‘નાગિન કરતી વખતે મારે ખાતરી કરાવવી પડી હતી કે નાગિન ભલે અવાસ્તવિક પાત્ર હોય, પણ દર્શકોએ જો સુપરમેન અને બેટમેન જેવા અવાસ્તવિક પાત્રો સ્વીકાર્યા હોય તો નાગિનને તેઓ શા માટે નકારશે?’
‘કૂબૂલ હૈ’, ‘નાગિન’ જેવા ટીવી શો અને હવે ઓટીટી ડ્રામા ‘ગુના’માં પોતાના રોલ માટે જાણીતી થયેલી અભિનેત્રી સુરભિ જ્યોતિના મતે હાલના સમયમાં તમામ પ્રકારની વાર્તા પરથી ફિલ્મ બની રહી હોવાથી કલામાં રુચિ રાખનારા કલાકારો માટે ઉત્તમ સમય ચાલી રહ્યો છે.ટીવી, ઓટીટી તેમજ સિનેમામાં તમામ પ્રકારના પાત્ર, એક્ટર અને વય જૂથ સાથે સુસંગત હોય તેવા કન્ટેન્ટ પર સર્જકોનું ધ્યાન કેન્દ્રિત થઈ રહ્યું હોવાની બાબતે સુરભિએ સંતોષ વ્યક્ત કર્યો હતો.
સુરભિએ એક મુલાકાતમાં જણાવ્યું કે મુખ્ય ભૂમિકા નિભાવવા હવે કલાકારે અમુક જ પ્રકારનો દેખાવ રાખવો જરૂરી નથી રહ્યું. આ બાબત યોગ્ય જ છે કારણ કે ફિલ્મોમાં સમાજનું ખરુ પ્રતિબિંબ પડવું જોઈએ. હવેની વાર્તાઓ વાસ્તવિક અને સુસંગત પાત્રો રજૂ કરીને વધુ સમાવિષ્ટ બની રહી છે તે સારી બાબત છે. ઓટીટી ડ્રામા ‘ગુના’એ તેને ઉદ્યોગપતિ તારાની બિનપરંપરાગત ભૂમિકા ભજવવાની તક આપી. શોમાં તારા હીરોની પ્રેમિકા છે અને તે રસપ્રદ પાત્ર છે. સુરભિ કહે છે કે આવા પ્રકારનું પાત્ર હજી સુધી તેણે ભજવ્યું નથી. સુરભિએ સ્ક્રિપ્ટ વાંચી ત્યારે જ તેને ખાતરી થઈ ગઈ કે આ પાત્ર પ્રચલિત ધોરણથી અલગ છે અને એક કલાકાર તરીકે તેણે આ તક છોડવી ન જોઈએ.
અંગ્રેજી સાહિત્યમાં માસ્ટર્સ પૂર્ણ કરીને પીએચડીની તૈયારી કરી રહેલી સુરભિ જણાવે છે કે તેણે અભિનયની દુનિયામાં અજાણતા જ પ્રવેશ કરી લીધો હતો કારણ કે તેના સમગ્ર ઉછેર દરમ્યાન તેને શિક્ષક બનવાની જ ઝંખના રહી હતી.જો કે સુરભિ સમગ્ર અભ્યાસક્રમ દરમ્યાન પેશન તરીકે થિયેટર કરતી રહી હતી,પણ તેની યોજના શિક્ષક બનવાની જ હતી. તેણે ક્યારે પણ અભિનયને વ્યવસાય તરીકે અપનાવવાનું નહોતું વિચાર્યું કારણ કે જાલંધર જેવા એક નાનકડા શહેરમાં મધ્યમ વર્ગીય પરિવારમાં કન્યાઓ માટે મુંબઈ જઈને અભિનયમાં કારકિર્દી ઘડવી અજુગતું માનવામાં આવતું હતું.
કુબુલ હૈના પ્રોડયુસર ગુલ ખાને જ્યોતિના થિયેટર કામને જોયું અને તેનો સંપર્ક કરીને તેને રોલની ઓફર કરી. સુરભિ આ વાત યાદ કરતા કહે છે કે પ્રથમ તેના પરિવારને આ ફ્રોડ કોલ હોવાનો શક થયો હતો.સુરભિ યાદ કરે છે કે માતાએ તો ત્યાં સુધી કહ્યું હતું કે જલંધર જેવા નાનકડા શહેરમાં બેઠા હોઈએ અને કોઈ મુંબઈથી ફોન કરીને રોલ ઓફર કરે તે માનવામાં નથી આવતું. જો કે સુરભિના પિતાએ કહ્યું કે પ્રયાસ કરવામાં હરકત નથી. જો તે ખોટું હોય તો પાછી આવતી રહેજે. પણ સુરભિના નસીબે ફોન ખરો હતો અને તે મુંબઈમાં આવીને કલાકાર બની ગઈ.
નાગિન વિશે પોતાનો અનુભવ વર્ણવતા સુરભિ કહે છે કે નાગિન કરતી વખતે તેણે પોતાને ખાતરી કરાવવી પડી હતી કે નાગિન ભલે અવાસ્તિવિક પાત્ર હોય, પણ દર્શકોએ સુપરમેન અને બેટમેન જેવા અવાસ્તવિક પાત્રો સ્વીકાર્યા છે તો નાગિનને શા માટે નકારશે? સુરભિ માને છે કે દર્શકોને પાત્રમાં રસ લેતા કરવા કલાકારને પોતાને પાત્ર પર વિશ્વાસ હોવો જોઈએ. આથી કોઈપણ કલાકારે પાત્રને સમજી લઈને પોતાને જ તેના વિશે ખાતરી કરાવવાની હોય છે. સુરભિ માને છે કે દર્શકોને પાત્ર વિશે ખાતરી કરાવવામાં જ કલાકારની કુશળતાની કસોટી રહેલી છે.