આપણે ત્યા એક કહેવત છે કે, ‘ભૂખ ન જોવે રોટલો અને ઉંઘ ન જોવે ખાટલો’. પરંતુ આજકાલ મોટાભાગના લોકોનો શારીરિક પરિશ્રમ ઓછો થઈ ગયો છે, એટલે રાત્રે કામ-ધંધા પરથી ઘરે જઈ સ્વચ્છ અને મુલાયમ બેડ પર નરમ ઓશિકું મળી જાય તો મજાની ઉંઘ આવી જાય છે. પરંતુ જે ઓશિકા પર તમે આરામથી સૂઈ રહ્યા છો, તે તમારા સ્વાસ્થ્ય માટે ખરેખર સારું છે? શું ઓશિકું રાખીને સૂવું જોઈએ? તો કેટલાક લોકો ઓશિકું રાખીને ન સૂવાની સલાહ આપે છે. પરંતુ શું દરેક વ્યક્તિએ આ સલાહને અનુસરવી જોઈએ? તમને જાણીને નવાઈ લાગશે કે આવું કેમ, પરંતુ અમે આ એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે નિષ્ણાતોના કહેવા પ્રમાણે આ પ્રશ્નનો જવાબ દરેક માટે સમાન નથી. હા, તમારે ઓશિકું રાખીને સૂવું જોઈએ કે નહીં તે તમારી ઊંઘવાની રીત પર નિર્ભર કરે છે. તેની સાથે સાથે ઓશિકા સાથે કે વગર સૂવાના પણ પોતાના ગેરફાયદા અને ફાયદા છે. ચાલો આજે તમને તેના વિશે વિગતવાર સમજાવીએ.
નેશનલ સ્લીપ ફાઉન્ડેશનના કહેવા પ્રમાણે સૂતી વખતે તમારું માથું તટસ્થ સ્થિતિમાં હોવું જોઈએ. એટલે કે, સૂતી વખતે તમારું માથું તમારા ખભાની બરોબર સમતલ જ હોવું જોઈએ. તે ખભાની નીચે પણ ન હોવુ જોઈએ કે ઉપર પણ ન હોવું જોઈએ. જેથી તમે આરામદાયક ઊંઘ લઈ શકો. પરંતુ તેમા કેટલાક લોકોને ઓશિકું લેવાની ટેવ હોય છે તો કેટલાક નથી લેતા. જો તમે પીઠ પર અથવા એકબાજુ સૂઈ જાઓ છો, તો તમને ઓશિકું લેવાથી રાહત મળી શકે છે. કારણ કે, તે તમારા માથાને ખભાના લેવલ પર સરખુ રાખે છે. જો તમે પેટ પર સૂઈ જાઓ છો, તો તમારે બિલકુલ ઓશિકું વાપરવું જોઈએ નહીં.
ઓશિકું લીધા વગર સૂવાના ફાયદા
- પેટ પર સૂતી વખતે તમારે ઓશિકુંનો ઉપયોગ ન કરવો જોઈએ. ઓશિકા વગર સૂવાથી ગરદન અને કમરના દુખાવામાં રાહત મળે છે. જો તમે ઇચ્છો તો તમે ખૂબ જ એક પાતળા ઓશીકાનો ઉપયોગ કરી શકો છો.
- આ અંગે કેટલાક સંશોધન થયા છે, તે પ્રમાણે જાણવા મળ્યું છે, કે ગાદલા ઊંઘ દરમિયાન ચહેરાની ત્વચાને સંકુચિત કરી શકે છે. ખાસ કરીને એવા લોકોમાં જેઓ તેમના પેટ પર સૂતા હોય છે. તેના કારણે સમય પહેલા ચહેરા પર કરચલીઓ પડવાનું જોખમ વધી જાય છે.
- કેટલાક લોકોને જાડુ અને મોટું ઓશીકુ લઈને સુવાની આદત હોય છે. પણ તમારી આ ટેવ તમને ઘણી તકલીફો આપી શકે છે. આમ કરવાથી તમારી ગરદનમાં તકલીફ થાય છે.
- જો રાત્રે વારંવાર તમારી ઊંઘમાં ખલેલ પડતી હોય તો, ઓશિકા વગર સૂવાની આદત પાડો. ધીમે ધીમે તમને સારી ઊંઘ આવવા લાગશે.
- ઓશીકા વગર સૂવાથી માથામાં લોહીનો પ્રવાહ વધે છે. જેના કારણે તમારું માનસિક સ્વાસ્થ્ય પણ સારું રહે છે. આવા લોકોની યાદશક્તિ સારી રહેતી હોય છે.
- જો તમે ઓશિકું રાખીને સુવો છો, તો તમારું માથું તમારા હૃદયની ઉપર રહે છે. જેના કારણે શરીરનું બ્લડ સર્ક્યુલેશન લેવલ ખરાબ થઈ શકે છે.