ટોચની 25 વૈશ્વિક બેંકોની Mcap 4.11 ટ્રિલિયન ડોલર

એપ્રિલ-જૂન ૨૦૨૪ ક્વાર્ટરમાં વિશ્વની ટોચની ૨૫ બેંકોની કુલ માર્કેટ કેપિટલ ૫.૪ ટકા વધીને ૪.૧૧ ટ્રિલિયન ડોલર થઈ છે. મજબૂત વૈશ્વિક આર્થિક સંકેતોને કારણે બેંકોના શેરભાવ વધતા બજાર મૂલ્ય વધ્યું છે. લંડન સ્થિત અગ્રણી ડેટા અને એનાલિટિક્સ કંપની ગ્લોબલડેટાની તાજેતરની નોંધમાં ટાંકેલા આંકડા અનુસાર ચાઇના કન્સ્ટ્રક્શન બેંકમાં અને એચડીએફસી બેંકના માર્કેટ કેપમાં તાજેતરમાં સમાપ્ત થયેલા ક્વાર્ટરમાં ૧૫ ટકાથી વધુનો વધારો નોંધાયો છે. બંને બેંકોની માર્કેટ કેપ જૂન ૨૦૨૪ ક્વાર્ટરના અંતે અનુક્રમે ૧૮૭.૬ અને ૧૫૪.૪ અબજ ડોલર હતી.

રિપોર્ટ અનુસાર જેપી મોર્ગન ચેઝએ સતત નવમા ક્વાર્ટરમાં વૈશ્વિક સ્તરે સૌથી મૂલ્યવાન બેંક તરીકે પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. માર્કેટ કેપિટલાઇઝેશનમાં ૦.૭ ટકાના વધારા સાથે તેની માર્કેટકેપ ૫૮૦.૮ અબજ ડોલર પહોંચી છે. ‘યુએસ ફેડરલ રિઝર્વ સપ્ટેમ્બર ૨૦૨૪માં વ્યાજદરમાં ઘટાડો કરશે તેવી અપેક્ષાએ રોકાણકારો તેજીમાં છે અને બેન્કિંગ શેરોને લઈને ખાસ આશાવાદી છે.સેન્ટ્રલ બેંકના વ્યાજ દરો ૫.૨૫-૫.૫ ટકાની વચ્ચે સ્થિર છે અને તેના કારણે થાપણ ખર્ચમાં વધારો થશે નહીં અને બેંકોના નફામાં ઘટાડો નહિ થાય. મજબૂત અર્થતંત્ર અને ધિરાણમાં નજીવા સુધારાને કારણે બેંકોની કમાણી સ્થિર રહી શકે છે.’

જેપી મોર્ગન ચેઝે વિશ્વની અગ્રણી બેંક તરીકે તેની સ્થિતિ વધુ મજબૂત કરી છે. બેંકે ગત વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળાની સરખામણીમાં ચોખ્ખી આવકમાં ૯ ટકાનો વધારો નોંધાવ્યો છે અને તે વધીને ૪૧.૯ અબજ ડોલર થઈ છે. જેપી મોર્ગન સિવાય એચડીએફસી બેંકના બજાર મૂલ્યમાં પણ જબરદસ્ત વધારો થયો છે. જૂન ક્વાર્ટરના અંત સુધીમાં તેનું માર્કેટ કેપિટલાઇઝેશન ૧૭ ટકા વધીને ૧૫૪.૪ અબજ ડોલર થયું છે. ચીનની ચાર સૌથી મોટી બેંકો આઈસીબીસી, બેંક ઓફ ચાઈના, એગ્રીકલ્ચરલ બેંક ઓફ ચાઈના અને ચાઈના કન્સ્ટ્રક્શન બેંકના માર્કેટ કેપમાં ૩ થી ૨૨ ટકાનો વધારો થયો છે પરંતુ માર્ચ, ૨૦૨૪ના રોજ પૂરા થયેલા ક્વાર્ટરમાં આ બેંકોના નેટ ઈન્ટરેસ્ટ માર્જિનમાં ઘટાડો થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *