ભારતમાં, જુલાઈ ૨૦૧૫ થી જૂન ૨૦૧૬ અને ઓક્ટોબર ૨૦૨૨ થી સપ્ટેમ્બર ૨૦૨૩ દરમિયાન ઉત્પાદન ક્ષેત્રના ૧૮ લાખ અસંગઠિત એકમો બંધ થયા છે. આ સમયગાળા દરમિયાન આ અસંગઠિત સાહસોમાં કામ કરતા ૫૪ લાખ લોકોએ તેમની નોકરી ગુમાવી છે. ‘અસંગઠિત સેક્ટર એન્ટરપ્રાઇઝિસના વાર્ષિક સર્વે’ની તાજેતરમાં બહાર પાડવામાં આવેલા રીપોર્ટ અને ૨૦૧૫-૧૬માં નેશનલ સ્ટેટિસ્ટિકલ ઑફિસ (એનએસઓ) દ્વારા હાથ ધરવામાં આવેલા સર્વેના ૭૩મા રાઉન્ડના તુલનાત્મક પૃથ્થકરણથી આ વાત સામે આવી છે.
ઓક્ટોબર ૨૦૨૨થી સપ્ટેમ્બર ૨૦૨૩ દરમિયાન ઉત્પાદન ક્ષેત્રમાં લગભગ ૧૭૮.૨ લાખ અસંગઠિત એકમો કાર્યરત હતા, જે જુલાઈ ૨૦૧૫ થી જૂન ૨૦૧૬ વચ્ચે કાર્યરત ૧૯૭ લાખ અસંગઠિત એકમોની તુલનામાં લગભગ ૯.૩ ટકા ઓછા છે. તેવી જ રીતે, આ સંસ્થાઓમાં કામ કરતા લોકોની સંખ્યા પણ આ સમયગાળા દરમિયાન લગભગ ૧૫ ટકા ઘટીને ૩.૦૬ કરોડ થઈ છે, જે અગાઉ ૩.૬૦૪ કરોડ હતી.
અસંગઠિત એકમો માં એવી વ્યવસાયિક સંસ્થાઓનો સમાવેશ થાય છે જે અલગ કાનૂની સંસ્થાઓ તરીકે સમાવિષ્ટ નથી. આ સાહસોમાં સામાન્ય રીતે નાના વ્યવસાયો, એકમાત્ર માલિકી, ભાગીદારી અને અનૌપચારિક ક્ષેત્રના વ્યવસાયોનો સમાવેશ થાય છે. અસંગઠિત ક્ષેત્ર, જેમાં વ્યાપક અનૌપચારિક ક્ષેત્રનો સમાવેશ થાય છે, સતત આર્થિક આંચકાથી ગંભીર રીતે પ્રભાવિત થયા છે. આવા આંચકાઓમાં, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ અને કોવિડ મહામારી અગ્રણી છે.
લોકડાઉનને કારણે અનૌપચારિક રીતે આ ક્ષેત્ર ખરાબ રીતે પ્રભાવિત થયું છે. આ ક્ષેત્રની સંસ્થાઓ સામાન્ય રીતે લગભગ ૨.૫ થી ૩ લોકોને રોજગારી આપે છે. મોટા ભાગના લોકોનો પોતાનો ધંધો હોય છે અથવા પરિવારના સભ્યો તેમાં કામ કરે છે. તેથી, તે તાર્કિક છે કે તેના કારણે ઉત્પાદન ક્ષેત્રમાં લગભગ ૫૪ લાખ નોકરીઓ જતી રહી છે.ડેટાનું વિશ્લેષણ એ પણ દર્શાવે છે કે ઓક્ટોબર ૨૦૨૨ થી સપ્ટેમ્બર ૨૦૨૩ દરમિયાન ટ્રેડિંગ સેક્ટરમાં અસંગઠિત સંસ્થાઓની સંખ્યા ૨ ટકા ઘટીને ૨.૨૫ કરોડ થઈ છે, જે જુલાઈ ૨૦૧૫ થી જૂન ૨૦૧૬ દરમિયાન ૨.૩૦૫ કરોડ હતી. જો કે, આ સમયગાળા દરમિયાન, આ ક્ષેત્રમાં કામદારોની સંખ્યા ૩.૮૭ કરોડથી વધીને ૩.૯૦ કરોડ થઈ છે.