કિંગ બીગ સ્ક્રિન પર સુહાનાની પહેલી ફિલ્મ હશે.કાસ્ટિંગમાં વિલંબ થતાં ફિલ્મનું શૂટિંગ પણ મોડેથી શરુ થાય તેવી ધારણા.
શાહરુખ ખાન પોતાની ફિલ્મ ‘કિંગ’ માં વિલનના રોલ માટે સાઉથના કોઈ કલાકારની શોધ કરી રહ્યો છે. તેણે સાઉથના કેટલાક મોટા કલાકારોનો આ માટે સંપર્ક પણ કર્યો છે.શાહરુખ ખાનની ફિલ્મ ‘જવાન’માં સાઉથના સ્ટાર વિજય સેતુપતિએ વિલનની ભૂમિકા ભજવી હતી. તે પછી ‘કિંગ’ માટે પણ શાહરુખ સાઉથના કોઈ સ્ટારને જ વિલનની ભૂમિકા સોંપવાનું વિચારે છે. જોકે, હજુ સુધી કોઈ એક્ટરનું નામ ફાઈનલ થયું નથી. આ ફિલ્મનું શૂટિંગ ચાલુ મહિનામાં અથવા તો ઓગસ્ટમાં શરુ થઈ જવાનું હતું. પરંતુ, હજુ સુધી મુખ્ય વિલન સહિતની કાસ્ટ નક્કી નહીં થઈ હોવાથી શૂટિંગ શિડયૂલ મોડું થાય તેવી ધારણા છે. ઉલ્લેખનીય છે કે ‘કિંગ’ સુહાના ખાનની મોટા પડદા પરની પહેલી ફિલ્મ હશે. આ અગાઉ સુહાનાની ‘આર્ચીઝ’ ફિલ્મ સીધી ઓટીટી પર રીલિઝ થઈ હતી. આ ફિલ્મમાં સુહાનાની એક્ટિંગ અને ઢંગધડા વગરની ડાયલોગ ડિલિવરીની બહુ ટીકા થઈ હતી. આથી શાહરુખ ખાનને લાગ્યું હતું કે સુહાનાનું વધારે સારી રીતે ડેબ્યૂ થાય તે જરુરી છે. તેથી તેણે ‘કિંગ’ ફિલ્મ પ્લાન કરી છે. શરુઆતમાં એવી વાત હતી કે શાહરુખ આ ફિલ્મમાં માત્ર કેમિયો કરવાનો છે. બાદમાં કન્ફર્મ થયું હતું કે શાહરુખની ફિલ્મમાં મુખ્ય ભૂમિકા હશે.