આર. માધવન તથા અર્જુન રામપાલને પણ ઓફર અશ્વત્થામા પડતી મૂક્યા બાદ આદિત્ય ધરનો નવો પ્રોજેક્ટ આ વર્ષના અંતથી શૂટિંગ.
રણવીર સિંહ, સંજય દત્ત, આર. માધવન અને અર્જુન રામપાલ સહિતના કલાકારો ‘ધુરંધર’ ટાઈટલ ધરાવતી ફિલ્મમાં સાથે દેખાય તેવી સંભાવના છે. ફિલ્મ સર્જક આદિત્ય ધરે આ કલાકારોનો સંપર્ક કર્યો છે. હજુ સુધી કોઈના કોન્ટ્રાક્ટ સાઈન થયા નથી પરંતુ કલાકારોએ સ્ક્રિપ્ટ જોયા બાદ સંમતિ આપી દીધી હોવાનું કહેવાય છે. ફિલ્મનું પ્રિ પ્રોડક્શન શરુ થઈ ચૂક્યું છે અને તે આ વર્ષના અંતથી ફ્લોર પર જાય તેવી સંભાવના છે. ફિલ્મમાં રણવીર સિંહ એક ઈન્ટેલિજન્સ ઓફિસરનો રોલ ભજવશે એમ કહેવાય છે. આદિત્ય ધરે ૩૦૦ કરોડથી વધુનું બજેટ ધરાવતી ફિલ્મ ‘અશ્વત્થામા’ પ્લાન કરી હતી. તે માટે વિકી કૌશલને મુખ્ય હિરો તરીકે નક્કી કરાયો હતો. જોકે, પાછલાં બે વર્ષમાં બોલીવૂડની અનેક બિગ બજેટ ફિલ્મો ફલોપ જતાં આદિત્ય ધરને આ ફિલ્મ માટે ફાઈનાન્સના વાંધા પડી ગયા હતા. છેવટે તેણે આ ફિલ્મ પડતી મૂકી હતી. હવે તેણે ‘ધુરંધર’નો પ્રોજેક્ટ હાથ પર લીધો છે. આ પણ એક બિગ બજેટ ફિલ્મ હશે. જોકે, વિકી કૌશલની સરખામણીએ રણવીર સિંહની કમર્શિઅલ વેલ્યૂ વધારે હોવાથી આદિત્યને ફાઈનાન્સ મેળવવામાં વાંધો નહિ આવે તેમ મનાય છે.