46 કંપનીઓના 262 કરોડ શેરનો લોક-ઈન પીરિયડ સમાપ્તિના આરે

આગામી થોડાક દિવસોમાં ઓછામાં ઓછી ૪૬ કંપનીઓના ૨૬૨.૮ કરોડ શેર શેરબજારમાં વેચાણ માટે ઉપલબ્ધ થશે. નુવામા ઓલ્ટરનેટિવ એન્ડ ક્વોન્ટિટેટિવ રિસર્ચના એક રિપોર્ટમાં આપવામાં આવેલ માહિતી અનુસાર ૨૬૨.૮ કરોડ શેરનો લોક-ઇન પીરિયડ ૨૪ જૂનથી ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૪ વચ્ચે સમાપ્ત થશે. લોક-ઇન સમાપ્ત થઈ રહેલ શેરની કુલ અંદાજિત કિંમત ૧૧.૯ અબજ ડોલર છે.જોકે અત્રે નોંધનીય છે કે લોક-ઇન સમયગાળાના અંતનો અર્થ એ નથી કે તે તમામ શેર બજારમાં વેચવામાં આવશે. આ તમામ શેર માત્ર વેચાણ માટે પાત્ર જ બનશે. શેર વેચવા કે નહિ તે નિર્ણય શેરધારકની વિવેકબુદ્ધિ પર આધારિત છે.આ ફ્રી થઈ રહેલ ૨૬૨ કરોડ શેરમાંથી ૧૨૭.૫ કરોડ શેર જેએસડલબ્યુ ઈન્ફ્રાના છે. આ કંપનીના શેરનો લોક-ઈન પીરિયડ આ વર્ષે ૩૦ સપ્ટેમ્બરે પૂરો થશે. ૧૨૭.૫ કરોડ શેર કંપનીની કુલ શેર કેપિટલના ૬૧ ટકા છે.

  લિસ્ટિંગના આઠ મહિનાની અંદર જેએસડલબ્યુ ઇન્ફ્રાના શેર તેમના આઈપીઓના ઈશ્યુ ભાવ ૧૧૦થી અંદાજે ત્રણ ગણાથી વધુ વધી ગયા છે.નવી લિસ્ટિંગમાં સામેલ કંપનીઓમાં ઓફિસ સ્પેસ સોલ્યુશન્સ, ક્રોનોક્સ લેબ સાયન્સ અને લે ટ્રેવેન્યૂઝ ટેક્નોલોજીસનો એક મહિનાનો લોક-ઇન સમયગાળો ૧૫ જુલાઈ સુધી લંબાવવામાં આવ્યો છે. ભારતી હેક્સાકોનનો ૩ મહિનાનો લોક-ઈન પીરિયડ ૮ જુલાઈએ પૂરો થશે. એક દાયકા કરતાં વધુ સમય પછી ભારતી ગુ્રપ દ્વારા શેરબજારમાં લિસ્ટેડ આ પ્રથમ કંપની હતી. લોક-ઇન સમય પૂર્ણ થયા પછી તેની કુલ ઇક્વિટી મૂડીના ૩ ટકા શેર ટ્રેડિંગ માટે પાત્ર બનશે. આ સિવાય આધાર હાઉસિંગ ફાઈનાન્સ, ગો ડિજિટ અને ઈન્ડિજનના શેરનો ૩ મહિનાનો લોક-ઈન પીરિયડ પણ સમાપ્ત થવા જઈ રહ્યો છે. આ સિવાય જ્યોતિ સીએનસીના ૧૫.૨ કરોડ શેર અથવા બાકી ઇક્વિટીના ૬૭ ટકા ૧૬ જુલાઈના રોજ ટ્રેડિંગ માટે ઉપલબ્ધ બનશે. આ યાદીમાં બાકી રહેલા સ્ટોક્સમાં એપીજે સુરેન્દ્ર પાર્ક, રાશી પેરિફેરલ્સ અને બીએલએસ ઈ સર્વિસિસ વગેરેનો સમાવેશ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *