દેશમાંથી સ્માર્ટફોનની નિકાસમાં થઈ રહેલા વધારાને પરિણામે સ્માર્ટફોનની નિકાસ બજારમાં ભારત ચીન તથા વિયેતનામની નજીક પહોંચી રહ્યું છે. ગત નાણાં વર્ષમાં ચીન તથા વિયેતનામની સ્માર્ટફોનની નિકાસમાં અનુક્રમે ૨.૭૮ ટકા તથા ૧૭.૬૦ ટકા ઘટાડો થયો હતો જ્યારે ભારતની સ્માર્ટફોનની નિકાસ વાર્ષિક ધોરણે ૪૦.૫૦ ટકા વધી હોવાનું ઈન્ટરનેશનલ ટ્રેડ સેન્ટરના ડેટા જણાવે છે.ચીન તથા વિયેતનામની નિકાસમાં થયેલા ઘટાડાનો પચાસ ટકા હિસ્સો ભારતે મેળવી લીધો છે. જો કે સ્માર્ટફોન્સની નિકાસમાં ચીન હજુપણ આગેવાન દેશ તરીકે જળવાઈ રહ્યો છે પરંતુ ભારતે પણ નોંધપાત્ર પ્રગતિ કરી હોવાનું આંકડા પરથી સમજી શકાય છે. નાણાં વર્ષ ૨૦૨૩માં ૧૩૬.૩૦ અબજ ડોલરની સરખામણીએ ચીનની સ્માર્ટફોનની નિકાસ નાણાં વર્ષ ૨૦૨૪માં સાધારણ ઘટી ૧૩૨.૫૦ અબજ ડોલર રહી છે. વિયેતનામની નિકાસ ૩૧.૯૦ અબજ ડોલરથી ઘટી ૨૬.૨૭ અબજ ડોલર રહી હતી જ્યારે ભારતની સ્માર્ટફોનની નિકાસનો આંક ૧૧.૧૦ અબજ ડોલર પરથી વધી ૧૫.૬૦ અબજ ડોલર રહ્યાનું પણ ડેટા પરથી કહી શકાય એમ છે.
ભારતની માલસામાનની નિકાસમાં ૧૫.૬૦ અબજ ડોલર સાથે ગત નાણાં વર્ષમાં સ્માર્ટફોન ચોથી મોટી નિકાસ આઈટેમ રહી હતી. પ્રોડકશનલ લિન્કડ ઈન્સેન્ટિવ સ્કીમ જેવા નિકાસ પ્રોત્સાહનોને કારણે સ્માર્ટફોનની નિકાસ વધારવામાં મદદ મળી હોવાનું વાણિજ્ય મંત્રાલયના સુત્રોએ જણાવ્યું હતું.