ભારત તેના સાંસ્કૃતિક અને વૈવિધ્યસભર વારસા માટે ઓળખીતું છે. ભારતના અલૌકિક ઈતિહાસને માણવા માટે દેશ-વિદેશમાં અનેક પર્યટકો દેશના વિભિન્ન ખૂણે મુસાફરી ખેડતા હોય છે. જોકે ભારતની ‘પધારો મ્હારે દેશ’ અને ઈન્ક્રેડીબલ ઈન્ડિયાની ચમક જાણે ફિક્કી પડી રહી છે.
ભારતમાં પ્રવાસનમાંથી વિદેશી હૂંડિયામણની કમાણીની વૃદ્ધિ ૨ ટકાથી પણ ઓછી છે. સરકારી ડેટા અનુસાર મે મહિનામાં પ્રવાસન દ્વારા ૨.૧૩ અબજ ડોલરની આવક થઈ હતી, જે એક મહિના અગાઉ કરતાં માત્ર ૧.૭ ટકા વધુ છે. જોકે માર્ચ મહિનામાં ૩૩ ટકાનો વધારો થયો હતો અને એપ્રિલમાં આ દર વૃદ્ધિ દર માત્ર ૧.૨ ટકા હતો. આમ આ વર્ષે મે મહિનામાં ભારતમાં પ્રવાસન ક્ષેત્રથી વિદેશી હૂંડિયામણની કમાણી ૧૨ મહિનાની નીચી સપાટીએ પહોંચી ગઈ છે.ગત વર્ષે ડિસેમ્બર અને આ વર્ષે જાન્યુઆરી અને ફેબ્રુઆરી વચ્ચે પ્રવાસન ક્ષેત્રની કમાણી લગભગ ૩ અબજ ડોલરના સ્તરે રહી હતી. આ સેક્ટરમાંથી છેલ્લા ચાર વર્ષમાં સૌથી વધુ ૩.૨ અબજ ડોલરની આવક ડિસેમ્બર ૨૦૧૯માં થઈ હતી. જોકે બાદમાં કોરોના મહામારીને કારણે ટૂરિઝમ ક્ષેત્રની આવક એપ્રિલ, ૨૦૨૦માં ઝડપથી ઘટીને ૦.૦૧ અબજ ડોલર થઈ, જે ૨૦૧૯ પછીની સૌથી ઓછી હતી.
વિદેશી પ્રવાસીઓના ઓછા આગમનને કારણે આવકમાં ઘટાડો થયો છે. વિદેશી પ્રવાસીઓનું આગમન એક વર્ષ અગાઉની સરખામણીમાં ૦.૩ ટકા ઘટીને ૬ લાખ થયું છે. વિદેશી પ્રવાસીઓના આગમનનો આ આંકડો, જૂન ૨૦૨૩ પછીનો સૌથી ઓછો છે. ભારત હજુ પણ પ્રી-પેન્ડેમિક વર્ષ એટલે કે ડિસેમ્બર ૨૦૧૯ના ઉચ્ચતમ સ્તરને હજી સ્પર્શી શક્યું નથી, જ્યારે ૧૨.૩ લાખ વિદેશી પ્રવાસીઓ ભારતમાં આવ્યા હતા. પ્રવાસન મંત્રાલય અને સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમીના માસિક ડેટા દર્શાવે છે કે ડિસેમ્બર ૨૦૨૩માં ૧૦.૭ લાખ પ્રવાસીઓ આવ્યા હતા, જે ૨૦૨૦ પછી સૌથી વધુ સંખ્યા છે પરંતુ ત્યારપછી વિદેશથી આવતા પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો થયો છે.
જોકે સામે પક્ષે ભારતીયોની વિદેશ યાત્રા સર્વોચ્ચ સ્તરે પહોંચી રહી છે. આ વર્ષે મે મહિનામાં ૨૯ લાખ ભારતીયો વિદેશ પ્રવાસ માટે પહોંચ્યા હતા, જે એક વર્ષ પહેલા કરતા ૧૩.૯ ટકા વધુ છે. મે મહિનાના રિપોર્ટમાં જણાવાયું કે પાંચ મહિનામાં ભારતમાં સૌથી વધુ વિદેશી પ્રવાસીઓ બાંગ્લાદેશથી આવ્યા હતા અને તેમની સંખ્યા કુલ પ્રવાસીઓના ૨૦.૩ ટકા હતી. ત્યારબાદ અમેરિકા (૧૬.૭ ટકા), બ્રિટન (૧૦.૫ ટકા), કેનેડા (૪.૮ ટકા) અને ઓસ્ટ્રેલિયા (૪.૪ ટકા) છે.
વિદેશમાં પ્રવાસ કરતા ભારતીયોમાંથી એક તૃતીયાંશ લોકો ગલ્ફ ક્ષેત્રના બે દેશોમાં ગયા હતા. ૨૫ ટકા ભારતીયો યુએઈ અને ૧૦.૯ ટકા ભારતીયો સાઉદી અરેબિયા પહોંચ્યા હતા. મે મહિનામાં ભારતીય પ્રવાસીઓ માટે અન્ય ટોચના દેશોમાં યુએસ (૭.૨ ટકા), થાઇલેન્ડ (૫.૯ ટકા) અને સિંગાપોર (૫ ટકા)નો સમાવેશ થાય છે. લગભગ ૫૦ ટકા ભારતીયો આ ટોચના પાંચ દેશોમાં જઈ રહ્યા છે.
વિદેશ જનારા ભારતીયોની સૌથી વધુ સંખ્યા દિલ્હીથી (૨૩.૭૬ ટકા) ઉડાન ભરી હતી. ત્યારબાદ મુંબઈ (૨૦.૧૧), કોચી (૭.૩૮ ટકા), ચેન્નાઈ (૭.૨ ટકા) અને હૈદરાબાદ (૭.૧૨ ટકા)થી ગયા હતા. મે મહિનામાં જ્યારે એક વિદેશી પ્રવાસી ભારત આવી રહ્યો હતો ત્યારે પાંચ ભારતીયો અહીંથી વિદેશ જઈ રહ્યા હતા.