છે. પણ પોતાની શરતે જીવવામાં ડરપોક સમાજ ભયભીત થઈ જાય એટલે માત્ર મુસીબતોમાં ‘બફર’ તરીકે જોઈન્ટ ફેમિલીના જાપ જપે છે !
આવે વખતે અંબાણી વેડિંગ સાગા ઈઝ સ્પેશ્યલ. એટલા માટે પણ કે કોઈ સત્તાવાર આંકડા વિના આપણે ત્યાં એવું માની લેવાયું છે કે લવ મેરેજ ફેઇલ જાય ને માત્ર એરેન્જડ જ ચાલે. સાવ હમ્બગ બોગ્સ ગપાટા છે આ. કેવળ માન્યતા. અંબાણીને ત્યાં લગ્નોના મહેમાનોનું રિકેપ કરજો. મોટા ભાગના લવ મેરેજ કરેલા છે, અથવા તો લવ મેરેજનું જ સંતાન છે. અરે, ખુદ અનંત અને રાધિકાનો ચાઈલ્ડહૂડ રોમાન્સ છે. જોઈએ એથી વધુ પૈસા તો રાધિકા પાસે પણ છે. પણ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અમેરિકામાં રાજકારણથી સદંતર દૂર એવા વિનમ્ર પુત્ર રૂષભ રૂપાણીએ સ્કૂલની ફ્રેન્ડ અદિતી સાથે સુખેથી સંસાર વસાવ્યો, એવું જ અનંત-રાધિકાનું છે. બચપન કા પ્યાર, ટોટલી, ફુલ્લી, ઈમોશનલી.
ઈનફેક્ટ, સિમી ગરેવાલ સાથેના ઈન્ટરવ્યૂમાં છતું થયેલું એમ મુકેશભાઈ માટે નીતાબહેન ધીરૂભાઈને ગમી ગયેલા, પણ બેઉ પર એમણે આટલી પ્રતિષ્ઠા ને પૈસા છતાં પોતાની મરજી થોપી નહોતી. લવ મેરજના ઈન્કારમાં અબજપતિ હિન્દુજા પરિવારના ધરમે આપઘાત કરેલો ! રૂપિયા હોય એનાથી મોટા મહેલ આવે, માનસિક મોકળાશ નહિ ! મુકેશભાઈ અને નીતાભાભી જોડે ફરતા થયા પછી ટ્રાફિક જામમાં કાર ઉભી હતી અને મુકેશભાઈએ પ્રપોઝ કરેલું ! ઈશા અને આકાશ અંબાણી ભલે બિઝનેસ ફેમિલીમાં પરણયા પણ બેઉના સ્વીટહાર્ટ સાથે ભણતા ભણતા કે સાથે ફરતા ફરતા રોમાન્સ થયો, પછી મા-બાપે નિર્ણય વધાવી લીધો ! ધીરૂભાઈ રાજેશ ખન્ના, સંજય દત્ત સાથે નામ ચર્ચાતું એવી હીરોઈન ટીના મુનીમ સાથે પુત્ર અનિલની ધામધૂમથી જાન કાઢીને ટીનાબહેન પણ ગૌરવવંતા વહુ થઈ જીવ્યા. ધિસ લવ ઈઝ લેગસી, આટલા લેવલે અંબાણી સંતાનોને પસંદ પડે, પ્રેમ થાય ત્યાં જગતને દંગ કરીને પરણાવી દે છે, તો સામાન્ય મા-બાપ લવ મેરેજના નામથી શું ભડકતા હશે ?!
ઝિંગથિંગ
સિમેન્ટ પણ શીખવાડે છે કે જોડાવા માટે નરમ અને સુંવાળા રહેવું ને જોડાણ ટકાવવા માટે મજબૂત અને સખત રહેવું !