કોર્પોરેટ પરિણામોની જૂન ૨૦૨૪ના અંતના ત્રિમાસિકની સીઝનની ટાટા કન્સલ્ટન્સી સર્વિસિઝના રિઝલ્ટે સારી શરૂઆત થતાં સપ્તાહના અંતે ફરી સેન્સેક્સ ૮૦૮૯૩ અને નિફટી ૨૪૫૯૨નો નવો ઈતિહાસ રચાયો છે. ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-વિદેશી ફંડોએ આઈટી શેરોની આગેવાનીએ આક્રમક ખરીદી કરી બજારમાં વિક્રમી તેજીનો દોર આગળ વધાર્યો છે. ચોમાસાની દેશમાં સારી પ્રગતિ સાથે કૃષિ ક્ષેત્રે મજબૂત વૃદ્વિ થકી આર્થિક વિકાસની દોટ આગળ વધવાના પોઝિટીવ પરિબળે અને કેન્દ્રિય બજેટમાં આ વખતે પ્રોત્સાહક જોગવાઈઓની અપેક્ષાએ ફંડોએ ઈન્ડેક્સ બેઝડ આક્રમક ખરીદી કરી છે. પરંતુ બીજી તરફ સપ્તાહના અંતે સ્મોલ, મિડ કેપ શેરોમાં પ્રોફિટ બુકિંગ કર્યું છે. વેલ્યુએશન ઘણા શેરોમાં મોંઘું બન્યું હોઈ અત્યારે બજારમાં આ પરિબળ ચિંતાજનક જરૂર બન્યું છે, પરંતુ આ પરિબળને અવગણીને અત્યારે ઘણા શેરોમાં થઈ રહેલી બેફામ તેજી રોકાણકારોને અફસોસ કરાવી ઊંચા ભાવે ખરીદી કરવા લલચાવી રહ્યા છે. અહીંથી ફરી ચેતવતા જણાવવાનું કે ઓવર વેલ્યુએશનના જોખમને નજરઅંદાજ કરશો નહીં, જેમ જેમ બજારમાં તેજી બેફામ બનતી જાય છે એમ હવે એક્સચેન્જો અને મૂડી બજાર નિયામક તંત્ર પણ રોકાણકારો અને સિસ્ટમ માટે જોખમરૂપ બની શકે એવા આગોતરા પગલાં લેવા માંડયા છે. એફ એન્ડ ઓમાં રિટેલ ટ્રેડરોને પાયમાલ થતાં અટકાવવા એક તરફ લોટ સાઈઝ વધારવાની કવાયત શરૂ કરાઈ છે, તો બીજી તરફ સ્વિકાર્ય કોલેટરલ-ગીરો શેરોની યાદીમાં મોટો ઘટાડો કરીને એક પ્રકારે લાલબત્તી બતાવવાની શરૂઆત કરી દીધી છે. એક્સચેન્જ લેવલે આ શેરો ગીરો તરીકે અસ્વિકાર્ય બને તો પછી બેંકોના લેવલે કેવી સ્થિતિ આગામી દિવસોમાં બનશે એ પણ વિચારવું રહ્યું. અહીં વેલ્યુએશનથી વિશેષ અન્ય પેરામીટરને આગળ કરવામાં આવ્યા છે, પરંતુ અસ્વિકાર્ય શેરોમાં રોકાણ પણ જોખમી બની શકે છે એ સ્વિકારીને સાવચેત રહેવું જરૂરી છે. આગામી સપ્તાહમાં ૧૭, જુલાઈ ૨૦૨૪ના મોહરમ નિમિતે શેર બજારો બંધ રહેનાર છે. જેથી ચાર ટ્રેડીંગ દિવસના આગામી સપ્તાહમાં કોર્પોરેટ પરિણામોમાં હવે ૧૫, જુલાઈ ૨૦૨૪ના એચડીએફસી એએમસી, ૧૬, જુલાઈ ૨૦૨૪ના બજાજ ઓટો, ૧૭, જુલાઈ ૨૦૨૪ના એશીયન પેઈન્ટસ, એલટીઆઈ માઈન્ડટ્રી, ૧૮, જુલાઈ ૨૦૨૪ના ઈન્ફોસીસ, માસ્ટેક, પર્સિસ્ટન્ટ સિસ્ટમ, ટાટા ટેકનોલોજીસ, ૧૯, જુલાઈ ૨૦૨૪ના બીપીસીએલ, જેએસડબલ્યુ સ્ટીલ, અલ્ટ્રાટેક સિમેન્ટ, વિપ્રોના જાહેર થનારા પરિણામ પર નજર રહેશે. આ સાથે ચોમાસાની પ્રગતિ અને કેન્દ્રિય બજેટ ૨૩, જુલાઈના રજૂ થનાર હોઈ આ બજેટની જોગવાઈઓની અટકળોના આ પરિબળો વચ્ચે આગામી ચાર ટ્રેડીંગ દિવસના સપ્તાહમાં સેન્સેક્સ ૮૧૭૭૭ થી ૭૯૩૩૩ વચ્ચે અને નિફટી સ્પોટ ૨૪૮૮૮ થી ૨૪૧૧૧ વચ્ચે અથડાતાં જોવાઈ શકે છે.
અર્જુનની આંખે : KALYANI INVESTMENT COMPANY
બીએસઈ(૫૩૩૩૦૨) , એનએસઈ ( KICL) લિસ્ટેડ, રૂ.૧૦ પેઈડ-અપ, ૨.૫ અબજ ડોલરથી વધુના કલ્યાણી ગુ્રપના ૭૫ ટકા પ્રમોટર્સ હોલ્ડિંગની કલ્યાણી ઈન્વેસ્ટમેન્ટ કંપની લિમિટેડ, (KALYANI INVESTMENT COMPANY LIMITED) કલ્યાણી સ્ટીલ્સ લિમિટેડના ઈન્વેસ્ટમેન્ટ બિઝનેસના ડિમર્જર થકી અને કલ્યાણી સ્ટીલ્સ લિમિટેડની ત્રણ સંપૂર્ણ માલિકીની સબસીડિયરીઓના ઈન્વેસ્ટમેન્ટ અન્ડરટેકિંગના અમાલ્ગમેશન થકી અસ્તિત્વમાં આવેલી કંપની છે. ૨૫, જૂન ૨૦૦૯ના કેઆઈસીએલ કંપનીઝ એક્ટ ૧૯૫૬ હેઠળ પબ્લિક લિમિટેડ કંપની તરીકે શરૂ થઈ હતી. મુંબઈ હાઈકોર્ટ દ્વારા સ્કિમ ઓફ અરેન્જમેન્ટ મંજૂર કરાતાં કલ્યાણી સ્ટીલ્સ લિમિટેડના ઈન્વેસ્ટમેન્ટ ડિવિઝન અને ચક્રપાની ઈન્વેસ્ટમેન્ટસ એન્ડ ટ્રેડ્સ લિમિટેડ, સુરજ મુખી ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ફાઈનાન્સ લિમિટેડ અને ગ્લાડિઓલા ઈન્વેસ્ટમેન્ટ લિમિટેડના અમાલ્ગમેશન સાથે ૩૧, માર્ચ ૨૦૧૦ના અન્ડરટેકિંગ ટ્રાન્સફર આ કંપનીમાં થયું હતું.
કલ્યાણી ઈન્વેસ્ટમેન્ટ કંપની એ ઈન્વેસ્ટમેન્ટ કંપની છે, જે ફોર્જિંગ સ્ટીલ, પાવર જનરેશન, કેમિકલ્સ અને બેંકિંગ વગેરે વૈવિધ્યિકૃત ક્ષેત્રોમાં બન્ને લિસ્ટેડ અને અનલિસ્ટેડ કંપનીઓમાં ઈન્વેસ્ટમેન્ટ હોલ્ડિંગનો પોર્ટફોલિયો ધરાવે છે. કંપની કલ્યાણી ગુ્રપનો ભાગ છે. કંપની પાયાની ઈન્વેસ્ટમેન્ટ કંપની છે, જે તેની નેટ એસેટ્સના ૬૦ ટકાથી વધુ ગુ્રપ કંપનીઓના ઈક્વિટી શેરોમાં રોકાણ તરીકે ધરાવે છે. જ્યારે નેટ એસેટ્સના ૯૦ ટકાથી વધુ ગુ્રપ કંપનીઓના ઈક્વિટી/પ્રેફરન્સ શેરો, ડિબેન્ચરો/ડેટમાં રોકાણ સ્વરૂપે છે.
કલ્યાણી ગુ્રપ : મધ્ય ૧૯૬૦ના દાયકામાં સ્થપાયેલું કલ્યાણી ગુ્રપ, ભારતીય મલ્ટિનેશનલ કંપની એન્જિનિયરીંગ સ્ટીલ, ઓટોમોટીવ, ઈન્ડસ્ટ્રીયલ રીન્યુએબલ એનજીૅ, અર્બન ઈન્ફ્રાસ્ટ્રકચર અને સ્પેશ્યાલિટી કેમિકલ્સ જેવા ઉદ્યોગોમાં એડવાન્સ્ડ ટેકનોલોજી, એન્જિનિયરીંગ અને મેન્યુફેકચરીંગ સક્ષમતા ધરાવે છે. કંપની ભારત, જર્મની, સ્વિડન અને ચાઈનામાં એન્ડ ટુ એન્ડ સક્ષમતા અને મેન્યુફેકચરીંગ ધરાવે છે. કલ્યાણી ગુ્રપ વૈશ્વિક અગ્રણી કોર્પોરેટ જેમ કે મેરિટર (યુએસએ), કાર્પેન્ટર ટેકનોલોજી કોર્પોરેશન(યુએસએ), મેક્સિઓન વ્હીલ્સ(બ્રાઝિલ), એફએડબલ્યુ કોર્પોરેશન(ચાઈના), અલ્સ્ટોમ(ફ્રાંસ) અને ડેવિડ બ્રાઉન(યુ.કે.) સાથે સંયુક્ત સાહસો ધરાવે છે. ગુ્રપ વિશ્વમાં ફોર્જિંગમાં માર્કેટ લીડર છે અને ભારતમાંથી સૌથી મોટું ફોર્જિંગ નિકાસકાર છે.ગુ્રપની પ્રમુખ કંપનીઓમાં ભારત ફોર્જ, કેસીટીઆઈ, કલ્યાણી ટેકનોફોર્જ, કલ્યાણી ગ્લોબલ વગેરેનો સમાવેશ છે.
અનલિસ્ટેડ કંપનીઓમાં રોકાણ : ૩૧, માર્ચ ૨૦૨૪ મુજબ કંપનીનું બેંક બેલેન્સ રૂ.૧૮૩ કરોડ અને અનલિસ્ટેડ કંપનીઓમાં રોકાણમાં (૧) કેસીએલ હોલ્ડિંગમાં રૂ.૩૫૭ કરોડ, (૨) ખેડ ઈકોનોમિકલમાં રૂ.૧૨૭ કરોડ (૩) ઈન્ફો સ્ટ્રકચરમાં રૂ.૩૮ કરોડ અને (૪) અન્ય ઈન્વેસ્ટમેન્ટ રૂ.૩૬૩ કરોડ મળીને કુલ રૂ.૧૦૬૮ કરોડનું થાય છે.
લિસ્ટેડ કંપનીઓમાં રોકાણ : (૧૨, જુલાઈ ૨૦૨૪ મુજબ મૂલ્ય) : કંપનીનું ૧૨, જુલાઈ ૨૦૨૪ મુજબ લિસ્ટેડ કંપનીઓમાં રોકાણમાં (૧) ભારત ફોર્જ લિમિટેડમાં ૬,૩૩,૧૨,૧૯૦ શેરોનું (ભાવ શેર દીઠ રૂ.૧૬૧૯.૨૦ મુજબ ) રોકાણ મૂલ્ય રૂ.૧૦,૨૫૧ કરોડ (૨) હાઈકલ લિમિટેડમાં ૩,૮૬,૬૭,૩૭૫ શેરોનું (ભાવ શેર દીઠ રૂ.૩૬૦.૮૫ ) રોકાણ મૂલ્ય રૂ.૧૩૯૫ કરોડ (૩) બીએફ યુટીલિટીઝમાં ૬૧,૯૫,૦૪૬ શેરોનું (ભાવ શેર દીઠ રૂ.૮૩૫.૨૫) રોકાણ મૂલ્ય રૂ.૫૧૮ કરોડ મળીને કુલ રોકાણ રૂ.૧૨,૧૬૪ કરોડ થાય છે. આમ ૩૧, માર્ચ ૨૦૨૪ મુજબ બેંક બેલેન્સ, અનલિસ્ટેડ કંપનીઓમાં રોકાણ રૂ.૧૦૬૮ કરોડ અને લિસ્ટેડ કંપનીઓના શેરોમાં રોકાણના વર્તમાન મૂલ્ય રૂ.૧૨,૧૬૪ કરોડ મળીને કુલ મૂલ્ય રૂ.૧૩,૨૩૨ કરોડ થાય છે. જે કલ્યાણી ઈન્વેસ્ટમેન્ટ કંપની લિમિટેડના ૪૩,૬૫,૩૦૬ શેરો ઈક્વિટી મુજબ શેર દીઠ મૂલ્ય રૂ.૩૦,૩૧૧ થાય છે. જે વેલ્યુએશનના માત્ર ૨૦.૮૪ ટકા મૂલ્યે શેર અત્યારે ૧૨, જુલાઈ ૨૦૨૪ના એનએસઈ, બીએસઈ પર રૂ.૬૩૧૧ ભાવે મળી રહ્યો છે.
બુક વેલ્યુ : માર્ચ ૨૦૨૧ના રૂ.૧૦,૨૯૪, માર્ચ ૨૦૨૨ના રૂ.૧૧,૮૭૮, માર્ચ ૨૦૨૩ના રૂ.૧૨,૯૮૯, માર્ચ ૨૦૨૪ના રૂ.૧૯,૦૦૦
શેર હોલ્ડિંગ પેટર્ન : કલ્યાણી ગુ્રપનું ૭૫ ટકા પ્રમોટર્સ હોલ્ડિંગ, એચએનઆઈ, કોર્પોરેટ બોડી અને એફઆઈઆઈઝ તેમ જ અન્યોનું ૮.૮૨ ટકા અને રિટેલ ઈન્વેસ્ટરો રૂ.૨ લાખથી ઓછી વ્યક્તિગત શેરમૂડીધારકો પાસે ૧૬.૧૮ ટકા છે.
કોન્સોલિડેટેડ નાણાકીય પરિણામ :
(૧) પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૨ થી માર્ચ ૨૦૨૩ : ચોખ્ખી આવક રૂ.૫૫.૬૮ કરોડ અને એસોસીયેટેસ પાસેથી આવક રૂ.૨૪.૫૯ કરોડ મળીને કુલ આવક રૂ.૮૦.૨૭ કરોડ નોંધાવી, નેટ પ્રોફિટ માર્જિન-એનપીએમ ૭૨.૨૬ ટકા થકી ચોખ્ખો નફો રૂ.૫૮.૮ કરોડ નોંધાવી શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૧૩૩.૦૫ હાંસલ કરી છે.
(૨) પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૩ થી માર્ચ ૨૦૨૪ : ચોખ્ખી આવક રૂ.૭૪.૬ કરોડ અને એસોસીયેટ્સ પાસેથી રૂ.૨૧.૮૩ કરોડ મળીને કુલ આવક રૂ.૯૫.૮૯ કરોડ મેળવી એનપીએમ ૭૩ ટકા થકી ચોખ્ખો નફો રૂ.૭૦.૫ કરોડ નોંધાવી શેર દીઠ આવક રૂ.૧૬૦.૪૮ હાંસલ કરી છે.
(૩) અપેક્ષિત પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૪ થી માર્ચ ૨૦૨૫ : અપેક્ષિત કુલ આવક રૂ.૧૧૭ કરોડ મેળવી એનપીએમ ૭૪.૩૫ ટકા થકી ચોખ્ખો નફો રૂ.૮૭.૩૦ કરોડ અપેક્ષિત મેળવી શેર દીઠ આવક રૂ.૨૦૦ અપેક્ષિત છે.
આમ(૧) લેખક ઉપરોકત કંપનીના શેરમાં કોઈ રોકાણ ધરાવતા નથી. લેખકના રીસર્ચ માટેના સ્ત્રોતોનું અંગત પ્રત્યક્ષ કે પરોક્ષ હિત-રોકાણ હોઈ શકે છે. કોઈપણ રોકાણ નિર્ણય લેતાં પહેલા ક્વોલિફાઈડ ઈન્વેસ્ટમેન્ટ ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ લેવી. રોકાણ પર સંભવિત કોઈ નુકશાની માટે લેખક, ગુજરાત સમાચાર કે અન્ય કોઈપણ વ્યક્તિ જવાબદાર રહેશે નહીં. (૨) ૨.૫ અબજ ડોલરથી વધુના કલ્યાણી ગુ્રપના ૭૫ ટકા પ્રમોટર્સ હોલ્ડિંગ ધરાવતી (૩) બેંક બેલેન્સ અને અનલિસ્ટેડ કંપનીઓમાં રોકાણનું ૩૧, માર્ચ ૨૦૨૪ મુજબ મૂલ્ય રૂ.૧૦૬૮ કરોડ અને ૧૨, જુલાઈ ૨૦૨૪ના ભાવ મુજબ લિસ્ટેડ કંપનીઓમાં શેરોમાં રોકાણનું રૂ.૧૨,૧૬૪ કરોડનું મૂલ્ય મળીને કુલ રૂ.૧૩,૨૩૨ મૂલ્ય ધરાવતી અને તેનું શેર દીઠ વેલ્યુએશન રૂ.૩૦,૩૧૧ ધરાવતી કંપનીનો રૂ.૧૦ પેઈડ-અપ શેર ૧૨, જુલાઈ ૨૦૨૪ના બીએસઈ પર (એનએસઈ પર રૂ.૬૩૧૧ ) રૂ.૬૩૧૧.૩૦ ભાવે વેલ્યુએશનના માત્ર ૨૦.૮૪ ટકા મૂલ્ય પર મળી રહ્યો છે.