તહેવારોની મોસમ નજીક આવતા ખાદ્ય તેલની જૂનની આયાતમાં વધારો

વર્તમાન વર્ષના જૂનમાં દેશની વનસ્પતિ તેલ (ખાદ્ય અને બિન-ખાદ્ય)ની આયાત વાર્ષિક ધોરણે ૧૮ ટકા વધી ૧૫૫૦૬૫૯ ટન્સ રહી હતી જે ૨૦૨૩ના જૂનમાં ૧૩૧૪૪૭૬ ટન્સ રહી હતી એમ ધ સોલવન્ટ એકસ્ટ્રેકટર્સ’ એસોસિએશન ઓફ ઈન્ડિયા (સી)ના આંકડા જણાવે છે. તહેવારોની મોસમને પગલે આયાતમાં વધારો થયાનું માનવામાં આવે છે. વનસ્પતિ તેલમાં ખાદ્ય તેલની આયાત ૧૫૨૭૪૮૧ ટન્સ જ્યારે બિન-ખાદ્ય તેલની આયાત જૂનમાં ૨૩૧૭૮ ટન્સ રહી હતી. પામ ઓઈલની આયાતનું જૂનમાં છ મહિનાની ટોચે રહ્યું હતું. આવી રહેલા તહેવારોને કારણે રિફાઈનરો તરફથી માગ વધતા આયાતમાં વૃદ્ધિ જોવા મળી છે. પામ ઓઈલની આયાત મેની સરખામણીએ જૂનમાં ૩ ટકા ઊંચી રહી હતી. બીજી બાજુ સોયા ઓઈલની આયાતમાં ૧૫ ટકા ઘટાડો થયો હતો જ્યારે સનફલાવરની આયાત ૧૩.૪૦ ટકા ઊંચી રહી હતી. 

વર્તમાન ઓઈલ યરના  પ્રથમ આઠ મહિના એટલે કે નવેમ્બર ૨૦૨૩થી જૂન ૨૦૨૪ના ગાળામાં કુલ આયાત વાર્ષિક ધોરણે બે ટકા નીચી રહીને ૧૦,૨૨૯,૧૦૬ ટન્સ રહી હોવાનું પણ સીના ડેટા જણાવે છે.દેશમાં એડીબલ ઓઈલ્સની ઉપલબ્ધતા વધારવા આગામી બજેટમાં નાણાં પ્રધાન નેશનલ મિશન ઓન એડીબલ ઓઈલ્સ લોન્ચ કરશે તેવી સી દ્વારા અપેક્ષા વ્યકત કરવામાં આવી છે. ઘરઆંગણે ઉપલબ્ધતા વધવા સાથે ખાદ્ય તેલ માટે આયાત નિર્ભરતા ઘટી શકે છે. ક્રુડ તથા રિફાઈન્ડ ઓઈલ્સની પર આયાત ડયૂટીમાં તફાવત જે હાલમાં ૭.૫૦ ટકા છે તે વધારી ૧૫ ટકા કરવા પર પણ ભાર અપાયો છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *