ઔરો મેં કહાં દમ થા આ મહિને નહિ આવે. પાછલી મોટાભાગની ફિલ્મો ફલોપ ગઈ હોવાથી અજયને આત્મવિશ્વાસ નથી
અજય દેવગણ અને તબુની ફિલ્મ ‘ઔરો મેં કહાં દમ થા’ આ મહિને રીલિઝ નહિ થાય એમ મનાય છે. હાલ ટિકિટબારી પર પ્રભાસ તથા દીપિકાની ‘કલ્કિ ૨૮૯૮ એડી’ ટંકશાળ પાડી રહી હોવાથી તેની સામે ટક્કર ટાળવા આ નિર્ણય લેવાયો હોવાની ટ્રેડ વર્તુળોમાં ચર્ચા છે. પ્રભાસની ‘કલ્કિ ૨૮૯૮ એડી’ તેના પહેલા જ વીક એન્ડમાં વર્લ્ડ વાઈડ ૫૦૦ કરોડના કલેક્શનને આંબી ચુકી હોવાનું કહેવાય છે. હિંદીમાં તેનું કલેક્શન ૧૩૦ કરોડ પર પહોંચ્યું હોવાના દાવા થઈ રહ્યા છે. ટ્રેડ વર્તુળોના જણાવ્યા અનુસાર ‘કલ્કિ’ સારી ચાલી હોવાથી અજયને હાલ નવાં સ્ક્રીન મેળવવામાં તકલીફ પડે તેમ છે. બીજું કે નજીકના ભૂતકાળમાં અજય દેવગણની મોટાભાગની ફિલ્મો ફલોપ થઈ ગઈ છે. આથી, અજયને પણ પોતાની બોક્સ ઓફિસ પર સારો દેખાવ કરવાની ક્ષમતા પર ભરોસો રહ્યો નથી. આથી, તે હાલ કોઈ જોખમ ટાળી રહ્યો છે.