સંજયને સાઈન કરાયો હોવાની અધિકૃત ઘોષણા. વેલકમ ટૂ ધી જંગલમાં ગરબડો હોવાનું જણાવી છોડી દીધા બાદ ફિરોઝ નડિયાદવાલા સાથે સમાધાન.
સંજય દત્તે ‘હાઉસફૂલ ફાઈવ’ સાઈન કરી લીધી હોવાની અધિકૃત જાહેરાત થઈ છે. સંજય દત્ત અને નિર્માતા ફિરોઝ નડિયાદવાલા બંનેએ આ જાહેરાત કરી હતી. ફિરોઝ નડિયાદવાલાની જ ‘વેલકમ ટૂ ધી જંગલ’ ફિલ્મના શૂટિંગમા કોઈ ઢંગધડા નહિ હોવાથી આ ફિલ્મ સંજય દત્તે છોડી દીધી હતી. પરંતુ, હવે બંને વચ્ચે ફરી સમાધાન થયાનું જણાય છે. ‘હાઉસફૂલ ફાઈવ’ ફિલ્મના અન્ય કલાકારોમાં અક્ષય કુમાર, અભિષેક બચ્ચન તથા રિતેશ દેશમુખનો પણ સમાવેશ થાય છે.
અગાઉ સંજય દત્તે ફિરોઝ નડિયાદવાલાની જ ‘વેલકમ ટૂ ધી જંગલ’ કેટલાક દિવસોનું શૂટિંગ કર્યા બાદ છોડી દીધી હતી. કેટલાક અહેવાલો અનુસાર સંજય દત્તે પોતાની તબિયત ખરાબ હોવાનું જણાવી આ ફિલ્મ છોડી હતી. જોકે, અન્ય કેટલાક અહેવાલોમાં થયેલા દાવા અનુસાર ‘વેલકમ ટૂ ધી જંગલ’માં સ્ક્રિપ્ટનાં કોઈ ઠેકાણાં ન હતાં. ફિલ્મના સેટ પર સંવાદો લખાતા હતા અને વારંવાર ફેરફારો થતા હતા. આ ગરબડોથી ત્રાસીને સંજય દત્તે ફિલ્મ છોડી હતી. હવે સંજય દત્ત અને ફિરોઝ નડિયાદવાલા વચ્ચે સમાધાન થઈ ગયું હોય તેમ જણાય છે ‘વેલકમ ફાઈવ’માં સંજય દત્તની એન્ટ્રીની જાહેરાત વખતે બંનેએ એકબીજાની ભરપૂર પ્રશંસા પણ કરી છે.