પરિવાર સાથે જોડાઇ રહેવાની ભાવના સાથે થયો વોટ્સએપનો જન્મ!

સેલિબ્રેશન-ચિંતન બુચ ઈન્વેસ્ટમેન્ટ નહીં મળી રહ્યું હોવા છતાં તેઓ એકપણ જાહેરખબર નહીં લેવાના નિર્ણય સામે મક્કમ હતા. 30 જૂન સોશિયલ મીડિયા ડે 

‘થેન્ક્યુ જાન કુમ….થેન્ક્યુ બ્રાયન એક્ટન…’ આ વાંચતાં જ એવું કુતૂહલ થાય તે સ્વાભાવિક છે કે, ‘આ બંને જનાબ છે કોણ? તેમને થેન્ક્યુ કહેવા પાછળનું વળી શું કારણ છે? ‘આ કારણ જાણતાં પહેલા ફ્લેશબેકમાં જઈએ અને તે પછી તમે પણ તેમને થેન્ક્સ કહેશો તો નવાઇ નહીં. 

૨૪ ફેબુ્રઆરી ૧૯૭૬નું વર્ષ, યુક્રેનના કીવના એક અત્યંત સામાન્ય પરિવારમાં જાન કુમનો જન્મ થયો. પૂર્વ યુરોપમાં સામ્યવાદી વિચારધારા પડી ભાંગતાં જ કુમની માતાએ વધુ સારા ભવિષ્ય માટે અમેરિકા સ્થાયી થવાનો નિર્ણય લીધો. પરંતુ અમેરિકામાં પગ મૂક્યો એ સાથે જ કુમની માતાને કેન્સરનું નિદાન થયું. સ્થિતિ એવી સર્જાઈ કે કુમ અને તેની માતા અન્નના એક-એક દાણા માટે અમેરિકન સરકારના મોહતાજ થઈ ગયા. કુમે પરિવારના ગુજરાન માટે ખૂબ જ નાની વયે કરિયાણાની દુકાનમાં કામ કરવાનું શરૂ કર્યું. એક તરફ તે માતાને મોતના મુખે ધકેલાતો જોઇ રહ્યો હતો તો બીજી તરફ આર્થિક સ્થિતિ એવી હતી કે એક ટંક ખાવાનું મળે તે પછી બીજી વખત ક્યારે મળે તેનો પ્રશ્નાર્થ રહેતો. પરંતુ આ વિકટ સ્થિતિ છતાં માથે હાથ દઈને કિસ્મતને દોષ દેવાને બદલે તેણે બમણી મહેનત શરૂ કરી દીધી. તેને થયું કે આ દુનિયામાં ટકવું હોય તો ફક્ત કામ કરવું પૂરતું નથી, કામ કરવાની સાથે પોતાને અપગ્રેડ પણ કરતાં રહેવું પડશે. 

જેના કારણે તે  સવારથી સાંજ નોકરી કરતો અને સાંજે તે કમ્પ્યુટર પ્રોગ્રામ શીખતો. પ્રોગ્રામિંગ, કોડિંગ, નેટવર્કિંગ, સાયબર સિક્યુરિટી, હેકિંગ વિશે એટલી મ્હારત મેળવી લીધી કે તેને ‘યાહૂ’માં નોકરી મળી ગઈ. યાહૂમાં એક પ્રોજેક્ટમાં કામ કરતી વખતે તેની મુલાકાત બ્રાયન એક્ટન સાથે થઈ.  થોડો સમય કામ કર્યા બાદ બંને મિત્રોને થયું કે હવે આ યાહૂની નોકરીમાં વધુ શીખવા મળે તેમ લાગતું નથી અને હવે નવા સ્થાને નવા પડકારનો સામનો કરવાનો સમય આવી ગયો છે.  ૨૦૦૭ના વર્ષમાં બંને મિત્રોએ ફેસબૂકમાં એપ્લાય કર્યું પણ ત્યાં તેમનો કોઈ મેળ પડયો નહીં. હવે બંને મિત્રો પાસે બીજી નોકરીની શોધ કરવી અથવા તો પોતાની જ એક કંપની બનાવવી એમ બે વિકલ્પમાંથી શેના ઉપર પસંદગી ઉતારવી તેની ગડમથલમાં હતા. 

આખરે બંનેએ કંપની બનાવવાના બીજા વિકલ્પ પર પસંદગી ઉતારી. પરંતુ હવે બીજો પ્રશ્ન ખડો થયો કે આ કંપનીમાં એવી તો શું યુનિક પ્રોડક્ટ બનાવવી કે તે બીજાએ અગાઉ વિચાર્યું પણ ના હોય. કુમે વિચાર્યું કે તે જ્યારે ટીનએજમાં હતો ત્યારે તેને પરિવાર સાથે દરરોજ સંપર્ક કરવામાં ભારે સમસ્યા નહતી. પરિવાર સાથે વાત કરવા ફોન જેવા સાધનનો ઉપયોગ કરે તો તે એટલું મોંઘું પડતું કે તેને એક ટંક ભૂખ્યા રહેવું પડતું. તેણે વિચાર્યું કે કમ્યુનિકેશન માટે એવું કોઈ સાધન બનાવવું જોઈએ જેથી વ્યક્તિ પરિવારથી જોજનો દૂર હોવા છતાં તે એમની સાથે જ હોય તેવું અનુભવી શકે. પરિવાર સાથે જોડાઈ રહેવાની ભાવના સાથે ૩ મે ૨૦૦૯માં કૂન-એક્ટને જે માધ્યમને જન્મ આપ્યો તેને આપણે ‘વોટ્સ એપ’ તરીકે ઓળખીએ છીએ.

આપણે કોઇ વ્યક્તિને મળીએ તેના માટે અંગ્રેજીમાં ‘વોટ્સ અપ!?’ થી અભિવાદન કરવામાં આવે છે અને તેના પરથી કુને આ એપનું નામ વોટ્સ એપ પાડવાનું વિચાર્યું. વોટ્સ એપમાંથી પ્રથમ બે વર્ષ દરમિયાન કોઇ આવક નહીં થઇ રહી હોવા છતાં તેઓ હતાશ થયા નહીં. અનેક ઈન્વેસ્ટર્સ વોટ્સ એપમાં રોકાણ માટે આવતા પણ હતા પણ કુન-એક્ટનની શરત સાંભળી તુરંત જ મીટિંગમાંથી રુખસદ લઇ લેતા. બંનેની શરત એવી હતી કે ‘આ એપમાં કોઇ પણ જાહેરખબર નહીં લેવામાં આવે…?’ ઈન્વેસ્ટમેન્ટ નહીં મળી રહ્યું હોવા છતાં તેઓ એકપણ જાહેરખબર નહીં લેવાના નિર્ણય સામે મક્કમ હતા. આખરે તેમની મહેનત અને ધીરજ રંગ લાવી. ૨૦૧૧માં તેમની શરતોને માનીને બે કંપનીઓ ઈન્વેસ્ટમેન્ટ માટે તૈયાર થઇ અને તેમણે ૫૮ મિલિયન ડોલરનું રોકાણ કર્યું. વોટ્સ એપને ઊંચાઇ હાંસલ કરવા જે જેટ ફ્યૂઅલની જરૂર હતી તે ઈન્વેસ્ટમેન્ટ થકી મળી ગયું. વોટ્સ એપની ખ્યાતિ વિશ્વભરમાં પ્રસરવા લાગી. ફેબુ્રઆરી ૨૦૧૩માં તેમના એક્ટિવ યુઝર્સની સંખ્યા વઘીને ૨૦૦ મિલિયનને પાર થઇ. ઓગસ્ટ ૨૦૧૩માં તેમણે વોટ્સ એપમાં વોઇસ મેસેજની શરૂઆત કરી. કુન-એકટોન વોટ્સ એપની સફળતાનો જશ્ન મનાવી જ રહ્યા હતા ત્યાં જ એક ફોન આવ્યો જેમાં સામે વાળી વ્યક્તિએ કહ્યું, ‘હાય, માર્ક ઝકરબર્ગ કોમ ફેસબૂક, કેની વી મીટ?’ જે કંપનીએ તેમને નોકરી આપી નહોતી તે ફેસબૂકે જ તેમની કંપની ખરીદવા માટે ઓફર કરી હતી. ૧૯ ફેબુ્રઆરી ર૦૧૪ના ફેસબૂકે ૧૯ બિલિયન ડોલરમાં વોટ્સએપ ખરીદી લીધું. કુન અને એક્ટને દાખલો બેસાડયો કે ક્યારેક તમારી મરજી મુજબનું થાય નહીં તો હતાશ હાવી થવા દીધા વિના તમારા લક્ષ્ય પર જ ધ્યાન કેન્દ્રીત રાખો.  ૨૦૦૭માં બંનેને ફેસબુકમાં નોકરી મળી ગઈ હોત તો તેઓ કદાચ એક સામાન્ય કર્મચારી જ બની રહ્યા હોત. ખેર, ફેસબૂક મેનેજમેન્ટ સાથે વિખવાદ થતાં એક્ટને ૨૦૧૭માં અને કુને ૨૦૧૮માં વોટ્સએપમાંથી રાજીનામું આપ્યું. એક્ટન હાલમાં એન્ક્રિપ્ટેડ મેસેજિંગ સર્વિસ સિગ્નલના બોર્ડ મેમ્બર તરીકે ફરજ બજાવે છે જ્યારે  રશિયા-યુક્રેનના યુદ્ધ વખતે યુરોપિયન યહુદી એસોસિયેશનને ૧૦.૬ મિલિયન ડોલરની સહાય કરવા બદલ કુન ચર્ચામાં આવ્યો હતો.

  તેણે થોડા સમય અગાઉ એવી ટ્વીટ કરી હતી કે, ‘જે પણ વ્યક્તિ મને ઉદ્યોગ સાહસિક તરીકે બોલાવશે તેને મારા બોડીગાર્ડનો માર ખાવા તૈયાર રહેવું પડશે. ઉદ્યોગ સાહસિકો-ઉદ્યોગતપતિઓનું લક્ષ્ય વધુને વધુ નાણા કમાવવાનું હોય છે જ્યારે મારો વોટ્સ એપ શોધવા માટે મારો હેતુ નાણા કમાવવાનો નહીં પણ લોકોની મદદ કરવાનો હતો. ?’

બાય ધ વે, વોટ્સએપના સૌથી વધુ યુઝર્સમાં ભારત ૫૩૬ મિલિયન સાથે મોખરે, બ્રાઝિલ બીજા, ઈન્ડોનેશિયા ત્રીજા જ્યારે વોટ્સએપનો જન્મ જ્યાં થયો તે અમેરિકા ૯૮ મિલિયન સાથે પાંચમાં સ્થાને છે. પ્રત્યેક વ્યક્તિ મહિનામાં અંદાજે ૧૭ કલાક વોટ્સ એપ પાછળ ફાળવે છે. એક સમયે જન્મ -મરણના સમાચાર માટે પણ દિવસો સુધી રાહ જોવી પડતી. જેની સામે આજે વોટ્સએપથી ગુજરાતના ગ્રામ્ય વિસ્તારમાં બેઠેલી વ્યક્તિ પણ અમેરિકામાં તેના સ્વજનને ત્યં જમવામાં શું બનાવ્યું છે તે જાણી શકે છે. વોટ્સ એપથી લોકો ડિજિટલી ચોક્કસ જોડાઇ ગયા છે અને તેના માટે આપણે કુન-એક્ટનને થેન્ક્યુ તો કહેવું જ પડે ને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *