બડે મિયાં છોટે મિયાં પછી સળંગ બીજી ફલોપ. પાછલાં કેટલાં વર્ષોમાં લાગલગાટ ફલોપ જતો હોવાથી અક્ષય પર દાવ લગાડતાં નિર્માતાઓ ખચકાશે.
અક્ષય કુમારની ‘સરફિરા’ ફિલ્મ પહેલા દિવસે માત્ર અઢી કરોડ રુપિયા કમાઈ છે. અક્ષય કુમાર જેવા કલાકારની ફિલ્મ માટે આ કલેક્શન અપેક્ષા કરતાં ક્યાંય નીચું છે. અક્ષયની પાછલી ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં’નો પણ ટિકિટબારી પર રકાસ થયો હતો. વાસ્તવમાં છેલ્લાં કેટલાંક વર્ષોથી અક્ષય કુમાર કોઈ મોટી હિટ ફિલ્મ આપી જ શક્યો નથી. ડેક્કન એરલાઈન્સના સ્થાપક કેપ્ટન ગોપીનાથની બાયોપિક ‘સરફિરા’ મૂળ તમિલ ફિલ્મ ‘સુરારાઈ પોટ્ટુરુ’ની રીમેક છે. તમિલ કલાકાર સૂર્યાની આ ફિલ્મ લાંબા સમયથી ઓટીટી પર ઉપલબ્ધ છે અને મોટાભાગના દર્શકો તેને જોઈ ચૂક્યા છે. આથી અક્ષયે તદ્દન ખોટી ફિલ્મની જ પસંદગી કરી હોવાનું ટ્રેડ નિષ્ણાતોએ જણાવ્યું હતું.
બોક્સ ઓફિસ વર્તુળોના જણાવ્યા અનુસાર ફિલ્મનું એડવાન્સ બૂકિંગ શરુઆતથી જ બહુ નબળું રહ્યું હતું. પહેલા દિવસે ભારતભરમાં કલેક્શન માંડ અઢી કરોડ રહ્યું છે. કેટલાંય થિયેટરોમાં તો ૧૦ ટકા સીટો પણ માંડ ભરાઈ હતી. જોકે, ફિલ્મમાં અક્ષયની એક્ટિંગના વખાણ થયાં છે. આથી વીક એન્ડમાં માઉથ પબ્લિસિટીના કારણે કદાચ થોડું કલેક્શન વધી શકે છે. પરંતુ, ઓવરઓલ અક્ષયની કેરિયર બૂકમાં વધુ એક નિષ્ફળ ફિલ્મ લખાઈ ગઈ છે. ટ્રેડ વર્તુળોેએ કહ્યું હતું કે અક્ષય તેની કારકિર્દીના સૌથી નબળા ફેઝમાંથી પસાર થઈ રહ્યો છે. હવે તેના પર કોઈ નિર્માતાઓ મોટાં રોકાણનો દાવ લગાડતાં ખચકાશે. આમ પણ છેલ્લા કેટલાક સમયથી અક્ષય પોતાની મોટાભાગની ફિલ્મોમાં જાતે નિર્માતા બની જાય છે. અક્ષયની પાછલી ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં’ ફલોપ થતાં તેના નિર્માતા વાસુ ભગનાની ૨૫૦ કરોડના દેવાંમાં ઉતરી ગયા છે અને અક્ષયે આ ફિલ્મ માટે પોતાની ફી પણ જતી કરવી પડી છે.